ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની 12 વર્ષની સગીરાને દેહવ્યાપારમાં ધકેલાઈ, કેટરિંગ કામના બહાને મહિલાએ કર્યું અપહરણ, સામૂહિક દુષ્કર્મ
Last Updated: 04:40 PM, 17 September 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં 12 વર્ષની સગીરાને કેટરિંગના કામે લઈ જવાના બહાને ચાર દિવસ સુધી કથિત રીતે દેહવ્યાપારમાં ધકેલી દેવાના આક્ષેપથી ચકચાર મચી છે. સગીરાને માંડા ડુંગર વિસ્તારમાં લઈ જઈ તેની ઈચ્છા વિરુદ્ધ કેટલાક વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી. સમગ્ર મામલે આજીડેમ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેટરિંગના કામના નામે મહિલા અપહરણ કરી ગઈ
રાજકોટના પુનિતનગર વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને પગલે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 11 સપ્ટેમ્બરના રોજ 12 વર્ષની સગીરા દુકાને જઈ રહી હતી ત્યારે પાડોશમાં રહેતી રેખા સાગઠીયા નામની મહિલાએ તેને કેટરિંગના કામે આવવા અંગે પૂછ્યું હતું. સગીરાએ કામે આવવાની સંમતિ આપ્યા બાદ રેખા તેને પોતાની સાથે ગોંડલ ચોકડી લઈ ગઈ હતી. ત્યાંથી બંને રિક્ષામાં આજીડેમ ચોકડી પહોંચ્યા હતા. આજીડેમ ચોકડી પર એક યુવક એક્ટિવા લઈને આવ્યો હતો અને બંનેને માંડા ડુંગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયો હતો.
ADVERTISEMENT
ચાર દિવસ ઘણા લોકોએ કર્યો રેપ
મકાનમાં સગીરાને લઈ જઈ તેની ઈચ્છા વિરુદ્ધ જુદા-જુદા વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ પ્રક્રિયા સતત ચાર દિવસ સુધી ચાલી હતી. આરોપી મહિલાઓ કથિત રીતે જુદા-જુદા લોકોને મકાનમાં બોલાવતી હતી તેમજ સગીરાનુ શારીરિક શોષણ પણ કરવામાં આવતું હતું. જેના બદલામાં રકમ લેવામાં આવતી હતી અને સગીરાને તેમાંથી રૂ.500 આપવામાં આવ્યા હતા. દરમિયાન 14 સપ્ટેમ્બરના રોજ સગીરાની માતા કામ પર હતી ત્યારે પાડોશી મહિલાનો ફોન આવ્યો હતો. સગીરા દાદીના ઘરે છે કે નહીં તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ સગીરા રેખા સાગઠીયા સાથે ગઈ હોવાની જાણ પરિવારને થઈ હતી. પરિવારજનો સગીરાની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન સાંજે રેખા સાગઠીયા સગીરાને લઈને ઘરે આવી હતી. ફરિયાદ મુજબ, રેખાએ સગીરાને કેટરિંગના કામે લઈ ગઈ હોવાનું કહી માતાને રૂ.500 આપ્યા હતા. જોકે કેટરિંગ કરનાર વ્યક્તિનો સંપર્ક નંબર માંગતા રેખાએ નંબર આપવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
આરોપીઓની ધરપકડ
પરિવારજનોએ સગીરાને વિશ્વાસમાં લઈને સમગ્ર હકીકત પૂછતાં તે રડવા લાગી હતી. ફરિયાદ મુજબ, સગીરાએ માંડા ડુંગર વિસ્તારમાં લઈ જવામાં આવી હોવાની અને ત્યાં ચાર દિવસ દરમિયાન તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની વાત પરિવારને જણાવી હતી. આજીડેમ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1), 65(1), 137(2), 87 અને 3(5), અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમ 3, 4 અને 5 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે તાત્કાલિક અસરથી 29 વર્ષીય રેખા સાગઠીયા અને 43 વર્ષીય અલ્પા ઉર્ફે ભૂરી ગળચરની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. બનાવ સમયે મકાનમાં અન્ય કોણ હાજર હતું અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આરોપીઓ મહિલાઓ સામે તપાસ શરુ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને મહિલા આરોપીઓ અગાઉથી આવા ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ બંનેનો ગુનાહિત ઇતિહાસ ચકાસવામાં આવી રહ્યો છે. હાલ આ સમગ્ર મામલે બે મહિલા આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે. જ્યારે સગીરાને મકાનમાં લઈ જનાર યુવક સહિત અન્ય સંભવિત સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસનો વિષય બની છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા હતા અને તેમની ભૂમિકા શું હતી તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.