ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર! ખેડાથી લઈ સુરત સુધી વરસાદ, ગિરનાર પર તો જાણે ઘોડાપુર!
8 ફોટો ગેલેરી
Last Updated: 11:29 AM, 14 September 2026
1/8
ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. નડિયાદ સહિત જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ સમયાંતરે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ખુશનુમા વાતાવરણ છવાયું છે.
2/8
મોરબી જિલ્લાના હળવદ શહેર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે ઝરમર વરસાદી ઝાપટાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા એક મહિના બાદ પંથકમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હળવા વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નવજીવન મળ્યું છે, જેથી ખેડૂતોને રાહતનો અનુભવ થયો છે. વરસાદી ઝાપટાંને પગલે હળવદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણ ખુશનુમા બન્યું હતું.
ADVERTISEMENT
3/8
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામડાઓમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પ્રાચી, ટીબલી, મહોબતપરા, ધંટીયા, ખાંભા, નવાગામ અને ગોરખમઢી સહિતના ગામોમાં વરસાદ વરસતા સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે. વરસાદના આગમનથી ખેતી પર નિર્ભર ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા સોયાબીન, મગફળી સહિતના પાકોને વરસાદથી જીવનદાન મળ્યું છે. લાંબા સમય બાદ થયેલા વરસાદથી ખેડૂતોને પાક બચવાની આશા જાગી છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
4/8
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મોડાસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. મેઘરજ રોડ, મોડાસા ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સતત વરસાદને પગલે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
5/8
લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના અભાવે લાંબા સમયથી ખેડૂતોના પાક પર સંકટ ઊભું થયું હતું અને અનેક વિસ્તારોમાં પાક સુકાઈ જવાની સ્થિતિમાં હતો. ત્યારે ફરી વરસાદ વરસતા બળી રહેલા પાકને નવજીવન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને સારા વરસાદની આશા સાથે ખેતીને રાહત મળવાની આશા બંધાઈ છે.
6/8
જૂનાગઢ પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. વહેલી સવારે ગિરનાર પર ધોધમાર વરસાદ વરસતા માત્ર એક કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં પાણીની આવક શરૂ થઈ છે અને ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત કુંડમાં પાણી પહોંચ્યું છે. બીજી તરફ, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કાળવા નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે નદી, નાળા તેમજ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT
7/8
વડોદરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં જનજીવન પર અસર જોવા મળી હતી. સતત વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને રાવપુરા GPO નજીકની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે હાલાકી પડી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. વારંવારની આ સમસ્યાથી કાયમી રાહત મળે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો તથા વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક માંગ કરવામાં આવી છે.
8/8
સુરતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અઠવાલાઇન્સ, પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરા ગેટ, નાનપુરા, ઉમરા અને વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ અડાજણ, રાંદેર, કતારગામ, વરાછા, ઉધના અને ડિંડોલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લેતા બફારા અને ઉકળાટથી શહેરીજનો પરેશાન હતા, ત્યારે આજે વરસેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે. લાંબા સમય બાદ મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ