બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / અન્ય જિલ્લા / પ્રવાસ / Hidden places of kutch to visit, Khari nadi, lakhpat killo, kadiyadhro, ekal mata
Vaidehi
Last Updated: 04:56 PM, 3 January 2024
ADVERTISEMENT
VTV વિશેષ: આજકાલ આપણી આસપાસ જેને જોઈએ તે બધા જ મનાલી, શિમલા ફરે છે, અથવા તો રણોત્સવમાં ફરે છે. જ્યાં જુઓ ત્યાં ફેસબુક, ઈન્સ્ટા પર માત્ર સફેદ રણના કે સફેદ બરફના જ ફોટોઝ જોવા મળે છે. હોય પણ કેમ નહીં, ડિસેમ્બરથી ફેબ્રુઆરીના ચાર મહિના કચ્છ ફરવા માટે સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે ત્યારે જ અહીં સ્વર્ગ ધરતી પર ઉતરી આવે છે. હા, એટલે અહીં સફેદ રણ બને છે. પણ આજે આપણે કચ્છની કેટલીક એવી જગ્યાઓનો પરિચય લેશું કે જે ખુબ જાણીતિ નથી પણ અત્યંત રમણીય છે.
એકલમાતા મંદિર, નજીક રણમાં મહાલો એકલા એકલા
ADVERTISEMENT
"કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" બચ્ચનસાબે બોલેલું આ વાક્ય તમે ત્યારે બોલશો, જ્યારે તમે એકલમાતા મંદિર પાસે આવેલા સફેદ રણ જોવા જશો. ધોરડો તો ટેન્ટ સિટીના પ્રવાસીઓ અને ફોટોગ્રાફીના શોખીનોથી ઉભરાય છે, પરંતુ જો તમારે ખરેખર શાંતિથી સફેદ રણમાં મહાલવું છે, શાંતિની મજા લેવી છે, આંખોમાં સફેદ રણને ભરી લેવું છે તો પહોંચી જાવ એકલમાતા મંદિરે. ભચાઉ નજીક આવેલા આ મંદિરમાં ધાર્મિક માન્યતા અનુસાર માતાજીની 2 મૂર્તિઓ છે. એક મૂર્તિ સ્વયંભૂ છે, જ્યારે બીજી મૂર્તિ એક ભક્ત દ્વારા તૈયાર કરવામાં આવી હતી. માન્યતા અનુસાર જે-તે સમયમાં પાંડવો આ વિસ્તારમાં આવ્યાં હતાં અને અહીં વાસ કર્યો હતો. અહીં ખાસ વાત એ છે કે એકલ માતા મંદિરની આસપાસ વિશાળ માટીવાળું રણ છે. રણ હોવાને લીધે ત્યાં ખારું પાણી છે પણ એકલ માતાનાં મંદિર પાસે મીઠું પાણી મળી આવે છે.
લખપતનો કિલ્લો - અહીંથી દેખાય છે પાકિસ્તાન!
એક સમયે દરિયાઈ માર્ગે આવતાં વેપારીઓનાં કારણે ધમધમતું આ લખપત નગર તેની જાહોજલાલી માટે પ્રસિદ્ધ હતું. સિંધ અને ગુજરાત વચ્ચે આ કિલ્લા મારફતે જ વેપાર અને અવરજવર થતી હતી. ઘણાં વર્ષો પહેલાં છેક હિમાલયના પહાડોથી સિંધુ નદી પણ કચ્છનાં આ વિસ્તારમાંથી વહેતી હતી. સ્થાનિકો અનુસાર હજુ પણ આ વિસ્તારમાં સિંધુ નદીનાં આછાં વહેણ જોવા મળે છે. લોકવાયકા મુજબ લાખો-કરોડો ચોખાનાં કોરીના વેપાર લખપતમાં થતાં હતાં, તેથી આ ગામનું નામ લખપત પાડવામાં આવ્યું. જો કે, ભૂકંપ અને અન્ય કુદરતી પ્રકોપનાં કારણે આ નગરની પડતી થઈ ગઈ હતી. લખપતનો કિલ્લો ફતેહ મુહમ્મદ દ્વારા 1801માં પુનઃનિર્માણ અને વિસ્તરણ કરવામાં આવ્યો હતો.
ખારી નદી – સોશિયલ મીડિયા પર જેણે મચાવી ધૂમ
સોશિયલ મીડિયા પર તમે આ નદીના કોતરોની રીલ્સ જોઈ હશે. પરંતુ રિયલમાં હજી પણ ખૂબ ઓછા લોકો અહીં આવે છે. ભૂજથી 3 કિમીનાં અંતરે આવેલી આ નદીનો અનેરો મહિમા છે. નદી અને તેની આસપાસનાં આવેલ આ સ્થળને કચ્છનું 'સ્મોલ ગ્રાંડ કેનયોન' તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળની ખાસિયત એ છે કે અહીં નદીઓના વહેણનાં કારણે તેની આસપાસ રહેલાં પથ્થરો પર કુદરતી રીતે કારવિંગ એટલે કે કોતરણી થાય છે. પથ્થરોની વચ્ચેથી નદી વહે છે. પરિણામે આ સ્થળ કુદરતી દ્રષ્ટિએ અત્યંત રમણીય દેખાય છે. આ સિવાય ખારી નદીનાં કિનારે સ્મશાન અને ભૂતનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. જેના કારણે નદીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પોતાની સુંદરતાને લીધે પ્રવાસીઓ માટે ખારી નદી આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. ઘણાં લોકો ત્યાં પ્રિ-વેડિંગ શૂટ કરાવવા પણ જતાં હોય છે.
કડિયાધ્રો – જેને ન્યૂયોર્ક ટાઈમ્સે પણ વખાણ્યું.
કડિયાધ્રો શબ્દ બે જુદા-જુદા શબ્દો "કડિયા" એટલે કે કારીગર અને "ધ્રો" ( કચ્છી શબ્દ) એટલે કે જે નદીમાં આવેલ નાના તળાવ. ન્યૂયોર્ક ટાઈમ્સનાં એક એડિશનમાં કડિયાધ્રોને બેસ્ટ 52 પ્લેસિસ ટૂ વિઝિટમાં સ્થાન મળ્યું હતું. કચ્છનાં ભૂજથી આશરે 35 કિમી દૂર આવેલ કડિયાધ્રોનાં છેડા ઈતિહાસ સાથે સંકળાયેલા છે. મહેશ્વરી સમાજની ધાર્મિક માન્યતા અનુસાર મામાઇ દેવે વર્ષો પેહલા આ વિસ્તારનાં તળાવમાં પોતાનાં એક કળાનું વિસર્જન કર્યું હતું. જેના લીધે અહીં આવેલા તળાવને પવિત્ર માનવામાં આવે છે. અને તેથી જ લોકોએ ગામનું નામ કળિયાધ્રો પાડ્યું હતું. જે પ્રવાસીઓ કંઈક નવું જોવા અને જાણવા ઈચ્છતા હોય છે તે ચોક્કસથી આ સ્થળની મુલાકાત લેતા હોય છે.
સિયોતની ગુફાઓ એટલે કે બૌદ્ધની ગુફાઓ
સિયોતની ગુફાઓને કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ગુપ્ત ગુફાઓ કચ્છ જિલ્લાના સિયોત ગામમાં આવેલી છે. પાંચ ખડકોની આ ગુફાઓ ઈ.સ.ની પ્રથમ સદીથી પણ જૂની હોવાનું માનવામાં આવે છે. મુખ્ય ગુફામાં પૂર્વમુખી ગર્ભગૃહ, એમ્બ્યુલેટરી અને અવકાશ વિભાગો છે, જે પહેલી સદીના શિવ મંદિરનું સૂચન કરે છે. અહીં મળેલી સીલ અને બ્રાહ્મી શિલાલેખોના આધારે જાણી શકાય છે કે આ ગુફાનો ઉપયોગ પાછળથી બૌદ્ધો દ્વારા કરવામાં આવ્યો હશે. સ્થાનિક લોકોની માન્યતા અનુસાર ભૂતકાળમાં લોકો પાસેથી લૂંટાયેલી વસ્તુઓ છુપાવવા માટે આ ગુફાઓનો ઉપયોગ લૂંટેરાઓ દ્વારા કરવામાં આવતો હતો. 1988-89ના ખોદકામમાં વિવિધ મુદ્રાઓમાં બુદ્ધની મૂર્તિઓ સાથે કોતરેલી માટીની સીલ અને અંતમાં બ્રાહ્મી અને દેવનાગરી શિલાલેખો સાથે કોતરેલી સીલ મળી આવી હતી. આ સિવાય તાંબાની વીંટી, સિક્કા, ઘંટડી અને સાંકળવાળી ટેરાકોટા નંદી, સુરાહી જેવા વિવિધ પ્રકારના માટીના વાસણો પણ મળી આવ્યાં હતા. 2001ના ગુજરાત ભૂકંપ પછી આ સ્થળનું સમારકામ કરવામાં આવ્યું હતું.
વ્રજવાણી
નેશનલ એવોર્ડ વિનીંગ મૂવી હેલારોની કહાણી વ્રજવાણી સાથે સંકળાયેલી છે. ઈતિહાસ અને લોકવાયકાઓ અનુસાર ઘણાં વર્ષો પહેલાં અહીં આહીરની વસ્તી ઘણી વધારે હતી. તે સમયે એક ઢોલી ગામમાં આવ્યો હતો. ઢોલનાં તાલે આશરે 140 જેટલી મહિલાઓએ પહેલીવખત ગરબા/રાસ રમ્યાં હતાં. સતત 3 દિવસ સુધી નોનસ્ટોપ મહિલાઓએ આ ગરબા રમ્યાં. લોકવાયકા અનુસાર ત્રીજા દિવસે આશ્ચર્યમાં ડુબેલા ગામનાં લોકોએ એ ઢોલીને મારી નાખ્યો. માન્યતા અનુસાર ઢોલીનાં મૃત્યુની સાથે 140 મહિલાઓ પણ ત્યાં જ ઢળી પડી અને પ્રાણ ત્યાગી દીધાં. લોકો માને છે કે આ જે ઢોલી હતો તે શ્રીકૃષ્ણનું સ્વરૂપ હતો. બસ આ જ કથાનો મહિમા જાણીને ગામનાં લોકોએ વ્રજવાણી ધામ ઊભું કર્યું છે જ્યાં ઢોલીની મૂર્તિ અને તેની ફરતે 140 આહીર સતી થયેલી મહિલાઓનાં પાળિયા બનાવવામાં આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.