બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / જો તંત્ર કામ ન કરતું હોય તો, સીધા જ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી શકો, જાણો એક્સપર્ટ પાસેથી

તમારા કામનું / જો તંત્ર કામ ન કરતું હોય તો, સીધા જ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી શકો, જાણો એક્સપર્ટ પાસેથી

Published By: Dhwani Lakhani

Last Updated: 08:54 AM, 3 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીટ જ્યુરિસડિક્શન એ એક શક્તિશાળી બંધારણીય સાધન છે, જેથી કોઈ વ્યકિત કે સંસ્થા પોતાના, કે તેમની મૌલિક અધિકારોના ઉલ્લંઘન સામે સીધા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં રક્ષણ માગી શકે છે.

Writ Jurisdiction : ન્યાય વ્યવસ્થાનો સૌથી શક્તિશાળી અધિકાર એટલે 'રીટ જ્યુરિસડિક્શન' જેને સરળ શબ્દોમાં 'રીટ ફાઇલ કરવી' તરીકે ઓળખે છે. આ ખાસ કાનૂની વ્યવસ્થા આપણા બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવી છે, જે જ્યારે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થાય અથવા તંત્ર પોતાની ફરજ બજવવામાં નિષ્ફળ જાય ત્યારે તેમને સીધા હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ જઈને રાહત મેળવવાનો માર્ગ આપે છે. ચાલો જાણીએ રીટ જ્યુરીસડિકશન શું છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, કોણ કરી શકે છે, કોના સામે થાય છે અને ગુજરાતમાં તેનો હાલમાં કઈ રીતે ઉપયોગ થયો છે તેની સંપૂર્ણ સમજ મેળવીએ.

રીટ જ્યુરિસડિકશનનો અર્થ

રીટ એટલે કોર્ટ દ્વારા જાહેર સત્તાને આપવામાં આવતો ખાસ હુકમ. આપણા બંધારણમાં સ્પષ્ટ છે કે જ્યારે નાગરિકના મૂળભૂત અધિકારોનો ભંગ થાય, અથવા કોઈ જાહેર તંત્ર પોતાની કાયદેસર ફરજ બજાવવા નિષ્ફળ જાય, ત્યારે હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ પાસે રીટ દ્વારા સીધી અરજી કરી શકાય. આ વ્યવસ્થા એ માટે છે કે નાગરિકોને પોતાના અધિકાર માટે લાંબી કોર્ટ યાત્રા ન કરવી પડે, પરંતુ સીધા હાઈ કોર્ટ પાસે જઈને ન્યાય મેળવી શકાય.

કોણ રીટ કરી શકે?

રીટ એ એવો ઉપાય છે જે દરેક નાગરિક માટે ખુલ્લો છે. જે વ્યક્તિના અધિકારોનો ભંગ થયો હોય તે પોતે રીટ કરી શકે છે. પરંતુ ઘણી વાર ગરીબી, અભણ કે કાયદાથી અજાણ વ્યક્તિ કોર્ટ સુધી પહોંચી શકતી નથી. ત્યારે કોઈપણ ત્રીજી વ્યક્તિ કે સંગઠન જાહેર હિતમાં પણ રીટ કરી શકે છે. એટલે કે જો મજૂરોને ન્યાય ન મળે, વિદ્યાર્થીઓના હકોનો ભંગ થાય, કે કોઈ બીમારીના કારણે લોકો મરી રહ્યા હોય અને તંત્ર નિષ્ક્રિય બેઠું હોય, ત્યારે કોઈપણ જાગૃત નાગરિક તેના હક્ક માટે રીટ કરી શકે છે.

રીટ કોના સામે થઈ શકે?

રીટ સામાન્ય રીતે જાહેર સત્તા કે સરકારી તંત્ર સામે થાય છે. પોલીસ, નગરપાલિકા, સરકારી હોસ્પિટલ, શિક્ષણ બોર્ડ, સરકારી બેંક કે જાહેર કાર્ય કરતી કોઈપણ સંસ્થા સામે રીટ થઈ શકે છે. જો કોઈ ખાનગી સંસ્થા પણ જાહેર કાર્ય કરે છે અથવા સરકારી અનુદાનથી ચાલે છે, તો તેના સામે પણ રીટ થઈ શકે છે.

રીટનાં મુખ્ય સ્વરૂપ

  • હેબીયસ કોર્પસ

આ રીટનો શાબ્દિક અર્થ 'શરીરને/વ્યક્તિને કોર્ટમાં હાજર કરો' એવો થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈપણ આધાર વગર બંધક બનાવવામાં આવે, અટકાયત કરવામાં આવે કે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે ત્યારે તેના પરિવારજનો સીધા જ કોર્ટ પાસે રીટ કરી શકે છે. જેના પર કોર્ટ તરત જ આદેશ આપે છે કે અટકાવાયેલા વ્યક્તિને કોર્ટ સમક્ષ હાજર કરીને કારણ દર્શાવો કે તેને કયા કાયદા હેઠળ અટકાવવામાં આવ્યો છે. જો કાયદેસર આધાર ન હોય તો કોર્ટ તરત જ તેને મુક્ત કરવાનો આદેશ આપે છે. આ રીટ માનવીની વ્યક્તિગત સ્વતંત્રતાનું સૌથી શક્તિશાળી હથિયાર છે. ગુજરાતમાં અનેક વખત પરિવારજનોએ ગુમ થયેલા સભ્ય માટે હેબીયસ કોર્પસ અરજી કરી છે અને પોલીસે ગુમ થયેલાને શોધીને રજૂ કરવો પડ્યો છે.

  • મેન્ડેમસ

આ શબ્દનો અર્થ 'અમે આદેશ આપીએ છીએ' તેવો થાય છે. જ્યારે કોઈ સરકારી અધિકારી કે જાહેર સંસ્થા પોતાની કાયદેસર ફરજ બજાવતી નથી, ત્યારે કોર્ટ તેને ફરજ બજાવવા મજબૂર શકે છે. જો કે સરકારી હોસ્પિટલ સારવાર કરવાની ના પાડે તો નાગરિક મેન્ડેમસ રીટ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. આવા કિસ્સામાં કોર્ટ જાહેર સત્તાને ફરજ બજાવવાનું કહેશે.

  • પ્રોહિબિશન

આ રીટનો અર્થ 'તને રોકવામાં આવે છે' થાય છે. જ્યારે કોઈ નીચલી કોર્ટ અથવા અર્ધ-ન્યાયિક સંસ્થા પોતાની સીમાથી બહાર જઈને નિર્ણય લેવાની કોશિશ કરે, ત્યારે હાઈ કોર્ટ તેને રોકી શકે છે. જો મ્યુનિસિપલ ટ્રિબ્યુનલ એવી બાબતમાં ચુકાદો આપે જેમાં તેનો અધિકારક્ષેત્ર જ નથી, તો હાઈ કોર્ટ પ્રોહિબિશન રીટ જાહેર કરીને તેને એ પ્રક્રિયા અટકાવવા કહી શકે છે. આ રીટ ન્યાયની સીમા જાળવી રાખવા માટે અગત્યની છે.

  • સર્ટિઓરારી

આ રીટનો અર્થ 'રેકોર્ડ બોલાવી લેવું' થાય છે. જ્યારે કોઈ નીચલી કોર્ટ કે સત્તાવાળું સંગઠન કાનૂન વિરુદ્ધ કે ન્યાયના નિયમોના ભંગ સાથે કોઈ નિર્ણય આપે, ત્યારે હાઈ કોર્ટ એ નિર્ણયને રદ કરી શકે છે. અદાલત એ સંસ્થાનો આખો રેકોર્ડ બોલાવી લેશે અને તપાસશે કે નિર્ણય કાયદેસર હતો કે નહીં. જો કાયદાની ભૂલ જણાશે તો એ નિર્ણય અમાન્ય જાહેર કરવામાં આવશે. જો કોઈ શિસ્ત સમિતિ કોઈ વિદ્યાર્થીને ન્યાય વગર જ કાઢી મૂકે, તો સર્ટિઓરારી રીટથી એ નિર્ણય રદ થઈ શકે છે.

  • ક્વો વોરન્ટો

આ શબ્દનો અર્થ 'કયા અધિકારથી?' થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જાહેર પદ પર બેસે છે અને એ વિશે શંકા હોય કે તેને તે પદ પર બેસવાનો કાયદેસર અધિકાર છે કે નહીં, ત્યારે કોર્ટ ક્વો વોરન્ટો રીટ દ્વારા તેની તપાસ કરે છે. જો તે વ્યક્તિ પદ માટે લાયક ન હોય કે કાયદેસર રીતે નિમણૂક ન થઈ હોય, તો તેને એ પદેથી હટાવી શકાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે કાર્ય કરે છે અને તેની લાયકાત શંકાસ્પદ હોય, તો નાગરિક ક્વો વોરન્ટો રીટ કરી શકે છે અને અદાલત તેના પદાધિકારની કાનૂની રીતે તપાસ કરશે.

વધુ વાંચો : ક્રિકેટર યશ દયાલ પર FIR નોંધાઈ તે POCSO એક્ટ શું છે?, જાણો એક્સપર્ટ પાસેથી

ગુજરાતમાં રીટનો પ્રભાવ

ગુજરાત હાઈ કોર્ટે છેલ્લા વર્ષોમાં રીટ મારફતે અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. પાણીની અછત, રસ્તામાં ખાડા, હોસ્પિટલોની બેદરકારી, શાળાની ફી વિવાદ જેવા આવા મુદ્દાઓમાં રીટ દ્વારા નાગરિકોએ તાત્કાલિક ન્યાય મેળવ્યો છે. કોરોના સમયગાળામાં ઓક્સિજન, વેન્ટીલેટર અને દવાઓ માટે ગુજરાતમાં અસંખ્ય રીટ અરજી થઈ હતી અને હાઈકોર્ટે સરકારને કડક આદેશ આપીને નાગરિકોના જીવ બચાવ્યા હતા. હાલના સમયમાં મચ્છરજન્ય રોગચાળો વધતાં પણ હાઈકોર્ટે તંત્રને દવાનો છંટકાવ કરવા અને સફાઈ સુનિશ્ચિત કરવા ફરજ પાડી હતી.

વધુ વાંચો : લગ્ન પછી પત્ની પાસે પૈસા ન માગતા, થશે 5 વર્ષની સજા, જાણો કાયદો

ન્યાય વ્યવસ્થાની ભૂમિકા

રીટ જ્યુરિસડિકશન એ ન્યાય વ્યવસ્થાનું જીવંત સાધન છે. તે નાગરિકને કહે છે કે તું એકલો નથી ન્યાયતંત્ર તમારી પડખે ઉંભુ છે. ગુજરાત હાઈ કોર્ટે વારંવાર કહ્યું છે કે તંત્રનો મુખ્ય હેતુ નાગરિકની સેવા છે, કોઈ દાન નથી. રીટ દ્વારા નાગરિકને મળતો ન્યાય તંત્રને સતત જવાબદારી માટે મજબૂર રાખે છે. રીટ જ્યુરિસડિકશન એ માત્ર કાનૂની વ્યવસ્થા નથી, પરંતુ નાગરિક માટે આશાની કિરણ છે. જ્યારે અધિકારનો ભંગ થાય, તંત્ર મૌન બને, અને સામાન્ય કોર્ટની યાત્રા લાંબી લાગે ત્યારે રીટ એ ન્યાયનો સીધો દરવાજો બની જાય છે. નાગરિકે જાણવું જોઈએ કે આ તેનો હક્ક છે અને તેને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવાની હિંમત રાખવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Writ Jurisdiction Know Your Rights Indian Law

Published by

Dhwani Lakhani

Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ