બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 329 મુસાફરો, 31,000 ફૂટની ઉંચાઈ અને એર ઈન્ડિયાના પ્લેનમાં બ્લાસ્ટ, થોડીક લાપરવાહીને કારણે સેંકડો માણસોએ ખોયો જીવ

કનિષ્ક બોમ્બકાંડ / 329 મુસાફરો, 31,000 ફૂટની ઉંચાઈ અને એર ઈન્ડિયાના પ્લેનમાં બ્લાસ્ટ, થોડીક લાપરવાહીને કારણે સેંકડો માણસોએ ખોયો જીવ

Vikram Mehta

Last Updated: 04:11 PM, 28 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ વિમાનોને ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો, ખાલિસ્તાની ગુરપતવંતસિંહની એર ઇન્ડિયામાં મુસાફરી ન કરવાની ચેતવણી, કેનેડા-ભારતના ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યાને પગલે વણસેલા સંબંધો…છેલ્લા કેટલાક દિવસોના સમાચારો ખાલિસ્તાની આતંકવાદે લખેલા એક લોહીયાળ પ્રકરણના ઝખમોને ખોતરે છે. કનિષ્ક બોમ્બકાંડથી જાણીતા બનેલા એ બોમ્બકાંડના કેટલાક રહસ્યોનો તાગ આજદિન સુધી મેળવી શકાયો નથી.

દૃશ્ય-1
‘કહાની લિખ દી હૈ?’

‘નહીં. અભી નહીં..’

‘તો ફીર કિતની દેર હે? લિખ દો કહાની’

ટેલિફોન પર બે શખ્સ વચ્ચે આ સંવાદ થયો એના માત્ર ચાર જ દિવસ પછી...

દૃશ્ય-2
જાપાનના ટોકિયો શહેરના નારિતા એરપોર્ટ પરથી ટોકિયોથી બેંગકોક જતી  એર ફ્લાઇટમાં મુસાફરોનો સામાન કન્વેયર બેલ્ટ પર મુકાયો. ત્યાં જ એક સુટકેસમાં પ્રચંડ વિસ્ફોટ. જોકે એ વિસ્તાર ખુલ્લો હોવાથી બહુ જાનહાની ન થઇ પણ બે જાપાની બેગ હેન્ડલર્સના મોત થયા. જો એ સુટકેસ એર ઇન્ડિયાના પ્લેનમાં મુકાયો હોત તો અઢીસોથી વધુ મુસાફરોએ જાનથી હાથ ધોવા પડત. જોકે એર ઇન્ડિયાનું બીજું એક પ્લેન આટલું ભાગ્યશાળી ન હતું. એના  કિસ્મતમાં  ભરઆકાશે ફૂંકાઇ જવાનું લખાયું હતું.

દૃશ્ય-3
ટિક…ટિક…ટિક…
તારીખ: 22 જૂન, 1985
સમય: રાત્રીના આઠ કલાક

કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પરથી કંટ્રોલ ટાવરના ક્લીઅરન્સ બાદ એક ભારતીય વિમાને ઉડાન ભરી. લંબાઈમાં 70 મીટરનું અને 60 મીટરના વ્યાપની  પાંખો ધરાવતું એ વિમાન રનવે પર દોટ મૂકીને આકાશમાં ચડ્યું. સવા ત્રણસોથી વધુ મુસાફરોને લઇને ઉપડેલું વિમાન મોન્ટ્રિઅલ થઇને મુંબઇ પહોંચવાનું હતું. પણ વિમાનમાં બેઠેલા મુસાફરોને ખ્યાલ ન હતો કે લગેજના ભંડકીયામાં ક્યારનો ટિક ટિક કરતો ટાઇમ બોમ્બ એમની આખરી કાળ ઘડીઓ ગણી રહ્યો હતો. બીજા દિવસે એટલે કે 23મી જૂનની સવારના જેવું વિમાન આયર્લેન્ડના એર સ્પેસમાં પ્રવેશ્યું એટલે વિમાનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. 31,000 ફૂટની ઉંચાઇએ ઉડી રહેલાં એ વિમાનના ફૂરચા ઉડી ગયા અને એ વિમાન સીધું જ નીચે એટલાન્ટિક મહાસાગરમાં ખાબક્યું. વિમાનમાં સવાર 329 જિંદગીનો ભોગ લેવાયો. કોઈ મુસાફર બચી શક્યો નહીં.

ભરઆકાશે બોમ્બથી ફૂંકી મરાયેલા એ ભારતીય વિમાનનું નામ કનિષ્ક. અમેરિકાનો 9/11 એટેક એ દુનિયાનો સૌથી ભયાવહ આતંકી હુમલો હતો અલબત આ પહેલા એક આતંકી હુમલાએ આખી દુનિયાને ધ્રુજાવી દીધી હતી. લોકો સામે પહેલીવાર ખાલિસ્તાની આતંકવાદનો વરવો ચહેરો સામે આવ્યો હતો. આજે પણ જેની પર રહસ્યનું એક આવરણ ઢંકાયેલું છે એવો આ બોમ્બકાંડ ખાલિસ્તાનના લોહીયાળ ઇતિહાસમાં કનિષ્ક બોમ્બકાંડના નામે દર્જ થયેલો છે.

છેલ્લા ઘણા સમયથી ખાલિસ્તાન શબ્દ માથું ઉંચકી રહ્યો છે. ખાલિસ્તાનના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા થોડા સમયથી માથાકૂટ ચાલી રહી છે.  હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. દિલ્હીમાં સ્કૂલ પાસે બ્લાસ્ટ થાય છે અને ખાલિસ્તાન જૂથ તરફ શંકાની એક સોઇ મંડાય છે. કેનેડાના ખાલિસ્તાની નેતા ગુરપતવંતસિંહ પન્નુ ખુલ્લી ચેતવણી આપે છે કે જેને જીવ વ્હાલો હોય એ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી ન કરે. વિમાનો ફૂંકી મારવાની ધમકીઓ અપાઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવેલા આ સમાચારો 1985ના કનિષ્ક કાંડના વરવા ઝખમોને ખોતરે છે અને યાદ અપાવે છે ખાલિસ્તાની આતંકવાદના એક ખતરનાક પ્રકરણની. એકીસાથે બે ભારતીય પ્લેનોને ઉડાવી નાખવાનું  આ એક એ ખતરનાક પ્રકરણ હતું કે જેમાં ખાલિસ્તાનીઓએ સાચ્ચે જ એર ઇન્ડિયાના વિમાનને ફૂંકી માર્યું હતું. કોણ હતા આ બોમ્બકાંડના પડદા પાછળના સૂત્રધારો? કેવી રીતે ઘડાયો આ આખો કારસો?  

જ્યારે  કેનેડા ખાલિસ્તાનીઓનું ગઢ બન્યું!
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ શીખ સમુદાય આખા વિશ્વમાં ફેલાઇ ગયો. કેનેડામાં પાંચ લાખ શીખો તો બ્રિટનમાં ચારેક લાખ જેટલા શીખોએ ધામા નાખ્યાં. ડો.જગજીતસિંહ ચૌહાણ નામનો એક ડેન્ટીસ્ટ-દાંતનો ડોકટર અને સ્થાનિક આગેવાન હતો. મૂળ પંજાબનો હતો. 1970ના દાયકાથી શીખોની એક અલગ દેશ હોવાની માંગ બળવતર બનતી જતી હતી. ડૉ. ચૌહાણે ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક એડ છાપીને પોતાને ખાલિસ્તાનનો પ્રેસિડેન્ટ સુદ્ધા ઘોષિત કરી દીધો હતો.  

ઇન્ડિયન ઇન્ટેલિજન્સના દાવા પ્રમાણે આ એડ છાપવા માટે વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાની એમ્બેસીએ  પૈસા આપ્યા હતા. 1971માં પાકિસ્તાનના બે ફાડિયા થયા બાંગ્લાદેશનો જન્મ. પાકિસ્તાની આર્મીને નીચાજોણું થયું. જનરલ યાહ્યા ખાનના હાથમાંથી થઇને પાકિસ્તાનનું સુકાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના હાથમાં આવ્યું. ભુટ્ટોના મનમાં 1971નો બદલો રમતો હતો એટલે એમણે પણ ખાલિસ્તાનનીઓને પૂરું બળ આપ્યું.

વર્ષ 1980 સુધીમાં અલગ ખાલિસ્તાનની આગ આખા પંજાબને ભડકે બાળી રહી હતી. આતંકી હુમલાઓ…પોલીસ અને શીખ ઉગ્રવાદીઓની લોહિયાળ અથડામણો..ગોળીઓની ધણધણાટી…લોહીના ખાબોચિયામાં કારતૂસો વચ્ચે પડેલી લાશો.. આ પંજાબનું સામાન્ય દૃશ્ય બની ગયું હતું. શીખ ઉગ્રવાદીઓનો લીડર ભિંડરાનવાલે અમૃતસરના સુવર્ણ મંદિરમાં બેસીને ભારત સરકારને લલકારી રહ્યો હતો. વર્ષ 1984માં ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાનના ભોરીંગને ડામવા માટે ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ લૉન્ચ કર્યુ. આ ઓપરેશનની નારાજગી અને આક્રોશની કિંમત ઇન્દિરા ગાંધીએ પોતાના જ અંગત શીખ બોડીગાર્ડની મશીનગનની ગોળીએ જીવ ગુમાવીને ચૂકવી. પણ શીખ ઉગ્રવાદીઓનો બદલો હજુ બાકી હતો. ખાલિસ્તાની બદલાની એક ખતરનાક સ્ક્રીપ્ટ કેનેડાની ધરતી પરથી લખાઈ રહી હતી!

ચાંડાળ ચોકડી
કેનેડામાં સ્થાયી થયેલા શીખ સમુદાયમાંથી કેટલાક ઉગ્રવાદી શીખોએ બબ્બર ખાલસા નામનું સંગઠન રચ્યું હતું. આ બબ્બર ખાલસા જૂથનો નેતા હતો તલવિન્દરસિંહ પરમાર. એના નામે બે ભારતીય પોલીસ અધિકારીનો હત્યાનો અપરાધ બોલતો હતો. એણે કેનેડામાં શરણ લીધું હતું. આ તલવિન્દરસિંહનો સાથીદાર હતો રિપુદમનસિંહ મલિક. એ સ્થાનિક શીખ સમુદાય પર પ્રભાવ ધરાવતો બિઝનેસમેન હતો. ખાલિસ્તાની જૂથ સાથે સંકળાયેલો  એક શીખ યુવક હતો. જેનું નામ હતું ઇન્દરજીતસિંહ રેયાત. વ્યવ્સાયે ઓટોમિકેનીક હતો. ચોથો હતો અજેયબસિંહ બાગરી. તલવિન્દરસિંહ સાથે એની નજદીકી હતી. ખાલિસ્તાનની સ્થાપના માટે હિંસક અભિયાનનો એ હિમાયતી હતો.

આ ચારેય ચાંડાળ ચોકડી એક ખતરનાક કારસાને અંજામ આપવા માટે લાગેલી હતી. કેનેડા ઇન્ટેલિજન્સને ભનક આવી ગઇ હતી કે કેનેડામાં બબ્બર ખાલસા નામનું ખાલિસ્તાની સંગઠન આતંકી ગતિવિધીઓ કેનડામાં ઓપરેટ કરી રહ્યું છે.

કુત્તાનું નાક ધરાવતા કેનેડા સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ(CSIS) અને રોયલ કેનેડીઅન માઉન્ટેડ પોલીસ(RCMP)ના કેટલાક શાર્પ ઓફિસરો આ તલવિંદર સિંહ પરમાર પર બોમ્બકાંડની પહેલા જ બાજ નજર રાખીને બેઠા હતા. જોકે  અફસોસ કે માત્ર નજર રાખવા પૂરતો જ કેનેડીયન ઇન્ટેલિજન્સ અને પોલીસે સંતોષ માન્યો હતો. જો નક્કર એકશન લેવાયા હોત તો કદાચ એર ઇન્ડિયા ફ્લાઇટને બોમ્બથી બેશક બચાવી શકાઇ હોત. કેનેડાએ તો એ જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે ભાઇ, એર ઇન્ડિયાની કંઇ ફ્લાઇટને બોમ્બથી ઉડાવી નાખવાની છે એના અંગે અમારી પાસે કશી જાણકારી ન હતી. હકીકતે કેનેડા પોલીસ અને ઇન્ટેલિજન્સનું આ સૌથી મોટું સફેદ જૂઠ હતું. એક નહીં અનેકો ચેતવણી છતા પણ નિષ્ક્રિયતાના પડળો ચડાવીને બેઠેલી અને મીંઢુ મૌન ધારણ કરીને બેઠેલી કેનેડા ઇન્ટેલિજન્સ અને પોલીસની આંખ સામેથી બોમ્બકાંડનો ઘટનાક્રમ કેવી રીતે આગળ ધપતો જતો હતો જુઓ…

'જો તું બોમ્બ પ્લાન્ટ કરીશ તો..'
ઓગષ્ટ 1984માં ફ્રેન્ચ-કેનેડીયન ક્રિમીનલ ગેરી બોડ્રીઓએ કેનેડા પોલીસ સામે ઘટસ્ફોટ કર્યો કે વાનકુંવરના કેટલાક ઉગ્રવાદી શીખોએ તેને એર ઇન્ડિયામાં બોમ્બ મુકવા માટે બે લાખ યુએસ ડોલરની ઓફર કરી હતી. અલબત ભૂતકાળમાં ડ્રગ્સ ડિલીંગ જેવા અનેક ગંભીર ગુનાઓ આચરી ચુકેલા ગેરીએ આ કામ માટે સાફ નનૈયો ભણી દીધો હતો. જોકે પોલીસને ગેરીની વાત ત્યારે તો કાને ન ધરી પણ એક મહિના પછી એક બીજો માણસ કેનેડા પોલીસ પાસે આવ્યો. એ યુવક શીખ હતો. હરમીલ સિંહ એનું નામ. નાની-મોટી ચોરીના કેસના જેલની અંદર પણ જઇ આવેલો.હરમીલસિંહના જણાવ્યા પ્રમાણે કેનેડાના શીખ સમુદાયના કેટલાક ઉગ્રવાદીઓએ ગેરી બોડ્રીઓ નામના એક વ્યક્તિને બોમ્બ પ્લાન્ટ કરવા માટે સાધ્યો છે. હવે કેનેડા પોલીસની  ભ્રમરો ખેંચાઇ.

1985-06-10_VT-EFO_Air_India_EGLL

જેને બોમ્બથી ફૂંકી મારવામાં આવ્યું એ એર ઇન્ડિયાનું કનિષ્ક વિમાન

સ્યુસાઇડ હુમલો થઈ શકે છે!
તારીખ 1 જૂન, 1985.
કેનેડા ઇન્ટેલિજન્સ અને પોલીસને પૂરેપૂરી ગંધ આવી ગઇ હતી કે કેનેડાની ધરતી પર કોઇ મોટા આતંકી કૃત્યને અંજામ આપવાનો છે. ભારત સરકારની ઇન્ટેલિજન્સે પણ કેનેડા સરકારને વારંવાર ચેતવણી આપી હતી.

કનિષ્ક બોમ્બકાંડના ત્રણ અઠવાડિયા પહેલા એર ઇન્ડિયાના સિક્યોરિટી મેનેજરને ઇન્ડિયન ઇન્ટેલિજન્સનો રિપોર્ટ મળ્યો. રિપોર્ટ સ્ફોટક હતો. શીખ ઉગ્રવાદીઓ સ્યુસાઇડ સ્કવોડથી કે પછી લગેજમાં બોમ્બ પ્લાન્ટ કરીને એર ઇન્ડિયાની ફ્લાઇટને ફૂંકી શકવાની ગંભીર ચેતવણી આ રિપોર્ટમાં આપવામાં આવી હતી. એર ઇન્ડિયાના તમામ ઓફીસરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવે છે. પણ છેલ્લા કેટલાય દિવસથી આતંકી હુમલાની ચેતવણી મેળવી રહેલી કેનેડાની પોલીસ અને ઇન્ટેલિજન્સના માણસોને આ રિપોર્ટમાં ખાસ કાંઇ નવીન લાગ્યું નહીં!

જંગલમાં અમંગળ: બોમ્બનું  ટેસ્ટિંગ
તારીખ 4 જૂન, 1985.
કેનેડીયન પત્રકાર-લેખક ટેરી મિલેસ્કીએ બુક ‘બ્લડ ફોર બ્લડ’માં લખ્યું છે એ પ્રમાણે તલિવન્દરસિંહે વાનકુંવરમાં ઇન્દ્રજીતસિંહ રેયાત સાથે મુલાકાત કરી હતી. બોમ્બ મેકિંગનું કામકાજ કેવુંક ચાલી રહ્યું છે એ જોવા માટે. ઇન્દરજીતસિંહ રેયાતને બોમ્બ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તલવિન્દરસિંહ અને રેયાતની આ મુલાકાત પર ચાંપતી નજર રાખી રહેલા કેનેડા સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના માણસોએ બંનેને બાજુના જંગલ વિસ્તારમાં બોમ્બનું ટેસ્ટિંગ કરતા પણ જોઇ લીધા હતા.

કેનેડા સર્વિસ ઇન્ટેલિજન્સ સર્વિસે આપણુ કામ માત્ર વોચ રાખવાનું છે, એકશન લેવાનું કામ પોલીસનું છે એમ માનીને સંતોષ લીધો અને આપણું કામ અહીં પુરું એમ માનીને ઘરે ચાલી ગયા હતા. કેનેડાની પોલીસ આ મામલે સાવ અંધારામાં રહી ગઇ હતી. કેનેડા સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસે આ મામલે રોયલ કેનેડીઅન માઉન્ટેડ પોલીસને કશી જાણકારી આપી ન હતી. અલબત કેનેડા પોલીસને તલવિન્દરસિંહ પર શંકા તો હતી જ પણ સામા કશા જ પગલા ન લઇને શંકાના ઘેરામાં આવી ગઇ હતી. જસ્ટીસ જોન મેજરે આપેલા નિષ્કર્ષ પ્રમાણે  કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સી અને પોલીસ વચ્ચે તાલમેલનો અભાવ, પરસ્પરની શંકા-કુશંકામાં પણ આ બોમ્બકાંડ ખાળી ન શકાયો.

thumb-4

ભારતીય વર્તમાનપત્રોના મથાળે કનિષ્ક કાંડના સમાચાર

‘બે જ અઠવાડિયામાં કશું મોટું થશે’
તારીખ 12 જૂન, 1985
‘હજુ સુધી એક પણ રાજદૂત મરાયો નથી. તમે લોકો અહીં શું નવરા બેઠા માખી મારી રહ્યા છો. ભારતની પગ તળેથી ધરતી ખસી જાય એવું કશુંક મોટું પરાક્રમ કરીને ક્યારે બતાવશો…

જેમ કોર્પોરેટ કંપનીમાં બોસ એના જુનિયર કર્મચારીને ટાર્ગેટ  પુરા  ન કરવા બદલ ખખડાવે એમ મનમોહનસિંહ નામનો એક શીખ અલગાવવાદી નેતા તલવિંદરસિંહ પરમારના સપોર્ટર પુષ્પેન્દ્રસિંહ નામના એક ખાલિસ્તાનીને ઝાટકી રહ્યો હતો.

‘તમે ચિંતા ન કરો બે જ અઠવાડિયામાં કશું મોટું થશે’ પુષ્પેન્દ્રસિંઘે વિશ્વાસ અપાવ્યો.

શીખ ઉગ્રવાદીઓની આ ગુપ્ત મિટીંગ પર વાનકુંવર સિટી પોલીસના જાસૂસો નજર માંડીને બેઠા હતા.

‘લિખ દો કહાની’
‘કહાની લિખ દી હૈ?’

‘નહીં. અભી નહીં..’

‘તો ફીર કિતની દેર હે? લિખ દો કહાની’

રિપુદમનસિંહ મલિકે બ્રિટીશ કોલંબિયાના તલવીંદરસિંહના નિવાસસ્થાને  તારીખ 18 જૂન,1985ના રોજ મુલાકાત પણ કરી હતી. કેનેડા પોલીસ તલવિન્દરસિંહ પરમારનો ફોન પણ ટેપ કરી રહી હતી. આ હુમલાના ચાર દિવસ પહેલા, પોલીસે ફોન ટેપ કર્યો ત્યારે આ કથાના પ્રારંભે ટાંકેલો અને અહીં પુનરાવર્તિત કરેલો સંવાદ સંભળાયો.

આ સંવાદ તલવિન્દરસિંહ પરમાર અને હરદીપસિંઘ જોહલ વચ્ચેનો હતો. અને અહીં કહાની લખવાનો મતલબ ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા સાથે જોડાયેલો હતો. તલવિન્દરસિંહની સુચના પ્રમાણે હરદીપસિંહ જોહલે ટિકીટ એમ.સિંહ અને એલ.સિંહના નામે બે શખ્સોની ટિકીટ બુક કરાવી લીધી. આ બંને શખ્સો બોમ્બકાંડના મહોરાઓ હતા.

ટેપિંગ કરેલી ફોન રેકોર્ડ ભૂંસી નાખી
અહીં પણ કેનેડા પોલીસની આળસ પર નફરત અને ગુસ્સનો લાવા ઉકળી ઉઠે એવી બેદરકારી સામે આવી. તલવિન્દરસિંહ પરમારનો ફોન ટેપ થઇ રહ્યો હતો પણ ક્યારેક તો એવું થતું કે તલવિંદરસિંહના કેટલાક નકામા ફોન પણ કેનેડા સર્વિસ ઇન્ટેલિજન્સ સર્વિસના માણસોને સાંભળવા પડતા એટલે કેટલીક ટેપિંગ રેકોર્ડ પણ સાંભળ્યા વગર અને નોટ કર્યા વગર ભૂંસી નાખવામાં આવી હતી. કોર્ટના મોરચે આ અક્ષમ્ય બેદરકારી સાબિત થવાની હતી.

કેનેડાના અપરાધ આલમની એક-એક ખબર રાખતા કેનેડા પોલીસના પોલ બેસો નામના ખાનગી બાતમીદારે પણ આ બોમ્બકાંડની ખબર આપી દીધી હતી. કેનેડીયન પોલીસની ગંભીર બેદરકારીનો સિલસિલો ખાલિસ્તાનીઓને પોતાનો મનસુબો સાકાર કરવામાં ટેકો આપી રહ્યો હતો અને આખરે એ જ થયું જેની આશંકા હતી.

તારીખ 22 જૂન, 1985: એ દિવસે શું થયું હતું?
એ દિવસે મનજીત સિંહ નામનો વ્યક્તિ સવારે 8:50 વાગે વાનકુવર એરપોર્ટ પર પહોંચ્યો. મનજીતની ટિકિટમાં નામ 'એમ. સિંહ' નોંધાયેલું હતું. મનજીતને વાનકુવરથી ટોરોન્ટો જવાની કેનેડિયન પેસિફિક ફ્લાઈટ પકડવાની હતી. જ્યાં તેની ટિકિટ એર ઈન્ડિયાની ફ્લાઈટ 182, સમ્રાટ કનિષ્કમાં બુક થઈ હતી. કનિષ્કનું અંતિમ મુકામ ભારત-દીલ્હી હતું. વચ્ચે લંડનમાં રોકાણ હતું. મનજીત ઈચ્છતો હતો કે તેનો સામાન સીધો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ડાયરેક્ટ ચેક ઇન કરવામાં આવે, જેથી તેને ટોરોન્ટોમાં રિ-ચેકીંગની કોઇ કડાકૂડ કરવી ન પડે. પરંતુ સમસ્યા એ હતી કે મનજીતની ટોરોન્ટોથી મોન્ટ્રિઅલ થઇને દીલ્હી સુધી જતી એર ઇન્ડ્યિા 182ની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં બોલતી હતી. એરપોર્ટ એજન્ટ જેની એડમ્સે પોતાની મજબૂરી જણાવી કે વેઇટિંગ ટિકિટ પર ડાયરેક્ટ બેગેજ ચેક-ઇન કરી શકાતી નથી. આ સાંભળતા જ મનજીત ભડક્યો. સામી દલીલબાજી કરી એણે:

'મારે ટોરોન્ટો પર ફરી સામાન ચેક કરાવવાની શું જરૂર, એના કરતા મારો સામાન ટોરોન્ટોથી સીધો જ એરઇન્ડિયામાં ટ્રાન્સફર કરી દો ને'

પાછળ વધતી ભીડના ધસારાએ જેની એડમ્સને મનજીત સાથે માથાકૂટ કરતા રોકી લીધી અને આખરે કમને જેની એડમ્સ  મનજીતનું ભારત સુધી લગેજ ચેક-ઇન કરાવવા માટે તૈયાર થઇ. હવે એમ.સિંહને ટોરોન્ટોમાં સામાન ચેકિંગ કરાવવાની કોઇ જરૂર ન હતી. હવે એને વિમાનમાં બેસવાની પણ કોઇ જરૂર ન હતી!

હવે, કંઇક આવું જ એક બીજું દૃશ્ય જુઓ..
કેનેડીયન પેસિફીકનું બીજું એક વિમાન બપોરના એકાદ કલાકે ટોકિયો જવા નીકળવાની તૈયારી કરી રહ્યું હતું. બગેજ ચેકના કાઉન્ટર પાસે એક યુવાન આવે છે. એનું નામ છે એલ.સિંહ. એના સુટકેસ પર દિલ્હી સુધીનું ટેગ લગાડેલું છે. ટોકિયો એરપોર્ટ પર સામાન રિ-ચેકીંગની એને કોઈ જરૂરિયાત ન હતી. એલ.સિંહે લગેજ કન્વેયર પર સુટકેસ સરકાવી દીધી. થોડીવારમાં કેનેડીયન પેસિફિકના બોઇંગ 747એ ટોકિયો તરફ ઉડાન ભરી પણ પ્લેનમાં એક મુસાફર ગેરહાજર હતો. એ હતો એલ.સિંહ કે જે વિમાનમાં બેઠા વિના એરપોર્ટ પરથી બારોબાર રવાના થઇ ગયો હતો. એમ.સિંહ અને એલ.સિંહ બંનેનો સામાન પ્લેનમાં હતો પણ બંને પ્લેનમાં સવાર હતા નહીં! એરપોર્ટ ઓથોરિટીએ બંનેનો સામાન બહાર કાઢવાની તકેદારી પણ કમસેકમ દાખવી હોત તો...પણ આ કિસ્સામાં તો એરપોર્ટ ઓથોરિટી પણ બેવકૂફીની હદે અંધારામાં રહી ગઈ!

બીપ…બીપ…બીપ...
ઘડીયાળનો કાંટો સાંજના ચાર કલાકે દસ્તક દઇ રહ્યો હતો. સાંજના ચાર કલાકે વાનકુંવરથી ટોરોન્ટો જવા માટે ત્રીસ લોકો પ્લેનમાં સવાર થયા. મનજીતની બેગ પણ  પ્લેનના ભંડકીયામાં પહોંચી, પણ મનજીત નહીં. એ ફ્લાઈટમાં બેઠો પણ નહોતો. એર ઈન્ડિયાનો સ્ટાફ ટોરોન્ટોમાં સામાન તપાસી રહ્યો હતો ત્યારે યોગાનુયોગ એક્સ-રે મશીનમાં ખામી સર્જાઈ. સ્કેનરથી સામાનની તપાસ દરમિયાન, મનજીતની બેગ પાસે થોડો બીપનો અવાજ પણ સંભળાયો પરંતુ કર્મચારીઓએ અવગણના કરી. કર્મચારીઓની આ ભૂલ કેટલી ભયાવહ હતી એનો કર્મચારીને અંદેશો ન હતો. આ પછી ટોરોન્ટોથી ઉપડેલી ફ્લાઈટ 182 મોન્ટ્રીયલ પહોંચી. જ્યાં અન્ય કેટલાક લોકો પર પ્લેનમાં સવાર થયા. અત્યાર સુધીમાં મુસાફરોની સંખ્યા 307 પર પહોંચી ગઈ હતી. પ્લેનના ક્રુ મેમ્બર્સની સંખ્યા 22 હતી.

thumb-5

કનિષ્ક વિમાનના હતભાગી ક્રુ મેમ્બર્સ

પ્રચંડ વિસ્ફોટ, માત્ર 141ની જ લાશ મળી
જ્યારે જાપાનના ટોક્યોમાં વિસ્ફોટના સમાચાર આવ્યા ત્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 એટલે કે સમ્રાટ કનિષ્ક આયર્લેન્ડના આકાશમાં હતી અને લંડન તરફ જઈ રહી હતી. આઇરિશ સમય અનુસાર, આ દિવસે એટલે કે 23 જૂન, 1985ના રોજ સવારના 9 વાગ્યા હતા જ્યારે એર ટ્રાફિક કંટ્રોલે જોયું કે પ્લેન રડારથી ગાયબ થઈ ગયું છે. એ પ્લેન હવે હંમેશ માટે ભૂતકાળ થઇ ગયું હતું.

બોમ્બના પ્રચંડ વિસ્ફોટથી એટલાન્ટિક મહાસાગરમાં ખાબકેલા એ પ્લેનમાં સવાર તમામ 329 જિંદગીનો ભોગ લેવાઇ ગયો હતો. 329 મૃતકોમાં 165 તો કેનેડાના નાગરિકો હતા, 22 અમેરિકન અને 110 ભારતીયો હતા. આઇરિશ નેવીની ટીમે રેસ્કયુ કામગીરી આરંભી ત્યારે વિમાનનો કાટમાળ સમુદ્રની વચ્ચે ફેલાઇ ગયો હતો. રેસ્ક્યુ ટીમ નવજાત બાળકો સહિત માત્ર 141 લોકોના જ મૃતદેહ શોધી શકી. બાકીનાઓની લાશ પણ મળવા સુદ્ધા પામી ન હતી. અફાટ સમુદ્રના મોજાઓ એ લાશોને દૂર-દૂર સુધી તાણી ગયા હતા. આ બોમ્બકાંડે આખા વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો હતો. ખાલિસ્તાનીઓના ચહેરા પર સૌથી મોટું ઓપરેશન સફળ રીતે પાર પાડવા બદલ ક્રુર સ્મિત રમી રહ્યું હતું.

Irish_Naval_Service_recovering_bodies_from_the_Air_India_Flight_182_disaster

એટલાન્ટિક સમુદ્રમાં રેસ્ક્યુ કામગીરી કરતા આઇરિશ નેવીના સૈનિકો

અદાલતી ખટલો: યે અંધા કાનુન હૈ!
આ બોમ્બકાંડમાં કુલ 329 લોકોએ જીવ ગુમાવ્યો હતો પરંતુ પછીના છ વર્ષ સુધી પોલીસ કોઈની સામે કાર્યવાહી કરી શકી નથી. આપણે અગાઉ વાત કરી એમ કેટલીક કોલ રેકોર્ડ પોલીસે ભૂંસી નાખી હતી. આ મહત્વનો પુરાવો ખોઇને પોલીસે કેસને સાવ લુલો કરી નાખ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ એકેયને જેલમાં ધકેલી શકી ન હતી. 29 એપ્રિલ 1986ના રોજ ઈન્દ્રજીતસિંહ રેયાતે કબૂલાત કરી હતી કે તેની પાસે વિસ્ફોટક સામગ્રી છે. પરંતુ આ કેસમાં તેને $2000નો દંડ ફટકાર્યા બાદ છોડી દેવામાં આવ્યો. આ પછી રેયાત તેના પરિવાર સાથે બ્રિટનમાં સ્થાયી થયો. બીજી તરફ જાપાનની પોલીસ પાસે જાપાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના પુરાવા હતા. આખરે, રેયાતને જાપાનમાં બે લોકોની હત્યા માટે ધરપકડ કરવામાં આવી હતી અને તેને કેનેડા લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.

વર્ષ 1992માં તલવિન્દરસિંહ પરમાર પંજાબમાં કેપીએસ ગિલના દૌરમાં પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો. બ્લાસ્ટના 15 વર્ષ બાદ 2000માં પોલીસે અજેયબસિંહ બાગરી અને મલિક વિરુદ્ધ કેસ નોંધ્યો. કેનેડામાં આ કેસ એટલો હાઈ પ્રોફાઈલ હતો કે તેને એર ઈન્ડિયા ટ્રાયલ નામ આપવામાં આવ્યું હતું. કેસ દરમિયાન, એક સાક્ષીની હત્યા કરવામાં આવી હતી જ્યારે બીજાને સાક્ષી સુરક્ષા હેઠળ મોકલવો પડ્યો હતો. કેસની નાજુકતાને ધ્યાનમાં રાખીને, $7.2 મિલિયનના ખર્ચે એક અલગ કોર્ટરૂમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પુરાવાના અભાવે બાગરી અને મલિકને છોડી મૂકવામાં આવ્યા. આ કેસમાં રેયાતને વધુ 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અને 2011 માં, તેને કોર્ટમાં જૂઠું બોલવા બદલ વધુ 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

સુત્રધારો તો સામે આવ્યા પણ આ બોમ્બકાંડના મહોરાઓ તો જાણે ધરતીમાં સમાઇ ગયા હતા. એમ સિંહ અને એલ સિંહ, જેઓ સૂટકેસ એરપોર્ટ પર લઈ ગયા હતા, એ લોકોની આજદિન સુધી કોઇ ઓળખ થઇ શકી નથી. કેનેડાની સરકારે આ તપાસને 25 વર્ષ સુધી લંબાવીને મબલખ પૈસો ખર્ચ્યો હતો. જોકે કશું નક્કર પરિણામ હાંસિલ કરી શકી ન હતી. દોષિતો આરામથી હસતા-હસતા છૂટી ગયા હતા.

640px-Air_india_182

ટોરોન્ટોમાં કનિષ્ક કાંડના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરતું સ્મારક

જો અને તો...
આ સમગ્ર મામલે કેનેડીયન સરકારના સોલિસિટર જનરલે તો ત્યાં સુધી કહી દીધું હતું કે એર ઇન્ડિયા 182 આતંકી હુમલો છે એના કોઇ સબૂત નથી. કેનેડા એમ માની રહ્યું હતું કે જે મર્યા છે એ મૂળ ક્યાં આપણા દેશના નાગરિકો છે. કેનેડાની ઉદાસીનતામાં ક્યાંક રંગભેદની માનસિકતા પણ જવાબદાર હતી એટલે જ એણે મૂળ ભારતના મૃત નાગરિકોના મોત પર વિશેષ અફસોસ ન હતો. જો હોત તો આ બોમ્બકાંડના સૂત્રધારોને આકરામાં આકરી સજા કરી હોત. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રિપુદમનસિંહ જેવાઓ કદાચ જેલની અંદર હોત પણ આમ થયું નહીં.  કનિષ્ક બોમ્બકાંડ મામલે મળેલી વારંવારની ચેતવણી છતા પણ કેનેડાની પોલીસ-ઇન્ટેલિજન્સે નક્કર એકશન લેવાને બદલે કેમ આંખ આડા કાન રાખીને ઊંઘતા રહેવાનું પસંદ કર્યું એ સવાલનો કોયડો તો આજે પણ વણઉકેલાયેલો છે.

(સંદર્ભ- બ્લડ ફોર બ્લડ: ફીફટી યર્સ ઓફ ધ ગ્લોબલ ખાલિસ્તાની પ્રોજેકટ)

સંકળાયેલા મુદ્દાઓ

khalistan Gurpatwant Singh Pannun Air India Flight 182
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ