બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અજબ ગજબ / VTV વિશેષ / VIDEO : ' મામા મારી પદમાને કેજો' ગીત વાયરલ! જીવંત થઈ માંગડાવાળા-પદમાની અમર પ્રેમકથા, ભાણવડનો ચમત્કારિક'ભૂતવડ'
Hiralal
Last Updated: 02:31 PM, 23 January 2025
ગુજરાતી સિંગર પંકજ મિસ્ત્રીના 'મામા મારી પદમાને કેજો', ગીત ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. 'પ્રે્મઘેલા' યુવાનોને પદમાનો પોકાર હૈયે વાગ્યો છે, લોકો મન મૂકીને આ ગીતની મજા માણી રહ્યાં છે. આવામાં સહેજે સવાલ થાય છેે કોણ છે આ પદમાવતી અને માંગડાવાળા સાથે તેને કેવી રીતે પ્રેમ થયો જે સરવાળે શહીદીમાં પરિણમ્યો. કથા જાણીને આંખો ભીની થયા વગર નહીં રહે. આ પ્રસંગે વીર માંગડાવાળા અને સતી પદ્માવતીના અમર પ્રેમની કથા પણ ફરી જીવંત ઉઠી છે. આજકાલના જવાનિયા શું જાણે પ્રેમની વાતો! વીર માંગડાવાળા અને સતી પદ્માવતીના પ્રેમની શૌર્યકથા જાણીને ગમમાં ડૂબી જશો અને સાચો પ્રેમ શું છે તેની અતથિ ઈતિ સુધી ખબર પડી જશે.
ADVERTISEMENT
700 વર્ષ પહેલાની પ્રેમકથા જીવંત થઈ ઉઠી
ADVERTISEMENT
આશરે 700 વર્ષ પહેલાની વાત છે. સન 1325ની આસપાસ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલું ખૂબ પ્રાચીનકાળનું ગામ એવા ઘુમલીમાં ભાણ જેઠવાનું રાજ હતું. ભાણ જેઠવા ખૂબ ન્યાયપ્રિય શાસક હતા અને ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણિયો હતો અને તેમના બગીચાની સંભાળ રાખતો હતો, પરંતુ એક દિવસ મેળામાં ગયો કે ન ગયો તરત માંગડાવાળું જીવન બદલાઈ ગયું અને તેના પ્રેમમાં બીજ પણ ત્યાં વવાયા.
પદમાવતીને હાથીથી બચાવી અને ફૂટ્યા 'પ્રેમાકૂંર'
એક દિવસ માંગડાવાળો મેળાની મોજ માણવા જઈ રહ્યો હતો બરાબર ત્યારે (તે વખતે ઘોર જંગલ વિસ્તાર) પાટણની પદમાવતી સહેલી સાથે વેલડામાં બેસીને જઈ રહી હતી આ સમયે ગાંડોતૂર થયેલો હાથી આવ્યો અને વેલડાનો કચ્ચરઘાણ કાઢી નાખવાની તૈયારીમાં હતો, પદમાવતીના નસીબ સારા કે તે સમયે માંગડાવાળો ઘોડી પર સવાર થઈને મેળામાં જઈ રહ્યો હતો અને તેણે આ દ્રશ્ય જોયું અને તરત પદમાવતીની મદદે ધસી આવ્યો, બહાદુર માંગડાવાળએ પોતાના વિશાળ ભુજાઓથી મદમસ્ત હાથીને કાબુમા લઈ લીધો, હાથીના હુમલામાં ઇજા પામેલા માંગડાવાળાને પદમાવતીએ પોતાની ચૂંદડીનો છેડો ફાડી પાટો બાંધ્યો અને એટલામાં બન્નેની આંખો મળી ગઈ, અને ત્યાં જ પ્રેમના અંકૂર ફૂટ્યાં જે આગળ પર વટવૃક્ષ બનવાનું હતું યુગો યુગો સુધી પ્રેમની દીવાદાંડી બનવાની હતી અને પદમાવતીએ તે જ સમયે નક્કી કરી લીધું કે હવે તો માંગડાવાળો જ તેનો ભરથાર, તેના સિવાય બીજા પુરુષો ભાઈ-બાપ સમાન છે. શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે પ્રણ લીધો કે તે મંગડાવાળાને સાથે લગ્ન નહીં કરે, ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્ચન ચાલુ રાખશે.
માલઢોરની રક્ષા કાજે માંગડાવાળો શહીદ થયો
કથા એવી છે કે એક દિવસ માંગડાવાળો મિયાણી હરસિદ્ધિ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા અને તકનો લાભ લઈને બહારવટીયાઓ ત્રાટક્યાં અને તેનું ઢોર-ઢાંખર ચોરી ગયા. મામા ભાણ જેઠવાને આ વાત ની જાણ થતા તે લૂંટારાઓ પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમના વચ્ચે યુદ્ધ થાય છે. આ દરમિયાન માંગડાવાળો પણ ત્યાં આવે છે અને વચ્ચે તેને પદમાવતી મળે છે અને ત્યાં સાથે જીવવા-મરવાના કોલ-કરાર થાય છે. હિરણ નદીને કાંઠે માંગડાવાળા અને બહારવટીયાઓ વચ્ચે યુદ્ધ થાય છે જેમાં બહારવટીયાઓ દગો કરીને ઘા મારતાં માંગડાવાળો શહીદ થાય છે.
પદમાને પામવાની ઈચ્છા અધૂરી રહેતાં માંગડાવાળો ભૂત બન્યો
યુદ્ધમાં માંગડાવાળો તો શહીદ થઈ ગયો પરંતુ પદમાવતી સાથે પરણવાની તેની ઈચ્છા અધૂરી રહી ગઈ, પરિણામે માંગડાવાળાએ પ્રેત યોનીમાં જન્મવું પડ્યું અને ભૂતરુપે ભટકવું પડ્યું અને જે જગ્યાએ બહારવટીયાં સાથે લડતાં શહીદ થયાં હતા તે વડની આજુબાજુ માંગડાવાળાનું પ્રેત ભૂત બનીને પદમાની યાદમાં તરફડતું હતું, વડલાંમાંથી પણ પદમા, પદમા એવો અવાજ આવતો હતો.
ભૂતે વરરાજા બનીને પદમા સાથે લીધા ફેરા
ભરથારની શહીદીની શોકજનક સમાચાર જાણીને પદમાવતી પારેવાની જેમ તડપી ઉઠી અને તેના વિરહમાં ઝૂરવા લાગી, આ દરમિયાન પરિવારના દબાણ હેઠળ, પદમાવતીના ઉનાના પૈસાપાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન લેવાયા હતા, માંગડાવાળાના કાકા અરશી જાનના સરદાર હતા. જાન જ્યારે વડ નીચે પહોંચી ત્યારે ઉપરથી ભૂત માંગડાવાળા ના લોહીના આંસુ પડ્યાં, આ જોઈને જાનૈયા થીજી ગયા, ભયના માર્યાં કાંપવા લાગ્યાં, ત્યાર બાદ માંગડાવાળાએ કાકા અરશી પાસે પદમા સાથે પરણવાની માગ કરીને પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવાનું કહેતાં કાકા પીગળી ગયા અને પછી માંગડાવાળાનું ભૂત વરરાજા બન્યું અને પદમા સાથે ફેરા લીધાં અને વળતાં તે જ વડના ઝાડમાં આવીને સમાઈ ગયું
નવા પરણેલા યુગલો છેડાછેડી છોડવા આવે છે
આ વડનું ઝાડ આજે ‘ભૂતવડ’ તરીકે ઓળખાય છે. વીર માંગડાવાળા દાદા ભારે ચમત્કારિક ગણાય છે નવા પરણેલા તેમની માનતા લઈને આવે છે છેડા-છેડીની વિધિ પૂરી કરીને મંગલ જીવનના આશીર્વાદ માગે છે.
પંકજ મિસ્ત્રીનું 'પદમા' ગીત ટ્રેન્ડિંગમાં
પંકજ મિસ્ત્રીના સ્વરમા “પદ્મા” ગીત ખૂબ લોકપ્રિય બન્યું છે જેમાં વિરહમાં ઝૂરતી પદમાવતીના પ્રેમનો પોકાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.