ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 50 લાખની સામે 1.05 કરોડ ચૂકવ્યા છતાં 2 કરોડની પઠાણી ઉઘરાણી, જામનગરમાં સરકારી કોન્ટ્રાક્ટરે પોલીસકર્મી સહિત 4 સામે ફરિયાદ કરી
Last Updated: 11:16 AM, 16 September 2026
ADVERTISEMENT
જામનગર: જામનગર પોલીસ બેડામાં ચકચાર મચાવતો કથિત વ્યાજખોરી અને બળજબરીથી નાણાં વસૂલવાનો મામલો સામે આવ્યો છે. સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી ઊંચા વ્યાજે નાણાં આપીને મોટી રકમ વસૂલવા અને ધમકી આપી વધુ રકમના દસ્તાવેજો તથા ચેક મેળવવાના આક્ષેપસર પોલીસકર્મી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની ગંભીરતાને પગલે રાજકોટ રેન્જ ડીઆઈજી સમક્ષ રજૂઆત બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ SITની રચના કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ સુરેન્દ્રનગર ખાતે બદલી પામેલા પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા સહિત ચાર વ્યક્તિઓ સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

રેતીની લીઝ માટે પ્રથમ રૂ.35 લાખ લીધા હોવાનો દાવો
ADVERTISEMENT
ફરિયાદી 32 વર્ષીય પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ રાણાના જણાવ્યા અનુસાર, વર્ષ 2024 દરમિયાન રેતીની લીઝના કામ માટે તેમણે અજયસિંહ ઝાલા પાસેથી આંગડિયા મારફતે રૂ.35 લાખ લીધા હતા. ફરિયાદ મુજબ આ રકમ સામે રૂ.36.05 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જૂન 2025માં ફરી નાણાંની જરૂરિયાત ઊભી થતાં રૂ.15 લાખ વધુ લેવામાં આવ્યા હતા. આ રકમ દર મહિને 20 ટકા વ્યાજના દરે આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
રૂ.50 લાખ સામે રૂ.1.05 કરોડ ચૂકવ્યાનો આક્ષેપ
ફરિયાદીનો દાવો છે કે બંને વ્યવહારો મળી કુલ રૂ.50 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી. તેની સામે રોકડ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને આંગડિયા મારફતે અત્યાર સુધીમાં કુલ રૂ.1,05,02,000 ચૂકવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વધુ નાણાંની માગણી કરવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ADVERTISEMENT
વડોદરા લઈ જઈ રૂ.2 કરોડના લખાણ કરાવ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, 27 ફેબ્રુઆરી 2026ના રોજ અજયસિંહ ઝાલા સહિત ચારેય આરોપીઓ ફરિયાદીને વડોદરા લઈ ગયા હતા. ત્યાં ધમકી આપી કોર્ટમાં લઈ જઈ રૂ.2 કરોડ હાથઉછીના લીધા હોવાનું દર્શાવતા ત્રણ અલગ-અલગ નોટરાઇઝ્ડ લખાણ કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ લખાણોના આધારે કુલ રૂ.2 કરોડના ચેક પણ મેળવવામાં આવ્યા હતા. બાદમાં આ ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા. ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદીને કાયદેસરની નોટિસો મોકલી વધુ દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પરિવારજનોને ફોન કરી દબાણ કર્યાનો આક્ષેપ
ફરિયાદીએ એવો પણ દાવો કર્યો છે કે બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ આપવામાં આવતી હતી. એટલું જ નહીં, ફરિયાદીના સગા-સંબંધીઓને પણ ફોન કરી નાણાં ચૂકવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે. ફરિયાદી પાસે સમગ્ર મામલાને લગતી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ, આંગડિયાની પહોંચ અને નાણાકીય વ્યવહારોના પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ચારેય આરોપીઓના સ્થળોએ તપાસ
મામલાની તપાસ માટે રચાયેલી SITએ ચારેય આરોપીઓ સાથે સંકળાયેલા સ્થળોએ તપાસ શરૂ કરી છે. પોલીસકર્મી અજયસિંહ મહાવીરસિંહ ઝાલા ઉપરાંત અજયસિંહ જયેન્દ્રસિંહ વાઘેર, યુવરાજસિંહ લાલુભા ઝાલા અને દિવ્યરાજસિંહ ગંભીરાસિંહ વાઘેર સામે પણ તપાસ ચાલી રહી છે. SIT દ્વારા આરોપીઓના નિવાસસ્થાનો તથા અન્ય સંબંધિત સ્થળોએ તપાસ કરી દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથે જ આ મામલા સાથે સંકળાયેલા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટ પરપ્રાંતિય યુવકની હત્યા, બહેનની છેડતી કરનારને 3 ભાઈઓએ પતાવી દીધો
ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોની તપાસ
સમગ્ર કેસમાં BNS તેમજ નાણાં ધીરધાર અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. SIT દ્વારા બેંક વ્યવહારો, ચેક, નોટરાઇઝ્ડ લખાણો, આંગડિયાની પહોંચ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને વોટ્સએપ તથા કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. SITની તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી બાદ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો