બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / MICAમાં દેશનો પ્રથમ 'ઇન્ફ્લુએન્સર કોર્સ' શરૂ, કન્ટેન્ટ ક્રિએટર બનવા માટે મળશે પ્રોફેશનલ તાલીમ
Last Updated: 09:16 AM, 1 July 2026
ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું માધ્યમ રહ્યું નથી, પરંતુ કમાણી અને કારકિર્દીનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પણ બની ગયું છે. યુટ્યુબર, ઇન્સ્ટાગ્રામ રીલ્સ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવાની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ સ્થિત MICA (Mudra Institute of Communications, Ahmedabad) દ્વારા દેશમાં પ્રથમ વખત કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર માટે વિશેષ એક વર્ષીય કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ કોર્સની પ્રથમ બેચમાં દેશભરમાંથી કુલ 22 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અને વ્યાવસાયિક અનુભવ એકસરખો નથી. કોઈ ડાન્સર છે, કોઈ એકાઉન્ટિંગ ક્ષેત્રમાંથી આવે છે તો કોઈ માર્કેટિંગ અને આર્ટ્સની પૃષ્ઠભૂમિ ધરાવે છે. સોશિયલ મીડિયા ક્ષેત્રમાં પ્રોફેશનલ કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
એક વર્ષના આ કોર્સમાં વિદ્યાર્થીઓને કન્ટેન્ટ પ્લાનિંગ, વિડિયો પ્રોડક્શન, રીલ્સ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરવું, પોસ્ટર ડિઝાઇનિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રાન્ડ કોલેબોરેશન, ઇન્ફ્લુએન્સર મેનેજમેન્ટ તેમજ ડિજિટલ બ્રાન્ડિંગ જેવા વિષયોનું પ્રેક્ટિકલ અને થિયરી આધારિત માર્ગદર્શન આપવામાં આવશે.
કોર્સ સાથે જોડાયેલા પ્રોફેસર ફાલ્ગુની વસાવડાના જણાવ્યા મુજબ, ડિજિટલ પ્લેટફોર્મના ઝડપથી વધતા પ્રભાવને કારણે કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની માંગ સતત વધી રહી છે. આ બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોર્સની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT
છેલ્લાં કેટલાક વર્ષોમાં કન્ટેન્ટ ક્રિએશન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સિંગ એક મોટા ઉદ્યોગ તરીકે વિકસ્યા છે. સરકાર પણ ક્રિએટર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહી છે અને ડિજિટલ કન્ટેન્ટ દ્વારા થતી આવકને 'ઓરેન્જ ઇકોનોમી' તરીકે ઓળખ આપવામાં આવી રહી છે. તાજેતરમાં ક્રિએટર ઇકોનોમી સંબંધિત નીતિગત પહેલો બાદ આ ક્ષેત્રમાં નવી તકો ઉભી થઈ રહી છે.
ADVERTISEMENT
ભારતમાં ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર માર્કેટનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેનો આર્થિક કદ અંદાજે 2.5 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હોવાનું માનવામાં આવે છે. બ્રાન્ડ પ્રમોશન, ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા કેમ્પેઇનમાં ઇન્ફ્લુએન્સર્સની ભૂમિકા વધતા હવે આ ક્ષેત્રમાં તાલીમબદ્ધ પ્રોફેશનલ્સની જરૂરિયાત પણ વધી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં શરૂ થયેલો આ કોર્સ એવા યુવાનો માટે નવી તક બની શકે છે, જેઓ સોશિયલ મીડિયા ક્ષેત્રમાં માત્ર લોકપ્રિયતા જ નહીં પરંતુ વ્યાવસાયિક કારકિર્દી અને સ્થિર આવકનું માધ્યમ પણ બનાવવા ઇચ્છે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.