ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:12 AM, 19 November 2025
ADVERTISEMENT
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના મારેડુમિલી વિસ્તારના જંગલોમાં બુધવારની સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં કુલ સાત નક્સલીઓ માર્યા ગયા હોવાનું રાજ્ય ગુપ્તચર વિભાગના એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમની માહિતી પ્રમાણે, આ કાર્યવાહી મંગળવારથી શરૂ થઈ હતી અને જંગલ વિસ્તારમાં હજુ પણ સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે.
ADVERTISEMENT

એડીજી લદ્દાના જણાવ્યા મુજબ, સાત નક્સલીઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. તેમની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ઘટનાસ્થળેથી પોલીસને ઘણી મહત્વપૂર્ણ ફાઈલો, દસ્તાવેજો, શસ્ત્રો, દારૂગોળો અને ટેકનિકલ સાધનો મળ્યા છે, જેનાથી નક્સલી સંગઠનની આગામી યોજનાઓ વિશે મહત્વપૂર્ણ સંકેત મળવાની સંભાવના છે. લદ્દાએ જણાવ્યું કે બુધવારે સવારે એજન્સી વિસ્તારમાં ફરી એકવાર પોલીસ અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જે દર્શાવે છે કે નક્સલી જૂથો છત્તીસગઢથી આંધ્રપ્રદેશમાં ફરીથી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ આવા તમામ હલનચલન પર સતત નજર રાખી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્યમાં થોડા દિવસો પહેલા પણ એક મોટું ઓપરેશન હાથ ધરાયું હતું. 17 નવેમ્બરે થયેલી કામગીરીમાં નક્સલી નેતા હિડમા સહિત છથી સાત નક્સલીઓ માર્યા ગયા હતા. આ સફળ ઓપરેશન પછી સુરક્ષા દળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એનટીઆર, કૃષ્ણા, કાકીનાડા, કોનસીમા અને એલુરુ જિલ્લાઓમાંથી મળી કુલ 50 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત એટલા મોટા પ્રમાણમાં કેન્દ્રીય, રાજ્ય, રીજીયનલ કમિટી અને પ્લાટૂન ટીમના સભ્યો પકડાયા છે.
ADVERTISEMENT
એડીજીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીના ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 45 હથિયારો, 272 રાઉન્ડ દારૂગોળો, બે મેગેઝિન, અને 750 ગ્રામ વાયર સહિત મોટી માત્રામાં સામગ્રી જપ્ત કરી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોના ફિલ્ડ સ્ટાફે કોઈ જાનહાનિ વિના યોજના મુજબ ઓપરેશનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.
આ પણ વાંચો : 170થી વધુ બિલ્ડિંગો બળીને ખાખ, જાપાનમાં અત્યાર સુધીનો મોટો અગ્નિકાંડ, ભીષણ તારાજી
ADVERTISEMENT
મારેડુમિલી અથડામણમાં માર્યા ગયેલા નક્સલીઓમાં એક મહત્વપૂર્ણ કેડર મેટુરી જોગરાવ ઉર્ફે શંકર હોવાનું પ્રાથમિક ઓળખમાં સામે આવ્યું છે. તે શ્રીકાકુલમનો રહેવાસી હતો અને આંધ્ર–ઓડિશા બોર્ડર (AOB) વિસ્તારમાં એરિયા કમિટી મેમ્બર (ACM) તરીકે કામ કરતો હતો. શંકર નક્સલી સંગઠનનો ટેકનિકલ નિષ્ણાત માનવામાં આવતો હતો, જે શસ્ત્રોના ઉત્પાદન, સંદેશાવ્યવહાર સિસ્ટમ અને ટેકનિકલ નેટવર્કના સંચાલનમાં નિષ્ણાત હતો.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓમાં આંધ્ર–ઓડિશા વિસ્તારમાં નક્સલી પ્રવૃત્તિ વધતી હોવાના સંકેતો મળ્યા હતા. પોલીસને એવી માહિતી મળી હતી કે નક્સલી જૂથો નવા ઠેકાણા બનાવી રહ્યા છે અને સ્થાનિક યુવાનોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ગુપ્તચર માહિતીના આધારે સંયુક્ત દળોએ મંગળવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પરિણામે આજે મોટી સફળતા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital