બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણી કરતાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામનો વધુ ઇંતેજાર!
Last Updated: 03:30 PM, 21 May 2024
ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે, અને દેશભરમાં 5 તબક્કાનું મતદાન પુરુ થઈ ચૂક્યુ છે. લોકસભાની ચૂંટણી હવે સમાપ્તિને આરે છે. 4 મેના રોજ ઈવીએમ ખુલશે, મતગણતરી થશે અને આટલી લાંબી ચાલેલી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે. પરંતુ ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીના પરિણામ કરતાં લોકસભાની સાથે યોજાયેલી વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામમાં વધુ રસ છે. કારણ કે આ પરિણામો ગુજરાત સરકારના મંત્રી મંડળના વિસ્તરણનું ભાવી નક્કી કરનાર છે.
ADVERTISEMENT
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકો ખંભાત, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને માણાવદરની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પેટા ચૂંટણીનું પરિણામ પણ 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામની સાથે જ જાહેર થશે. આ પરિણામનો ગુજરાત ભાજપ અને આ ચૂંટણી લડતાં બે ઉમેદવારને ખાસ ઇંતેજાર છે. જેનું કારણ ગુજરાત સરકારનું મંત્રી પદ છે. ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતા અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાને ભાજપે મંત્રી પદનું વચન આપ્યાની ચર્ચા ગુજરાતના રાજકારણમાં અને નિષ્ણાતોમાં છે.. આથી જો આ બંને ઉમેદવારો જીતે તો તેમણે મંત્રી બનવાની ઉતાવળ હોય તે સમજી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે અર્જુન મોઢવાડિયા પોરબંદરથી અને સી. જે. ચાવડા વિજાપુરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા છે.
આથી આ બંને નેતાને લોકસભાના પરિણામ કરતાં વિધાનસભાના પરિણામમાં વધુ રસ હોય તે સમજી શકાય છે. આવી જ રીતે ભાજપના અન્ય ધારાસભ્યો અને કાર્યકરોને પણ આ પરિણામનો વધુ ઇંતેજાર એટલા માટે છે કે મોઢવાડિયા અને ચાવડાને જો મંત્રી બનાવે તો મંત્રી મંડળનું વિસ્તરણ કરવું પડે અથવા તો હાલના કોઈ મંત્રીને પડતા મૂકવા પડે. અને જો વિસ્તરણ થાય તો અન્ય ધારાસભ્યોને પણ મંત્રી પદની લોટરી લાગી શકે છે. આથી ધારાસભ્યો અને તેમના સમર્થકો ચૂંટણીના પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, કે ક્યારે પરિણામ આવે અને ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય.
ADVERTISEMENT
વધુ વાંચો: કથાકાર રાજુબાપુના નિવેદનથી ઠાકોર અને કોળી સમાજ અકળાયો, પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરાતા અટકાયત
એક ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં 2022માં જ્યારે ચૂંટણી થઈ તેના પછી ખૂબ જ મર્યાદિત સંખ્યાનું મંત્રીમંડળ રાખવામાં આવ્યું છે. અને પછી ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા હતી. જો કે હજી સુધી તો મંત્રીમંડળમાં ખાસ ફેરફાર થયા નથી.. ત્યારે જોવાનું એ રહ્યું કે 2022માં મંત્રી પદની ગાડી ચૂકી ગયેલા કયા ધારાસભ્યો આ વખતે નસીબદાર પૂરવાર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.