બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / 'મા પાસે મરશિયા ગવડાવ્યાં', ભીલ કન્યા સાથે લગ્ન પછી સોમનાથની રક્ષા કાજે આપી પ્રાણની આહૂતિ, ભવ્ય શૌર્યગાથા
Last Updated: 04:09 PM, 22 March 2025
સોમનાથ કાજે પોતાના પ્રાણની આહૂતિ આપનાર શૂર'વીર' હમીરજી ગોહિલની વીરતા દર્શાવતી બોલિવુડ ફિલ્મ "કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથ" રિલિઝ થઈ ગઈ છે. આ પ્રસંગે વીર હમીરજી ગોહિલની ભવ્ય શૌર્યગાથા ઉખેળવી અસ્થાને નહીં ગણાય. કેવા હશે એ શૂરવીર? કે જેમણે શહાદત પહેલાં 'માં મારા મરશિયા ગાને' પછી સાંભળવા નહીં રહું' એવું બોલ્યાં અને પછી સોમૈયા (સોમનાથ)ની રક્ષા કાજે સોમનાથ ભણી ઘોડો દોડાવી મૂક્યો. ગુજરાતની ધીંગી ધરામાં થઈ ગયેલા આ મહાન સપૂતે 16 વર્ષની ભરજવાનીમાં સોમનાથ મંદિરની રક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી હતી.
ADVERTISEMENT
કોણ હતા વીર હમીરજી ગોહિલ
ADVERTISEMENT
ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં (સન 1400ની આસપાસ) અમરેલીના લાઠીના અરઠીલાના રાજવી ભીમજી ગોહિલના સૌથી નાના પુત્ર હમીરજી ગોહિલ સમઢિયાળા(ભાવનગર પાસે)ના ગાદીપતિ હતા તે વખતે (સોમનાથ મંદિર પર યવન સામે ચઢાઈ કરતી વખતે હમીરજી ગોહિલની ઉંમર 16 વર્ષની હતી). બરાબર આ સમયે સોમનાથ મંદિરને ભાંગવા યવનની ફોજ ચઢી હતી.
યવનોએ સોમનાથ મંદિર પર કેમ હુમલો કર્યો
1400ની આસપાસ દિલ્હીમાં મહમ્મદ તુઘલક બીજાનું રાજ હતું, જુનાગઢનો સૂબો સમશુદ્દીન ખાન હારી જતાં મહમ્મદ તુઘલકે ઝફરખાનને ગુજરાતનો સૂબો (શાસક) બનાવ્યો હતો. સમય વીતવા મૂળ રાજસ્થાનનો ઝફરખાન સૂબામાંથી ગુજરાતનો બાદશાહ બની બેઠો. મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી બાદશાહ ઝફરખાનની નજર સોમનાથના મંદિર પર હતી. તેણે સોમનાથમાં પોતાના ખાસ રસૂલખાનને નીમીને ઉટપટાંગ ફરમાનો બહાર પડાવ્યાં, આને કારણે લોકો તેની સામે બંડ પોકાર્યું અને એક દિવસ લોકો એવા ઉશ્કેરાયા કે પરિવાર સાથે રસૂલ ખાનને વધેરી નાખવામાં આવ્યો. આ પછી ઝફરખાન સળગી ઉઠ્યો અને તે તોપ, હાથી અને ઘોડા સાથેની પઠાણી, અફઘાની, કાબૂલી અને મકરાણાઓની મોટી ફોજ લઈને સોમનાથ માથે ચઢાઈ કરી દીધી, તેના હૈયામાં સોમનાથને ભાંગીને રસૂલખાનના મોતનો બદલો લેવો હતો.
હમીરજી ગોહિલને સોમનાથ પર યવન આક્રમણની કેમ ખબર પડી?
ખૂબ સાહસી 'જવાન'રાજા હતા અને એક દિવસે સમઢિયાળાથી અરઠીલા આવ્યાં ત્યારે બહુ ભૂખ લાગતાં ખાવા બેસી જતાં ભાભીએ (તેમના મોટા ભાઈ દુદાજીના પત્ની)એ ખાતાં ખાતાં મેણું માર્યું કે આટલી બધી શું ઉતાવળ છે, 'સોમનાથના મંદિરને બચાવવા જવું છે'? બસ આટલું સાંભળતા 16 વર્ષના હમીરજી બેઠે ભાણે ઉઠી ગયા અને 200 રાજપૂત સરદારોની એક ટુકડી લઈને સોમનાથ મંદિરના રખોપા કાજે ઉપડી ગયાં.
શહાદત પહેલાં મા પાસે મરશિયા ગવડાવ્યાં
સોમનાથ જતાં રસ્તામાં હમીરજી ગીરના જંગલમાં એક નેસડામાં રાતવાસો કરવા રોકાયા હતા ત્યારે તેમણે જોયું કે એક ઝૂંપડામાં લાખબાઈ નામનાં ચારણ વૃદ્ધા મરશિયા ગાતાં હતા. રુદન એવું કે હવા પણ વહેતી થંભી જાય અને માજીના મરશિયા હમીરજીના દિલ સોંસરવા ઉતરી ગયા અને તેમણે ઝૂંપડામાં જઈને સવાલ કર્યો કે "માઈ કોના મરશિયા ગાવો છો? ત્યારે મા બોલ્યાં કે બાપ, પંદરેક દા’ડા અગાઉ મરણ પામેલા જુવાનજોધ દીકરાના મરશિયા ગાઉં છું, ત્યારે હમીરજી બોલ્યાં કે મા મર્યાં પછી પણ દીકરાને લાડ લડાવો છો, તો મા, મારા મરશિયા સંભળાવાને, માને આંચકો લાગ્યો કે જીવતે જીવ મરશિયા, તારા જીવતેજીવ મરશિયા ગાઈને મારે પાપમાં નથી પડવું હોં? ત્યારે હમીરજીએ આખી રાત લાખબાઈને જણાવી ત્યારે માજીને અશ્રુભરી આંખોએ સવાલ કર્યો કે દીકરા તું પરણેલો છે? હમીરજીએ નકારમાં પ્રત્યુત્તર આપ્યો ત્યારે આઈએ વિનંતી કરી કે રસ્તામાં જે કન્યા મળે તેની સાથે લગ્ન કરી લેજે દીકરા, પણ જે મોતને ભેટવા જતો હોય તેને કયો બાપ કન્યા આપે પરંતુ આઈ માના આશીર્વાદ ફળ્યાં ગિરના જંગલમાં રહેતાં વેગડાજી નામના ભીલ સરદારે આઈ માની વાત માનીને તેમની દીકરી રાજબાઈના લગ્ન હમીરજી સાથે કરાવી દીધાં. એક દિવસના લગ્ન બાદ હમીરજી સોમનાથની રક્ષા કાજે ઉપડી ગયા અને ભીલ સરદાર વેગડાજી તથા તેમના સાથીઓએ ઝફરખાન સાથે લડાઈમાં પ્રાણની આહુતિ આપી.
સૌથી પહેલા ભીલ સરદાર વેગડાજી શહીદ થયાં
ઝાફર ખાનનું લશ્કર ચોમેર વિનાશ વેરતું ઝનૂનપૂર્વક આગળ વધી રહ્યું હતું પરંતુ ગિરથી લઇને શિહોર પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીના સાથીઓ ઝફરખાનની સેના પર તીરમારો ચલાવી દેતાં તેની હાલત ખરાબ થઈ હતી. તેમણે ભીલ જવાનોને આસપાસનાં વૃક્ષો અને ગીચ ઝાડીઝાંખરા પાછળ સંતાઇને તીરોનો વરસાદ કરવાનો આદેશ આપ્યો. એમનું નિશાન હતું તોપચીઓ. છાતીમાં, ગળામાં કે મોઢા પર તીર ખૂંપી જવાથી મરણચીસ સાથે તોપ પરથી નીચે પડી જતા એના તોપચીઓને મુસ્લિમ સેના જોઇ જ રહી. હાર્યો જુગારી બમણું રમે એમ ક્રોધિત ઝાફર ખાને બીજી હરોળને આગળ ધપવાનો હુકમ કરી દીધો. તોપમાંથી ફેંકાતા ગોળાઓ ઝીક્કી ઝાડી-ઝાંખરા પાછળ ભીલોના રામ પણ રમાડી રહ્યા હતા. તોપગોળાની તાકાત સામે તીર-કામઠાથી લડતા ભીલો ક્યાં સુધી ટકી શકે? વેગડાજી સ્થિતિ સમજી ગયા. આને માટે તેઓ તૈયાર હતા. માંડ બસો-ત્રણસો ભીલ બાકી રહ્યા, ત્યારે વેગડાજી સમજી ગયા કે હવે બચવાનું મુશ્કેલ છે. તો કરવું શું? બધા ભીલ વીરો તલવાર અને ભાલા લઇને સામા દોડી ગયા! એક પછી એક ભીલ યોદ્ધા મેદાન પર ઢળી પડીને શ્ર્વાસ છોડી રહ્યા હતા. આ બધાથી લેશમાત્ર ચલિત થયા વગર વેગડાજીની નજર ઝાફર ખાનને શોધે છે. એ રહ્યો હાથી પર, પોતાની ફોજની વચ્ચોવચ . એ સમયે બન્નેની આંખ મળી, ઝાફર ખાન કાળઝાળ થઇ ગયો. તેણે એક સરદારને વેગડાજીને પકડવા કે પાડી દેવા માટે આગળ મોકલ્યો. એ સરદારના હાથીએ સૂંઢથી ઝાલીને વેગડાજીને ફંગોળ્યા પણ ભીલ નેતાએ ગજબનાક સમય સૂચકતા બતાવી. તેમણે એટલા જોશભેર તલવાર ફેંકી કે પકડવા આવેલા સરદારનું માથું ધડથી અલગ થઇ ગયું. પછી મુસ્લિમ સૈનિકોની લાશના ઢગલા વચ્ચે વેગડાજી પછડાયા અને શહાદત વહોરી લીધી. વેગડાજી અને ભીલ સેના ખતમ થતા હવે ઝાફર ખાન સોમનાથ પાટણ ભણી આગળ વધ્યો.
સોમનાથમાં 10મા દિવસે શહીદ થયાં હમીરજી ગોહિલ
વેગડાજીના શહાદતના 10 દિવસ બાદ સોમનાથમાં ઝફરખાનની સેના સામે લડતાં હમીરજી ગોહિલ શહીદ થયાં હતા. સોમનાથ દાદા માટે હમીરજી અને સાથીઓ અપ્રતિમ વીરતાથી લડ્યા હતા. વેગડાજી બાદ હમીરજીના સેનામાં થોડા નરબંકા બચ્યાં હતા, સોમનાથ મંદિર પ્રાંગણમાં ઘમાસાણ યુદ્ધ થયું હતું, લોહીની નદીઓ વહી, હમીરજી શરીર પર અનેક ઘા છતાં તેઓ મચક આપતા નહોતી, ઝફરખાનની ફોજ તો ફાટી આંખો હમીરજીની શૂરતા જોઈ રહી, આ પછી ઝાફરખાને સૈનિકોને ઝાફરખાનને ઘેરી લેવાનો આદેશ આપ્યો દસ-દસ મુસ્લિમ સૈનિકોનાં કુંડાળા વચ્ચે એકલવીર હમીરજી લડતાં લડતાં ઢળી પડ્યાં અને શહીદ થયા. એમની શહાદત સાથે સોમનાથનું મંદિર પણ ભાંગ્યું. સોમનાથ મહાદેવના સ્થાનક પર મુસ્લિમ તલવારનો પહેલો ફટકો પડ્યો.
માથું વઢાણું પણ ધડ લડ્યું
લોકવાયકા મુજબ, માથું વઢાયા બાદ પણ હમીરજી ગોહિલનું ધડ લડતું રહ્યું હતું અને યવન સેનાનો ખાતમો કરી નાખ્યો હતો. તેમની આ ભવ્ય શહાદત પર પ્રાંગણમાં એમની દેરી બંધાઇ હતી અને બહાર ભીલ દેવડાજીનું સ્મારક બંધાયું હતું, હવે તમે દાદાના દર્શને જાવ ત્યારે મંદિર સામે ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા વીર હમીરજીની પ્રતિમાને જરુરથી પ્રણામ કરજો.
શું હમીરજી મોહમ્મદ ગઝની કે મોહમ્મદ બેગડા સામે લડ્યાં હતા
લોકવાયકા તો એવી પણ છે કે હમીરજી મોહમ્મદ ગઝની કે મોહમ્મદ બેગડા લડ્યાં હતા પરંતુ આ વાતમાં દમ નથી કારણ કે મોહમ્મદ ગઝનીએ સન 1000માં સોમનાથ પર આક્રમણ કર્યું હતું ત્યારે હમીરજીનો જન્મ પણ થયો નહોતો. લાઠી હાઉસ/રજવાડાના વંશાવલી પર નજર નાખતાં એવું જણાય છે કે હમીરજીએ ઝાફરખાન સામે લડીને શહાદત વહોરી હતી. આ ઝાફરખાન દિલ્હીના સુલતાન (1394-1408) મોહમ્મદ તઘલક (બીજા)નો છેલ્લો સૂબો હતો.
હમીરસિંહના સ્મારક પર ચઢ્યાં બાદ ઝંડો ચઢે છે મંદિરના શિખર પર
સોમનાથ મંદિરના શિખર પર ફરકાવામાં આવતો ઝંડો પહેલા વીર હમીર સિંહ ગોહિલના સ્મારક પર ચઢાવાયા છે ત્યાર બાદ મંદિરના શિખર પર ચઢાવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.