બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 AM, 27 July 2026
ગયા મહિને વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ વૈજ્ઞાનિકોએ ISRO અને NASAના સંયુક્ત NISAR સેટેલાઇટના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં જમીનની સપાટી લગભગ 60 સેન્ટીમીટર સુધી સરકી ગઈ હતી. રાજધાની કરાકાસ સહિત અનેક શહેરોમાં થયેલા ભારે વિનાશ પાછળનું મુખ્ય કારણ પણ આ જ હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
ADVERTISEMENT
24 જૂનના રોજ ઉત્તર વેનેઝુએલામાં પ્રથમ 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના માત્ર 39 સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. આ બંને ભૂકંપમાં 5 હજારથી વધુ લોકોના મોત થયા હતા જ્યારે અંદાજે 16,700 લોકો ઘાયલ થયા હતા. કરાકાસ, લા ગુએરા, ત્રુજીલો, યારાકુય, કારાબોબો, અરાગુઆ અને મિરાંડા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન નોંધાયું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
વૈજ્ઞાનિકોએ ભૂકંપ પહેલાં 13 અને 18 જૂનની તથા ભૂકંપ બાદ 25 અને 30 જૂનની સેટેલાઇટ તસવીરોની સરખામણી કરી હતી. આ વિશ્લેષણથી જમીનની સપાટીમાં થયેલા નાનામાં નાના ફેરફારો પણ જાણી શકાયા. આ અભ્યાસે ભૂકંપ પછી ધરતીમાં આવેલા મોટા પરિવર્તનોની સ્પષ્ટ માહિતી આપી.
ADVERTISEMENT
જમીનની સપાટીમાં થયેલા ફેરફારો શોધવા માટે વૈજ્ઞાનિકોએ Interferometric Synthetic Aperture Radar (InSAR) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ પદ્ધતિમાં સેટેલાઇટ દ્વારા અલગ-અલગ સમયે લેવામાં આવેલા ડેટાની સરખામણી કરીને જમીન અને સેટેલાઇટ વચ્ચેના અંતરમાં થયેલા ફેરફારોનું ચોક્કસ માપન કરવામાં આવે છે. આ ટેક્નોલોજી મિલીમીટર સ્તર સુધીના ફેરફારો પણ શોધી શકે છે.
ADVERTISEMENT
આ પહેલી વખત હતું જ્યારે કોઈ મોટા ભૂકંપ પછી જમીનની સપાટીમાં આવેલા ફેરફારોનું મેપિંગ કરવા માટે NISARના Emergency Response Systemનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ ભવિષ્યમાં કુદરતી આફતો બાદ ઝડપી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હોર્મુઝ બાદ હવે 'નવો રસ્તો' પણ બંધ! ભારત-ચીન આવી રહેલા સાઉદી ટેન્કરોએ લેવો પડ્યો યુટર્ન
NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ભૂ-ભૌતિકશાસ્ત્રી એરિક ફિલ્ડિંગના જણાવ્યા અનુસાર, ભૂકંપની ફોલ્ટ લાઇન સમુદ્રમાંથી પસાર થઈ પૂર્વ તરફ આગળ વધી અને કરાકાસના ઉત્તર ભાગમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ફરી કિનારે આવી હતી. આ વિસ્તારના દક્ષિણ ભાગમાં જમીન લગભગ 60 સેન્ટીમીટર સુધી સરકી ગઈ હતી. પરિણામે કરાકાસ અને લા ગુએરામાં સૌથી વધુ વિનાશ જોવા મળ્યો.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ NISAR સેટેલાઇટ પૃથ્વીની સપાટીને સીધી ઉપરથી નહીં પરંતુ લગભગ 40 ડિગ્રીના ખૂણેથી નિહાળે છે. જેના કારણે તે જમીનમાં થયેલા આડા અને ઊભા બંને પ્રકારના ફેરફારોનું ચોક્કસ નિરીક્ષણ કરી શકે છે. ભવિષ્યમાં ભૂકંપ, ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતો બાદ નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરવા માટે આ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.