Omicron New Variant Now Omicron BA.2 Raises Concern Britain Under Investigation
BIG NEWS /
ઓમિક્રૉનના કારણે તબાહીની વચ્ચે ઓમિક્રૉન 2.0ની એન્ટ્રીથી હડકંપ: ભારત સહિત 40 દેશોમાં કર્યો પગપેસારો
Team VTV08:12 AM, 23 Jan 22
| Updated: 08:18 AM, 23 Jan 22
દુનિયાભરમાં ઓમિક્રૉન વેરિયન્ટના વધતાં કેસ વચ્ચે વધુ એક માઠા સમાચાર આવ્યા છે જે બાદ અનેક દેશોને અલર્ટ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસને લઈને મોટા સમાચાર
ઓમિક્રૉનનો જ નવો ખતરનાક વેરિયન્ટ સામે આવ્યો
ભારત સહિત 40 દેશોમાં કર્યો પગપેસારો
દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતાં કેસ ફરી એક વાર ચિંતાનો વિષય બન્યા છે, કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે હજુ તો ઓમિક્રૉન બાદ અનેક વેરિયન્ટ સામે આવવાના છે ત્યારે ઓમિક્રૉનમાંથી જ ઉત્પન્ન થયેલા વેરિયન્ટને કારણે ટેન્શન વધે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
નવા વેરિયન્ટથી ખળભળાટ
બ્રિટનમાં ઓમિક્રૉનની વંશાવલીનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન BA.2 સામે આવ્યો છે જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. હાલમાં સ્વાસ્થ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટની તપાસ અને રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જાણકારી અનુસાર ભારત સહિત આ વેરિયન્ટ દુનિયાના 40 દેશોમાં પહોંચી ગયો છે અને ઓમિક્રૉનની તુલનામાં આ નવા વેરિયન્ટથી સંક્રમણ વધુ તેજીથી ફેલાઈ રહ્યું છે.
તબાહી લાવશે નવો વેરિયન્ટ?
બ્રિટનમાં અત્યાર સુધીમાં 426 સત્તાવાર કેસ સામે આવ્યા છે જ્યારે ચિંતાની વાત એ છે કે આ નવા વેરિયન્ટમાં એવા મ્યુટેશન નથી જેથી તેને ડેલ્ટાથી અલગ ગણી શકાય. જોન હોપકિન્સ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવો વેરિયન્ટ યુરોપ અને અમેરિકામાં મહામારીની તબાહી લાવી શકે છે.
ભારતમાં પહોંચી ચૂક્યો છે ઓમિક્રૉન BA.2
UKHSA દ્વારા કરવામાં આવેલ શોધમાં સામે આવ્યું છે કે નવો વેરિયન્ટ ભારત, સ્વીડન અને સિંગાપોર સહિત 40 દેશોમાં પહોંચી ગયો છે અને સૌથી વધારે કેસ ડેન્માર્કમાં જ સામે આવી રહ્યા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓમિક્રૉન BA.2 નામક વેરિયન્ટમાં લોકોની ઈમ્યુનિટીને તોડવાની ક્ષમતા વધારે હોઈ શકે છે તેથી તે ખૂબ તેજીથી ફેલાશે.