બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રાજ્યસભામાં આજે પણ હોબાળો, ખડગેએ રાજ્યસભામાં કવિતા વાંચી, રિજિજૂ ભડક્યા, બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત
Last Updated: 05:08 PM, 23 July 2026
સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસે પણ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષના સાંસદોએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે નારેબાજી કરી હતી. હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી, ત્યારબાદ 2 વાગ્યા સુધી અને અંતે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં પણ પહેલા 12 વાગ્યા સુધી, પછી 2 અને 3 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કર્યા બાદ આખરે દિવસભર માટે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
ADVERTISEMENT
ખડગે હાથમાં એક કાગળ લઈને ઊભા થયા અને કવિતા વાંચતા કહ્યું
રાજ્યસભામાં દિવસની કાર્યવાહી સમાપ્ત થાય તે પહેલાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કવિતા વાંચીને વિરોધ નોંધાવ્યો હતો. સાંજે 3 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે ઉપસભાપતિ હરિવંશે ખડગેને બોલવા માટે કહ્યું. ખડગે હાથમાં એક કાગળ લઈને ઊભા થયા અને કવિતા વાંચતા કહ્યું, "સાચને જીવંત રાખવા માટે મરી જઈશું... દેશમાંથી અન્યાય દૂર કરવા માટે દરેક પડકારનો સામનો કરીશું." જોકે, ખડગે આગળ બોલી રહ્યા હતા ત્યારે જ ઉપસભાપતિએ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂને બોલવાની તક આપી.
ADVERTISEMENT
રિજિજૂએ ખડગેના કવિતા વાંચવા સામે વાંધો ઉઠાવતા કહ્યું કે ખડગે આ રીતે જ કરતા રહે છે. તેમણે કહ્યું કે વિષય પર ચર્ચા શરૂ કરવા માટે ઔપચારિક ચર્ચાની વાત થઈ રહી છે, પરંતુ તેઓ લખીને લાવીને વિરોધ કરી રહ્યા છે. રિજિજૂએ કહ્યું કે આ રીતે ગૃહની કાર્યવાહી ચાલી શકે નહીં. આ દરમિયાન ઉપસભાપતિ હરિવંશે સ્પષ્ટતા કરી કે તેમણે ગૃહની કાર્યવાહી આગળ વધારવા માટે જ ખડગેને પ્રસ્તાવ પર બોલવા માટે કહ્યું હતું. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
બીજી તરફ, લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટ કહ્યું હતું કે પ્રશ્નકાળ દરમિયાન માત્ર પ્રશ્નકાળ જ ચાલશે. જોકે, વિપક્ષી સાંસદો વેલમાં ઊભા રહીને નારેબાજી કરતા રહ્યા. જેના કારણે સ્પીકરે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
ADVERTISEMENT
કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો
બપોરે 12 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો. હોબાળા વચ્ચે લિસ્ટેડ બિઝનેસ લેવામાં આવ્યો અને ત્યારબાદ કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. 2 વાગ્યે ડેપ્યુટી સ્પીકર પેનલના દિલીપ સૈકિયાએ નિયમ 377 હેઠળ ચર્ચા શરૂ કરાવવાના પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સાંસદોના સતત હોબાળાને કારણે કાર્યવાહી આગળ વધી શકી નહીં. અધ્યક્ષ તરફથી વારંવાર અપીલ છતાં વિપક્ષી સાંસદો વેલમાં જ ડટેલા રહ્યા અને અંતે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.