ઈરાકની રાજધાની બગદાદના એક ફૂટબોલ સ્ટેડિયમ નજીક જોરદાર બ્લાસ્ટની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.
ઈરાકની રાજધાની બગદાદમાં બ્લાસ્ટની ઘટના
ગેસ ટેન્કરમાં થયો બ્લાસ્ટ
10 લોકોના કમકમાટીભર્યા મોત
બ્લાસ્ટની આ ઘટનામાં સ્થાનિક 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા તો 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકો અને ઈજાગ્રસ્તોમાં ફૂટબોલ રમી રહેલા લોકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે.
ગેસ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ
રિપોર્ટ પ્રમાણે, બ્લાસ્ટ સ્ટેડિયમની નજીક ઉભેલા ગેસ ટેન્કરમાં થયો હતો, ધમાકો એટલો જોરદાર હતો કે, આસપાસના ઘરના બારી-બારણામાં હચમચી ઉઠ્યા હતા. સાથે જ ઘટના સ્થળની આસપાસ રહેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
ઈરાકના રાષ્ટ્રપતિ અબ્દુલ લતીફ રાશિદે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ઘટનામાં સામેલ લોકો સામે કડક પગલા લેવાના પણ આદેશ આપ્યા છે.
સોમાલીયાની રાજધાનીમાં 2 ધમાકા,અનેક લોકોના મોત
તો આ તરફ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શનિવારે એક ઓફિસ નજીક ભીડવાળા વિસ્તારમાં 2 બ્લાસ્ટની ઘટના બની છે, જેમાં અનેક લોકોના મૃત્યુ થયાં હતા.
એસોસિએટેડ પ્રેસ (એપી) ના પત્રકારે ઘટનાસ્થળે ઘણા મૃતદેહો જોયા અને કહ્યું કે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો સામાન્ય નાગરિકો હોવાનું જણાય છે અને જાહેર પરિવહનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે બીજો વિસ્ફોટ એક રેસ્ટોરન્ટની બહાર થયો હતો. એમ્બ્યુલન્સ સેવાના નિયામકએ કહ્યું કે ઘણા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઘટનાસ્થળેથી ઘણા મૃતદેહો લાવવામાં આવ્યા છે.