બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:53 PM, 18 June 2026
ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાની અંદર બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે શાસક ગઠબંધન ખૂબ જ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. બે વર્ષ પહેલા સુધી બહુમતીના સ્પષ્ટ આંકડા માટે સંઘર્ષ કરનારી ભારતીય જનતા પાર્ટી માટે પાછલા કેટલાક દિવસોથી સંસદના નીચલા ગૃહમાંથી સતત સારા સમાચાર આવી રહ્યા છે. પક્ષપલટા અને પ્રાદેશિક પક્ષોમાં આંતરિક વિખવાદના કારણે વિપક્ષ નબળો પડી રહ્યો છે અને સત્તાધારી પક્ષનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. આ રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત ગયા મહિને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ થઈ હતી, જ્યાં 15 વર્ષ બાદ સત્તા ગુમાવતા જ મમતા બેનર્જીની પાર્ટીમાં મોટો બળવો ફાટી નીકળ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ટીએમસીના પહેલા 64 ધારાસભ્યો બળવાખોર બન્યા હતા અને ત્યાર બાદ રાજ્યસભા તથા લોકસભામાં પણ રાજીનામાની ઝડી વરસી હતી. લોકસભામાં ટીએમસીના 20 સાંસદોએ કાકોલી ઘોષના નેતૃત્વમાં બળવો કરીને નેશનલિસ્ટ સિટિઝન પાર્ટી ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણની જાહેરાત કરી દીધી છે. આ આખો જૂથ હવે સંસદમાં અલગ બેસશે અને એનડીએ સરકારને સમર્થન આપશે.
બંગાળ બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ ફરી એકવાર ઇતિહાસ દોહરાવાયો છે. પાર્ટીના બે તૃતીયાંશ એટલે કે કુલ 6 સાંસદો બળવો કરીને લોકસભા સ્પીકરને અલગ બેસવાની વ્યવસ્થા કરવા માટે પત્ર લખી ચૂક્યા છે. આ સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાઈને એનડીએનો હિસ્સો બને તેવી પ્રબળ સંભાવના છે. મહારાષ્ટ્રમાં બરાબર 4 વર્ષ પહેલા પણ આ જ સમયે શિવસેનામાં આવું જ મોટું ભંગાણ પડ્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
543 સભ્યોની સંખ્યા ધરાવતી લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી સાબિત કરવા માટે અંદાજે 362 બેઠકોની જરૂર પડે છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધને કુલ 293 બેઠકો જીતી હતી, જેમાં ભાજપ પાસે 240 બેઠકો હતી. તે સમયે પ્રમુખ સહયોગીઓમાં ટીડીપી પાસે 16, જેડીયૂ પાસે 12, શિવસેના પાસે 7 અને એલજેપીઆર પાસે 5 બેઠકો હતી, જે બહુમતીના આંકડા 272 કરતા માત્ર 21 વધારે હતી. હવે, ટીએમસીના બળવાખોર જૂથના 20 સાંસદો ઉમેરાતા આ આંકડો વધીને 313 થાય છે, જેઓ આગામી ચોમાસુ સત્રથી જ સરકારને ટેકો આપશે. આ ઉપરાંત શિવસેના ઉદ્ધવ જૂથના બળવાખોર 6 સાંસદોને પણ આમાં જોડી દેવામાં આવે તો એનડીએનું વર્તમાન સંખ્યાબળ વધીને 319 પર પહોંચી જાય છે.

ADVERTISEMENT
જો કે, 319 નો આંકડો પણ બે તૃતીયાંશ બહુમતી (362) થી હજુ 43 બેઠકો દૂર છે. પરંતુ ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યના તાજેતરના નિવેદનોએ નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે. કેશવપ્રસાદ મૌર્યએ દાવો કર્યો છે કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) ના આશરે 25 થી 26 સાંસદો પક્ષ છોડવા માટે ઉત્સુક છે. ઉત્તર પ્રદેશમાં સપા પાસે કુલ 37 લોકસભા સાંસદો છે, જેમાંથી પક્ષપલટાના કાયદાથી બચવા માટે બે તૃતીયાંશ એટલે કે ઓછામાં ઓછા 25 સાંસદો તોડવા અનિવાર્ય છે. જો આવું થશે, તો એનડીએનો આંકડો 345 ની આસપાસ પહોંચી જશે. જો કે સમાજવાદી પાર્ટીએ આ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને તેમનો પક્ષ સંપૂર્ણ એકજૂથ હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મધ્ય પૂર્વની રાજનીતિમાં મોટો વળાંક, અમેરિકા-ઈરાન શાંતિ કરારની વિગતો જાહેર
ભૂતકાળમાં એનડીએનો સર્વશ્રેષ્ઠ દેખાવ વર્ષ 2019 માં રહ્યો હતો જ્યારે તેણે 353 બેઠકો મેળવી હતી, પરંતુ તે સમયે પણ તેઓ જરૂરી આંકડાથી 9 બેઠકો પાછળ હતા. આ વખતે સરકાર માટે બે તૃતીયાંશ બહુમતી મેળવવી એટલા માટે અત્યંત જરૂરી છે કારણ કે એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા લાવવામાં આવેલું 'મતવિસ્તાર સીમાંકન સુધારા વિધેયક' પૂરતી સંખ્યા ન હોવાના કારણે પસાર થઈ શક્યું ન હતું. જો સરકાર આ જાદુઈ આંકડો મેળવી લે છે, તો આ બિલ ફરી રજૂ કરાશે, જેના પાસ થવાથી દેશમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધીને સીધી 850 થઈ જશે. વિપક્ષી સાંસદોના આ પક્ષપલટાથી આગામી દિવસોમાં દિલ્હીની ગાદી પર નવા રાજકીય સમીકરણો રચાશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.