બ્રેકિંગ ન્યુઝ
VTV / porn-sites-and-youtube-rape-scenes-increasing-in-india
ADVERTISEMENT
આખરે આવા આરોપીઓના દિલમાં કાયદાની ધાક કે સહેજ પણ ડર કેમ નથી? વિકૃતિની ચરમસીમા ઓળંગીને આચરવામાં આવતા બળાત્કાર જેવા જઘન્ય અપરાધ બાદ પણ આરોપીઓ પીડિતાને રસ્તામાંથી હટાવવા માટે દિનદહાડે આવું દુષ્કૃત્ય આચરે છે અને આપણા કાયદાના રખેવાળો ‘સબ સલામત’નાં ગાણાં ગાય છે ત્યારે આમ આદમીનો રોષ ભભૂકવો સ્વાભાવિક જ છે. વર્ષ 2012ના ડિસેમ્બરમાં જ્યારે નિર્ભયાકાંડ થયો ત્યારે મહિલાઓની સુરક્ષાના મુદ્દે આખો દેશ સ્વયંભૂ રસ્તા પર ઊતરી ગયો હતો. બળાત્કાર સામે સરકાર પાસે કડકમાં કડક કાયદાની માગ કરવામાં આવી હતી. ઉગ્ર બનેલા જનઆંદોલનની અસર પણ જોવા મળી અને સરકાર કાયદો લઈને પણ આવી, પરંતુ વરવી હકીકત એ છે કે ત્યારથી લઈને આજદિન સુધી બળાત્કારના કેસમાં કોઈ ઘટાડો થયો નથી, ઊલટાનો તેમાં વધારો થયો છે.
દેશમાં દર વર્ષે વધી રહ્યાં છે દુષ્કર્મ
ADVERTISEMENT
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના સત્તાવાર આંકડા અનુસાર નિર્ભયાકાંડ વખતે દેશમાં રોજ 69 બળાત્કાર થતા હતા. એનસીઆરબી દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા (વર્ષ 2017) મુજબ દરરોજ 90 બળાત્કાર થાય છે. આજે 2019ના અંતની પરિસ્થિતિ તો તેના કરતાં પણ વધુ ભયાનક બની ગઈ છે.
બીભત્સ યૌનચિત્રણને કારણે માનસિક વૃત્તિઓ બગડી રહી છે
ADVERTISEMENT
બળાત્કારની ઘટનાઓમાં સતત થઈ રહેલા વધારા માટે હવે સિનેમા અને ટીવીને જવાબદાર ઠેરવવા કે પછી સમાજના કોઈ એક ખાસ વર્ગની ટીકા કરવાનો હવે કોઈ અર્થ નથી. આજે આપણે એ સમયગાળાથી ખૂબ આગળ વધી ગયાં છીએ. ઈન્ટરનેટ ક્રાંતિ અને સ્માર્ટફોનની હાથવગી સુવિધાએ પોર્ન (અશ્લીલ) અથવા બીભત્સ યૌનચિત્રણને બધાં પાસે આસાનીથી પહોંચાડી દીધું છે. ગઈ કાલ સુધી તેનો યુઝર ફક્ત સમાજનો ઉચ્ચ મધ્યમવર્ગ કે મધ્યમવર્ગ જ હતો, આજે તે સમાજના દરેક વર્ગ માટે સુલભ છે. દરેકના હાથમાં આજે મોબાઈલ ફોન છે. કીવર્ડ્સ લખવાની પણ જરૂર નથી, તમે બોલીને પણ બધું જોઈ શકો છો. ટેકનિક અને માધ્યમો બદલાય છે, પરંતુ આપણી માનસિક વૃત્તિઓ અને વિકૃતિઓ એ જ રહે છે.
સમાજની અંદર વધતી જતી વિકૃતિ
ADVERTISEMENT
તમને કદાચ જાણીને મોટો આંચકો લાગશે પણ તાજેતરમાં જારી થયેલા ઈન્ટરનેટ યુઝર્સના આંકડા અને તેનું બારીક વિશ્લેષણ આપણા સમાજની અંદર વધતી જતી વિકૃતિ તરફ સીધો ઈશારો કરે છે. સસ્તા સ્માર્ટફોન અને સાવ મફતના ભાવે ઉપલબ્ધ હાઈસ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ ભારતીય યુઝર્સ ક્યાં કરી રહ્યા છે તેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ આંકડા અનુસાર દેશભરમાં 80 ટકાથી વધુ મોબાઈલ ઈન્ટરનેટ ડેટા (કેટલાક કિસ્સામાં તો 90 ટકા) પોર્ન વીડિયો જોવા પાછળ જ ખર્ચવામાં આવ્યો છે.
લોકો ઈન્ટરનેટ પર બળાત્કારનાં વિડીયો સર્ચ કરી રહ્યાં છે
ADVERTISEMENT
એક જમાનામાં ફૂટપાથ પર વેચાતા અશ્લીલ સાહિત્યથી લઈને ટીવી-વીસીઆર-ડીવીડી અને સિનેમાના રસ્તે આજે આપણે યુટ્યૂબ સુધી પહોંચી ગયાં છીએ, પરંતુ એક સમાજના રૂપમાં આપણી જાતીય વૃત્તિઓ સતત કથળતી જાય છે. ઉદાહરણ તરીકે જો આપણે યુટ્યૂબ પર ‘રેપ સીન’ લખીને સર્ચ કરીએ તો 21 લાખ રિઝલ્ટ સ્ક્રીન પર આવી જાય છે. તેનો સીધો મતલબ કે લોકો આજે પણ ફિલ્મોના એ ખાસ સીનને વારંવાર જોવા-બતાવવા ઈચ્છે છે, જેમાં બળાત્કારનું ચિત્રણ કરવામાં આવ્યું હોય છે.
પોર્ન વ્યક્તિને ધીમે ધીમે મનોવિકૃતિ તરફ ધકેલે
ADVERTISEMENT
આધુનિક યુગમાં મનોવિજ્ઞાનીઓએ પણ તેમના અભ્યાસ બાદ જણાવ્યું છે કે આપણા દિમાગની રચના એ પ્રકારની છે કે વારંવાર વાંચીએ-સાંભળીએ કે કરીએ તે તમામ કાર્ય અને વાતોની ઊંડી અસર આપણી વિચારસરણી પર પણ પડે જ છે અને તે જ આપણા નિર્ણય અને કાર્યનું સ્વરૂપ પણ નક્કી કરે છે. આ રીતે જ પોર્ન કે અન્ય ડિજિટલ માધ્યમોથી પીરસવામાં આવતા સોફ્ટ પોર્નની અસર પણ આપણા દિમાગ પર થાય છે અને તે વ્યક્તિને ધીમે ધીમે મનોવિકૃતિ તરફ ધકેલે છે.
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા બેધારી તલવાર
દુનિયાની કોઈ પણ સરકાર પોર્ન સાહિત્ય અને સિનેમાને પ્રતિબંધિત કરવામાં સંપૂર્ણ રીતે સફળ થઈ શકી નથી અને આવા પ્રતિબંધ કે સેન્સરિશપ તેનું વાસ્તવિક સમાધાન પણ નથી. આ એક સંસ્કાર સાથે સીધો સંકળાયેલો પડકાર છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા બેધારી તલવાર છે.
જો આપણે આપણાં બાળકો-આવનારી પેઢીને તેનો વિવેકપૂર્ણ અને યોગ્ય ઉપયોગ નહીં શીખવી શકીએ તો આ તલવાર આપણા સદીઓ જૂના સંસ્કારનાં મૂળિયાંને પળભરમાં એક ઝાટકે કાપી નાખશે. એ સમયે આપણી પાસે અફસોસ કરવા સિવાય કંઈ નહીં હોય.
આલેખનઃ પ્રજ્ઞેશ શુક્લ, એડિટર -સમભાવ મેટ્રો, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.