બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / સુરતના સમાચાર / 100 કારીગરોની 3000 કલાકની મહેનત, 40 લાખની કિંમત અને રાધાજીની હાજરી સાથે સુરતી છોકરીએ ખેંચ્યું આખા વિશ્વનું ધ્યાન
Last Updated: 03:08 PM, 30 May 2025
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ વિશે તો તમે સાંભળ્યું જ હશે. બોલીવૂડથી લઈને હોલીવુડની એક્ટ્રેસિસે જાતભાતના ડ્રેસ પહેરીને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેમ્પ વૉક કર્યું. દરેકના ડ્રેસ વિશે વાતો થઈ. પરંતુ આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલીવુડની એક્ટ્રેસિસ અને ફેશન ડિઝાઈનર્સ એક ગુજરાતી છોકરીને જોઈને મોઢામાં આંગળા નાખી ગયા. રેડ કાર્પેટ પર જ્યારે આખા વિશ્વની ખ્યાતનામ હસ્તીઓ ચાલતી હતી, ચારેય બાજુથી વિશ્વભરના ફોટોગ્રાફર્સ ફ્લેશ ચમકાવતા હતા, હજારો મીડિયા હાઉસના પત્રકારો હાજર હતા, ત્યારે અચાનક આપણા સુરતની આ યુવતીએ રેડ કાર્પેટ પર પહેલું ડગલું મૂક્યુ અને હજ્જારો આંખો સ્થિર થઈ ગઈ. જાણે સમય થંભી ગયો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ યુવતી એકદમ નજાકતથી, મલપતી ચાલે ક્રીમ રંગના ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં કપાળે બિંદી, કાનમાં સુંદર મજાની ઈયરિંગ્સ, ગળામાં મોતી જડેલા હાર, બ્લાઉઝમાં પણ રંગેરંગી સાચા મોતીથી સજેલા આઉટફિટ અને ચહેરા પર મનમોહિત કરતા સ્મિત અને આત્મવિશ્વાસ સાથે પહોંચી, ત્યારે આખા વિશ્વની આંખો ચાર થઈ ગઈ. ભલભલી હિટ ફિલ્મો આપનાર હોલીવુડની એક્ટ્રેસે પણ તેમના પર આંખો જમાવી દીધી. આ યુવતી હતી ગુજરાતના, આપણા સુરતની ટીના રંકા. મૂળ તો રાજસ્થાનના સિરોહી પરંતુ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં પરિવાર સાથે રહેતી ટીના રંકાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરીને આખા વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરી દીધું.

ADVERTISEMENT
78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ટીનાએ જે ડ્રેસ પહેર્યો તેની ખાસિયતો જાણીને તમે પણ બોલી ઉઠશો, ભઈ વાહ! ટીના રંકા પોતે ફેશન ડિઝાઈનર છે. બાળપણથી જ વિક્સેલા ફેશનના શોખને તેમણએ વ્યવસાય બનાવ્યો અને પોતાના નામથી જ ફેશન લેબલ શરૂ કર્યું. પરિવારના સહયોગ અને બાળકોના ઉછેરની સાથે સાથે ટીનાએ પોતાની ફેશન ડિઝાઈનિંગની એવી સફર શરૂ કરી કે આજે કાન્સ જ નહીં આખા વિશ્વમાં તેમના ડિઝાઈન કરેલા આઉટફિટ્સ વખણાય છે. તેમની શરૂઆત તો પરિવારના સભ્યોના કપડા ડિઝાઈન કરવાથી થઈ હતી, પરંતુ 2017માં તેમણે પ્રોફેશનલી કરવાનું વિચાર્યું.
ADVERTISEMENT

ટીનાની સફર 2017માં અમદાવાદમાં આયોજિત એક ખાદી ફેશન શોમાં ભાગ લઈને શરૂ થઈ હતી. આ શોમાં તો તેમનો એક જ ડ્રેસ હતો, પરંતુ આગળની લાંબી સફર માટે આ પહેલું પગલું અગત્યનું હતું. આ પછી ટીનાને મોટો બ્રેક દુબઈ ફેશન વીકમાં મળ્યો. ત્યારથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. એક પછી એક ફેશન શોમાં ભાગ લીધો, પોતાની બ્રાન્ડ મજબૂત કરી અને કાન્સના કાર્યક્રમ સુધી પહોંચ્યા.
ADVERTISEMENT

ADVERTISEMENT
રેડ કાર્પેટ પર ટીના રંકા જે ડ્રેસ પહેરીને ચાલ્યા, તેમાં 50 હજારથી વધુ સાચા મોતી હતા, જે હાથેથી ટાંકવામાં આવ્યા હતા. આ ડ્રેસ તૈયાર કરવામાં 100 જેટલા કારીગરો લાગ્યા હતા, જેમને 3000 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. રાજાશાહી દેખાવથી ઓપતા ટીનાના આ ડ્રેસની કિંમત 40 લાખ રૂપિયા જેટલી થાય છે. એટલું જ નહીં, ડ્રેસ સાથે હાથથી બનાવેલા ઘરેણાં અને ભરતકામવાળા ફૂટવેર પણ ખાસ તૈયાર કરાયા હતા. ઘરેણાં બનાવવા માટે 120 કલાકથી વધુ મહેનત લાગી, જ્યારે ફૂટવેર તૈયાર કરવા માટે 150 કલાક ખર્ચ થયા. ટીનાએ રેડ કાર્પેટ સિવાય પણ બીજા બે ડ્રેસ પહેરીને કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, જેમાંથી એક ડ્રેસ ખાદીના દોરાથી બનેલો છે અને બીજો સ્ટીલથી બનેલો છે, જે 7 કિલોગ્રામ વજનનો છે.

ટીનાએ જણાવ્યું કે,"દરેક ફેશન ડિઝાઇનર વૈશ્વિક પ્લેટફોર્મ પર પહોંચવાનું સપનું જોવે છે. મેં ખૂબ જ નાની જગ્યા પરથી શરૂઆત કરી હતી, પરંતુ અનુભવ સાથે આત્મવિશ્વાસ આવ્યો, જે આખરે મને કાન્સ સુધી લઈ ગયો." કાન્સનો અનુભવ ટીનાના જીવનમાં એક ઐતિહાસિક ક્ષણ રહી. એ માત્ર સફળતા નહીં, પરંતુ એવી સિદ્ધિ હતી જે દરેક સામાન્ય મહિલાને પ્રેરણા આપે છે કે સપનાઓ જોવું અને તેને સાકાર કરવું શક્ય છે.
કાન્સમાં સુરતી યુવતીની બોલબાલા pic.twitter.com/9IgxBGR3yb
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) May 30, 2025
ટીનાના કહેવા પ્રમાણે,'ફેશન ડિઝાઈનમાં હું હંમેશા કોઈને કોઈ વિચારો વ્યક્ત કરું છું. સુંદરતા ત્યારે જ નીખરે જ્યારે પહેરનારમાં આત્મવિશ્વાસ હોય, કમ્ફર્ટ હોય, તે કામ સરળતાથી કરી શક્તા હોય.' ટીના પોતાની ફેશનને સાંસ્કૃતિક વારસો, ઉત્સાહ અને અભિવ્યક્તિનું સાધન માને છે. એટલે જ કાન્સના રેડ કાર્પેટ પર તેમણે પહેરા ડ્રેસમાં રાધાજી પણ હતા. ટીના શ્રેષ્ઠ મટિરિયલ, જીણવટભરી ડિટેઈલિંગ અને સચોટ કલ્પનાના આધારે ડ્રેસ બનાવે છે.
ટીનાના કાર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા મળી છે અને તેમને ફેશન જગતમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. ફેશન પ્લેટફોર્મ ટોપરઝોન દ્વારા તેમને ભારતના ટોચના 10 ફેશન ડિઝાઇનરોમાં સ્થાન અપાયું છે. તેમના અભિન્ન સર્જનાત્મકતા અને સામાજિક પ્રતિબદ્ધતા દ્વારા અનેક એવોર્ડ્સ અને માન્યતાઓ હાંસલ કરી છે. તેમને "ભારતની સૌથી આશાસ્પદ ડિઝાઇનર" અને "મહિલાઓ માટે સૌથી સર્જનાત્મક ડિઝાઇનર" જેવા માનપત્રો આપવામાં આવ્યા છે. Universal India Award 2021, Iconic Gold Award 2021, National Excellence Award for Fashion for Social Cause, અને Shubh Wedding Award જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે, જે ફેશન ઉદ્યોગમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને વધુ ઉજાગર કરે છે.

તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ટિકિટ સામાન્ય જનતા માટે એક દુર્લભ સપનું બની ગઈ છે. આ ફેસ્ટિવલ ખાસ કરીને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને માટે અનામત હોય છે. તેમાં દિગ્દર્શકો, નિર્માતાઓ, અભિનેતાઓ, ટેકનિશિયન, વિતરકો અને પત્રકારોને માન્યતા મળે છે. 2025 માટેની પ્રવેશની પ્રક્રિયા 3 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 15 એપ્રિલે બંધ થઈ હતી. પ્રવેશ માટે ટિકિટ ખરીદવી પડે છે, જે ખૂબ મોંઘી હોય છે. ટિકિટની સરેરાશ કિંમત ₹5 લાખથી ₹25 લાખ સુધી હોય છે, જે દરેક માટે સહેલી નથી. ટિકિટનું વેચાણ દરેક ફિલ્મના સ્ક્રીનિંગના ચાર દિવસ પહેલા શરૂ થાય છે અને તે ઑનલાઇન ખરીદવામાં આવે છે. આ ટિકિટો ડિજિટલ કે ફિઝિકલ રૂપમાં હોવી જરૂરી છે અને કાર્યક્રમ દરમિયાન રજૂ કરવી જરૂરી હોય છે. ટીનાએ પોતાની મજબૂત અને ભવ્ય પ્રોફાઇલના આધારે કાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.