ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રી પહેલાં લો ગાર્ડનમાં ચોર સક્રિય, ‘ચણિયાચોળી બતાવો’ કહીને પર્સ-મોબાઇલની ચોરી
Last Updated: 01:18 PM, 29 September 2026
ADVERTISEMENT
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદનું લો ગાર્ડન રંગબેરંગી ચિણયાચોળીથી ધમધમી રહ્યું છે. સાંજ પડતાં જ બજારમાં એટલી ભીડ જોવા મળે છે કે એક સ્ટોલથી બીજા સ્ટોલ સુધી પહોંચવામાં પણ સમય લાગે. ખેલૈયાઓ ચિણયાચોળી, ઓર્નામેન્ટ્સ, છત્રી સહિતની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત છે, પરંતુ આ જ ભીડમાં કેટલાક એવા ગ્રાહકો પણ ફરી રહ્યા છે, જેમનો હેતુ ખરીદી નહીં, પરંતુ ચોરી કરવાનો છે.
ADVERTISEMENT

ભાઈ, ચણિયાચોળી બતાવો... આ એક સામાન્ય વાક્ય છે, પરંતુ આ જ વાક્યની આડમાં ચોર ટોળકી બજારમાં એન્ટ્રી કરતી હોય છે અને પોતાના ઈરાદાને પાર પાડીને ફરાર થઈ જાય છે. અપટુડેટ કપડાં પહેરેલી મહિલા દુકાન પર પહોંચે છે અને અન્ય ગ્રાહકોની જેમ ચિણયાચોળી જોવાનું શરૂ કરે છે. એક પછી એક ડ્રેસ બતાવવાનું શરૂ થતાં દુકાનદારનું ધ્યાન પણ તેના તરફ રહે છે. દરમિયાન તેની સાથે આવેલી બીજી મહિલા કે બાળક આસપાસની ભીડમાં ગોઠવાઈ જાય છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ચોરીની કોઈ હિલચાલ પહેલી નજરે દેખાતી નથી. આ મહિલા ગ્રાહક ચણિયાચોળી પસંદ કરી રહી હોય તેમ દેખાય છે, પરંતુ તેની નજર ક્યારેક ડ્રેસ કરતાં આસપાસના ગ્રાહકોના પર્સ અને મોબાઇલ પર હોય છે. તક મળતાં જ ગણતરીની સેકન્ડોમાં પર્સમાંથી મોબાઇલ કે રોકડ સેરવી લેવામાં આવે છે. ત્યાર બાદ ટોળકી અલગ અલગ દિશામાં નીકળી જાય છે.
ADVERTISEMENT
લો ગાર્ડનમાં ચોરી કરનારી ટોળકી માટે ભીડ સૌથી મોટું કવચ બની જાય છે. મહિલા ચોરો સામાન્ય ગ્રાહકોની જેમ તૈયાર થઈને આવે છે, જેથી તેમની ઓળખ અંગે કોઈને શંકા ન જાય. કેટલીક વખત બાળકોને પણ સાથે રાખવામાં આવે છે. પરિવાર સાથે આવેલી વ્યક્તિને જોઈને અન્ય ગ્રાહકો સામાન્ય રીતે સાવચેત રહેતા નથી. ચોર ટોળકી પહેલાં દુકાનદાર સાથે વાતચીતમાં વ્યસ્ત થતી હોય છે અને આસપાસના ગ્રાહકોને નિહાળે છે. જે વ્યક્તિના હાથમાં ખુલ્લો મોબાઇલ હોય, પર્સ પાછળ લટકતું હોય કે ખરીદી દરમિયાન સામાન પર ધ્યાન ઓછું હોય તેને ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યાર બાદ ધક્કામુક્કી, ભીડ કે સામાન બતાવવાની ગરબડ વચ્ચે ચોરી કરવામાં આવે છે.
ADVERTISEMENT
ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લો ગાર્ડનના ૧૧૦ સ્ટોલના માલિકોએ સુરક્ષા માટે મહત્ત્વનું પગલું ભર્યું છે. પોલીસની મંજૂરી બાદ આશરે ૬૦ હજાર રૂપિયાના ખર્ચે ૧૦થી વધુ લાઉડસ્પીકર લગાવવામાં આવ્યાં છે. બજાર શરૂ થાય ત્યારથી બંધ થાય ત્યાં સુધી સ્પીકર પરથી ગ્રાહકોને ચોરોથી સાવચેત રહેવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ લોકોને ચેતવવામાં આવી રહ્યા છે કે ખરીદી કરતી વખતે પોતાના મોબાઇલ, પર્સ અને કીમતી સામાનનું ખાસ ધ્યાન રાખે.
ADVERTISEMENT
ગત વર્ષે જીએસટી અધિકારીનાં પત્નીનું પર્સ ચોરાયું હતું. આ ઘટનામાં એક વેપારી પર ચોરીનો આરોપ આવ્યો હતો. આ ઘટનાના પગલે બજારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વેપારીઓમાં ચિંતા વધી હતી. આ વખતે વેપારીઓએ પોલીસની મંજૂરી સાથે સ્પીકર વ્યવસ્થા ઊભી કરીને ગ્રાહકોને સતત સાવચેત રાખવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
નવરાત્રી નજીક આવતાં પોલીસ પણ લો ગાર્ડનમાં પેટ્રોલિંગ વધારશે. શી-ટીમ બજારમાં સતત ફરશે અને શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકો પર નજર રાખશે. પોલીસની ગાડીઓ પણ પેટ્રોલિંગ કરશે. વારંવાર દુકાનો બદલતા લોકો, ખરીદી કર્યા વગર ગ્રાહકોની આસપાસ ફરતા લોકો, જાણી જોઈને ધક્કામુક્કી કરતા લોકો અને બાળકોને આગળ કરીને ભીડમાં પ્રવેશતા લોકો પર નજર રાખવામાં આવશે.
નવરાત્રીની ખરીદીનો ઉત્સાહ લો ગાર્ડનમાં વધી રહ્યો છે, પરંતુ આ વખતે બજારમાં માત્ર ચણિયાચોળીના રંગો જ નહીં, ગ્રાહક બનીને ફરતા ચોરોને ઓળખવાનો પડકાર પણ છે, કારણ કે ભીડમાં કોઈ મહિલા હસતા ચહેરે દુકાનદારને માત્ર એટલું જ કહેતી હોય કે ભાઈ ચણિયાચોળીબતાવો... ત્યારે તેની નજર ખરેખર ચિણયાચોળી પર છે કે તમારી બાજુમાં રહેલા મોબાઇલ-પર્સ પર તે જોવાનું કામ હવે ગ્રાહકનું પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.