બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પ્રેમસંબંધનો કરુણ અંત! લગ્નની જીદ કરતી 45 વર્ષની પ્રેમિકાની 25 વર્ષના પ્રેમીએ ટ્રેન સાથે અથડાવી હત્યા કરી
Last Updated: 10:41 AM, 6 August 2026
રાજકોટમાં બનેલી એક રહસ્યમય ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. રેલવે ટ્રેક પાસે 45 વર્ષીય પરિણીત મહિલાનો મૃતદેહ મળતા શરૂઆતમાં સમગ્ર મામલો સામાન્ય અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ મૃતકની દીકરીએ પોતાની માતાના પ્રેમી પર શંકા વ્યક્ત કરતાં તપાસની દિશા જ બદલાઈ ગઈ. પોલીસે એક પછી એક કડીઓ જોડતા જે સત્ય બહાર આવ્યું તે કોઈ ક્રાઇમ ફિલ્મના ક્લાઇમેક્સથી ઓછું નહોતું. નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ, બંને વચ્ચે સતત થતા ઝઘડા અને આખરે ચાલુ ટ્રેન સાથે અથડાવી દેવામાં આવેલી હત્યા... આ સમગ્ર ઘટનાએ પ્રેમસંબંધના એક ભયાનક અંતની હચમચાવી દેનારી કહાની સામે લાવી છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ મંજુ હોવાનું સામે આવ્યું છે. મંજુ છેલ્લા કેટલાક સમયથી પોતાના કરતાં લગભગ 20 વર્ષ નાના એવા 25 વર્ષીય પ્રકાશ સોલંકી સાથે પ્રેમસંબંધમાં હતી. બંને વચ્ચે નજીકના સંબંધો હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો હતો. તેનું મુખ્ય કારણ મંજુ દ્વારા પ્રકાશ પર લગ્ન કરવા માટે કરવામાં આવતું દબાણ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મંજુ વારંવાર પ્રકાશને લગ્ન કરવા માટે કહેતી હતી. આ મુદ્દે બંને વચ્ચે અનેક વખત ઝઘડાઓ પણ થયા હતા. લગ્ન બાબતે થતા વિવાદો સતત વધતા જતા આખરે આ સંબંધનો અંત હત્યામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ADVERTISEMENT

ઘટનાના દિવસે મંજુનો મૃતદેહ રાજકોટના ગુંદાળા ફાટકથી આગળ ટ્રેનના પાટા પાસે મળી આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત કે આત્મહત્યાના એંગલથી પણ જોવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું. આ કેસમાં સૌથી મહત્વની કડી મૃતક મંજુની દીકરી પાયલ કોળી બની. પાયલે પોલીસ સમક્ષ પોતાની માતાના પ્રેમી પ્રકાશ સોલંકીની સંડોવણી હોવાની શકયતા વ્યક્ત કરી હતી. દીકરીએ વ્યક્ત કરેલી શંકાના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો અને પ્રકાશ સોલંકીને પૂછપરછ માટે ઝડપી પાડ્યો.
ADVERTISEMENT
રાજકોટ રેલ્વે પોલીસે આરોપી પ્રકાશ સોલંકીની કડક પૂછપરછ કરતાં આખરે સમગ્ર સત્ય બહાર આવ્યું. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પ્રકાશ સોલંકીએ પોતાની પ્રેમિકા મંજુની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે લગ્ન માટે સતત થઈ રહેલા દબાણ અને બંને વચ્ચે થતા ઝઘડાઓને કારણે તેણે આ ભયાનક પગલું ભર્યું હતું.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પ્રકાશે મંજુને ચાલુ ટ્રેન સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ ઘટનાને અકસ્માત જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મળેલા પુરાવા અને પૂછપરછ બાદ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો. હાલમાં રાજકોટ રેલ્વે પોલીસે આરોપી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તેમજ હત્યા પહેલાં શું શું બન્યું હતું તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પ્રેમસંબંધ, લગ્ન માટેનું દબાણ અને સતત થતા વિવાદો આખરે એક નિર્દોષ જીવ માટે ઘાતક સાબિત થયા છે. રાજકોટમાં બનેલી આ ઘટના ફરી એક વખત દર્શાવે છે કે સંબંધોમાં વધતો વિવાદ અને ગુસ્સો ક્યારેક એટલી ભયાનક દિશામાં પહોંચી જાય છે કે તેનો અંત સીધો હત્યા જેવા ગંભીર ગુનામાં થાય છે. હાલ સમગ્ર મામલે રાજકોટ રેલ્વે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.