બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 PM, 16 July 2026
ઓડિશાના પુરીમાં વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પવિત્ર પ્રસંગે ગુરુવારે દુઃખદ ઘટના બની હતી. ભગવાન જગન્નાથની 'પહંડી' વિધિ દરમિયાન અચાનક ભાગદોડ મચી જતાં એક શ્રદ્ધાળુનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને વૃદ્ધોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
માહિતી મુજબ, ગ્રાન્ડ રોડ પર માર્કેટ ચોક અને મરીચિ કોર્ટ ચોક વચ્ચે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભગવાનના દર્શન માટે લોકો આગળ વધતા અચાનક ભારે ધક્કામુક્કી સર્જાઈ અને પરિસ્થિતિ ભાગદોડમાં ફેરવાઈ ગઈ. ઘટના મંદિરના બાહ્ય સુરક્ષા ઘેરાથી અંદાજે 500 મીટર દૂર બની હોવાનું કહેવાય છે.
ઘટના બાદ સુરક્ષા દળો અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
જગન્નાથ રથયાત્રાની શરૂઆત 'પહંડી' વિધિથી થાય છે. આ વિધિ દરમિયાન ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાની મૂર્તિઓને 12મી સદીના જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાંથી ભવ્ય શોભાયાત્રા સાથે બહાર લાવી તેમના-તેમના રથમાં બિરાજમાન કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- કચ્છીઓના નવા વર્ષે જ ધરા ધ્રુજી, ખાવડા અને ધોળાવીરા ભૂકંપના આંચકા અનુભવાયા
ઘંટ, શંખ અને ઝાંઝના નાદ વચ્ચે સૌથી પહેલાં સુદર્શન ચક્રને બહાર લાવી દેવી સુભદ્રાના 'દર્પદલન' રથમાં સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન બલભદ્રને 'તાલધ્વજ' રથ સુધી લઈ જવાય છે અને અંતે ભગવાન જગન્નાથને ભવ્ય જયઘોષ વચ્ચે તેમના 'નંદીઘોષ' રથમાં બિરાજમાન કરવામાં આવે છે.
ADVERTISEMENT
સતત વરસાદ છતાં લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા હતા. ભગવાન જગન્નાથના દર્શન થતાં જ સમગ્ર 'બડા ડાંડા' માર્ગ પર 'જય જગન્નાથ'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. ઓડિસીના કલાકારો, લોકનૃત્ય મંડળીઓ અને સાંસ્કૃતિક ટોળકીઓએ પણ ભવ્ય રજૂઆતો કરી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન ત્રણેય દેવતાઓને મંદિરથી અંદાજે 2.6 કિલોમીટર દૂર આવેલા શ્રી ગુન્ડિચા મંદિર સુધી લઈ જવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ મંદિર ભગવાન જગન્નાથનું જન્મસ્થાન અથવા તેમની માસીનું ઘર માનવામાં આવે છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર રથયાત્રાની તમામ ધાર્મિક વિધિઓ સવારે લગભગ 9 વાગ્યાથી શરૂ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.