આર્થિક મંદી નામના ભૂતને માત આપવા માટે મોદી સરકાર તમામ મોરચે પ્રયત્ન કરી રહી છે તેવો સરકાર દાવો કરી રહી છે. જો કે બીજી બાજુ સરકારના કેટલાક પગલાઓ અને તેમના નેતાઓના કેટલાક નિવેદનો આનાથી ઊલટું સુચવી રહ્યા છે. તો અહી સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર સરકારને મંદીની ગંભીરતા વિષે અંદાજો છે કે નથી?
ભારતમાં રોજગારને લગતા ચિંતાજનક આંકડાઓ રોજ સામે આવે છે. જો કે સરકારના મતે આ આંકડાઓ ખોટા છે અને કેટલાકના મતે સરકાર સાચા આંકડાઓ પ્રજા અને મીડિયા સમક્ષ છુપાવી રહી છે. ભારતમાં ઊંધા માથે પછડાઈ રહેલા GDPના આંકડાઓ સામે આવ્યા પછી પણ સરકાર સબ સલામતનો ઝંડો ફરકાવી રહી છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘણા અર્થશાસ્ત્રીઓના મતે 2015થી લાગુ પડેલી નવી GDP ગણવાની પદ્ધતિ ખોટી છે અને આમાં GDP વાસ્તવિક GDP કરતા વધુ દેખાય છે. આમ હાલનો GDP વૃદ્ધિ દર 5% જણાય છે જે 6 વર્ષના તળિયે છે પરંતુ વાસ્તવિકતામાં આ દર 5%થી પણ ઓછો હોય તેવી શક્યતા રહેલી છે.
ક્યાંથી શરૂઆત થઇ અર્થતંત્રના પતનની?
2014માં મોદી ઐતિહાસિક મતોથી વિજયી બન્યા. અર્થતંત્રના નિષ્ણાત રઘુરામ રાજને જયારે રાજીનામુ આપ્યું ત્યારે જ દેશની આર્થિક હાલત વિષયે ગણગણાટ શરુ થઇ ગયો હતો. ત્યાર બાદ નોટબંધી અને GST પછી GDP અને રોજગારના આંકડામાં ધોવાણ દેખાવા માંડ્યું. સરકારના બે આંકડાના GDP વૃદ્ધિદરના ટાર્ગેટ ધૂંધળા દેખાવા માંડ્યા.
રઘુરામ રાજનની નરેન્દ્ર મોદી સાથેની 2014ની તસ્વીર
અહીં નોંધનીય છે કે સૌથી વિચિત્ર બાબત એ રહી છે કે એક બાજુ અર્થતંત્રનું વાહન ડૂબી રહ્યું છે, બેંકોની NPA કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એવા સમયે નિષ્ણાતોને લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ વાતને ગંભીરતાથી નથી લઇ રહી. નિષ્ણાતો માની રહ્યાં છે સરકાર આ વાતને અવગણી રહી છે અને આવા વિચલિત કરી નાંખે તેવા આંકડાઓ ઉપર કોઈ પ્રતિક્રિયા આપી રહી નથી.
5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી; એક સપનું કે લોલીપોપ?
ચૂંટણી સમયે સરકારે પ્રજાને આરામથી એક વચન ધરી દીધું હતું. તે હતું 2024 સુધી ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવાનું. હાસ્યાસ્પદ બાબત એ છે કે આ કરવા માટે દેશનો GDP દર વર્ષે 2 આંકડાનો હોય તે જરૂરી છે. હાલના સંજોગોમાં આ ધ્યેય એક ખુલ્લી આંખના સ્વપ્ન સમાન લાગે છે.
આ ઉપરાંત સરકારના મંત્રીઓ હાસ્યાસ્પદ નિવેદનો આપે છે. જેમ કે એક ભાજપના એક નેતાએ 5 ટ્રિલિયનના ટાર્ગેટ માટે જરૂરી વૃદ્ધિદરની ગણતરી માટે જણાવ્યું હતું કે આવા ગણિતે આઇન્સ્ટાઇનને કોઈ મદદ કરી નહોતી. બીજા એક નેતાના ઇકોનોમિક સ્લોડાઉન નથી એમ સાબિત કરવા માટે બૉલીવુડમાં મુવીઝ સફળતા પૂર્વક ચાલી રહી છે એવું કારણ આપ્યું હતું. આ નિવેદનોને કારણે સરકાર મંદીની અસર છુપાવવા માટે આવા હાસ્યાસ્પદ બહાનાઓ આપે છે તેમ લોકોમાં ચર્ચા થવા લાગી હતી.
સરકારે પોતે જ ઘડેલી આર્થિક નીતિઓ બદલવી પડી
2019ના ફેબ્રુઆરીના વચગાળાના બજેટમાં મોટાભાગે કોઈ મોટી જાહેરાત થતી નથી જયારે આ વખતે સરકારે ખેડૂતોની આવકના ટેકા માટે મોટી યોજના જાહેર કરી હતી. અર્થશાસ્ત્રીઓ માને છે કે આ સાબિત કરે છે કે સરકાર ભલે બહારથી સબ સલામતની ગુલબાંગો પોકારી રહી હતી પરંતુ અંદરખાને તેઓ અર્થતંત્રના ગાબડાને પુરવા માટે મથી રહ્યા હતા અને કમનસીબે આમાં સરકારને મોટી સફળતા હજુ સુધી સાંપડી નથી.
જૂન 2019ના સામાન્ય બજેટમાં સરકારના અભિગમથી એ વધુ સ્પષ્ટ બન્યું કે સરકાર આર્થિક મંદીને ના તો સ્વીકારી રહી છે અથવા ના તો એ મુદ્દે કોઈ પગલાં ભરવા જઈ રહી છે. આથી જ નિર્મલા સીતારમણે બજેટમાં જે આંકડાઓ નક્કી કર્યા હતા તેમાં તેમણે સપ્ટેમ્બરમાં ઘટાડો કરવો પડ્યો. તેમણે કોર્પોરેટ ટેક્સ સહિત અલગ અલગ ક્ષેત્રોમાં રાહત પ્રદાન કરવી પડી. આ જ દર્શાવે છે કે સરકાર હવે ઘટી રહેલી આર્થિક વૃદ્ધિ, રોજગાર અને ટેક્સ કલેક્શનના આંકડા છુપાવી શકે તેવી સ્થિતિમાં રહી નથી.
કોર્પોરેટ ટેક્સના ઘટાડાને શરૂઆતમાં કંપનીઓએ વધાવી લીધો. પરંતુ થોડા સમયમાં એવું સ્પષ્ટ થયું કે આ ટેક્સ કટ્સથી ગ્રાહકોની માંગમાં થયેલ ઘટાડામાં કેટલો સુધારો થશે એ પ્રશ્નાર્થ ઉપર છે.
સરકાર હવે આવતા વર્ષનું બજેટ બનાવી રહી છે. સૌની નજર એ મુદ્દે છે કે સરકાર હવે અર્થતંત્રના કેવા પાસા પાડવા જઈ રહી છે.