બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / પસવાદળમાં બિરાજમાન વિરપાનાથ દાદા, ગાયો માટે વ્હોરી શહાદત, મંદિરનો છે પૌરાણિક ઈતિહાસ
Dinesh Chaudhary
Last Updated: 06:00 AM, 19 June 2025
બનાસકાંઠાના વડગામ તાલુકામાં પસવાદળ ગામે હજારો વર્ષ પુરાણું વિરપાનાથ દાદાનું મંદિર આવેલું છે. જ્યાં ગામના લોકો ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને દૂર દૂરથી હજારો ભક્તો દર્શન કરવા આવે છે. દંત કથા મુજબ વર્ષો પહેલા લગ્ન મંડપમાંથી લગ્ન છોડી ગાયોની વહારે આવેલા એક ક્ષત્રિય પુરુષે ગાયો ચોરી જતા ચોરો સામે લડીને ગાયોના ધણને બચાવી શહીદી વ્હોરી હતી. ત્યારથી વિરપાનાથ દાદા તરીકે ઓળખાય છે. અને ગ્રામજનો વિરપાનાથની પૂજા અર્ચના કરે છે.
ADVERTISEMENT
પસવાદળ ગામે બિરાજમાન વિરપાનાથ દાદા
ADVERTISEMENT
ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એટલે પસવાદળ ગામે આવેલું વિરપાનાથ દાદાનું ચમત્કારી મંદિર. વિશાળ જગ્યામાં મંદિર સાથે ધર્મશાળા સહિત રહેવા અને જમવા માટેની પણ વ્યવસ્થા છે. લોકવાયકા મુજબ હજારો વર્ષો પહેલા એક ક્ષત્રિય પુરુષ પોતાના લગ્ન મંડપમાં બેઠા હતા અને તે વખતે તેમને જાણ થઈ કે ગાયોના ધણને કોઈ ચોરીને જઈ રહ્યુ છે, ત્યારે લગ્ન વિધિ અધુરી છોડીને તે ક્ષત્રિય પુરુષ ગાયોના ધણ બચાવવા માટે ગાયોની વહારે ગયા અને ચોરો સામે યુદ્ધ કરી ગાયોને બચાવી હતી અને તેમણે શહીદી વહોરી હતી. એવું પણ કહેવાય છે કે ગાયોના ધણને બચાવીને વિરપાનાથ એરંડાના છોડ નીચે બેઠા હતા, તે વખતે ચોરોએ તેમના પર પાછળથી હુમલો કર્યો હતો અને તેઓ શહીદ થયા હતા, ત્યારથી આ ગામના ગ્રામવાસીઓ એરંડાના તેલનો ઉપયોગ કરતા નથી. વર્ષો પહેલા મંદિર નાનુ હતું. અને લોકો પણ ખૂબ આસ્થા ધરાવતા હતા. ધીરે ધીરે દાદાના આશીર્વાદથી પસવાદળ ગામે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આજે લાખો ભક્તો દાદાના મંદિરે આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT
દાદાના આશીર્વાદથી પારણા બંધાયા છે
પસવાદળ ગામે આવેલું વિરપાનાથ દાદાનું મંદિર પૌરાણિક છે. દાદા પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા ધરાવે છે. આજુબાજુના ગામડાઓ અને શહેરોમાંથી ભાવિકો વિરપાનાથ દાદાના દર્શન કરવા આવે છે. ઘણા શ્રદ્ધાળુઓના ઘરે દાદાના આશીર્વાદથી પારણા બંધાયા છે. દાદાનાં મંદિરે નાયક સમાજ દ્વારા દર વર્ષે 30 થી 35 જાતરો કરવામાં આવે છે. પસવાદળમાં દાદાની પ્રતિષ્ઠા થઈ ત્યારથી ગામની ઉન્નતિ થઈ હોવાની ગ્રામજનોની માન્યતા છે. વિરપાનાથ દાદાના પૌરાણિક મંદિરની 1987 માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરે નવરાત્રીનું ખૂબ મહત્વ છે. વર્ષ દરમ્યાન ગ્રામજનોમાં જેમના ઘરે દીકરો કે દીકરીના લગ્ન થાય અને જેમના ઘેર પુત્ર જન્મ થાય તે પરિવાર, નવરાત્રીમાં નાકોડા ઉપવાસ કરે છે. અને આઠમનો હવન થાય ત્યારે તેમને દૂધ દહીં ખાવાની છૂટ આપવામાં આવે છે. બાદમાં નવમા નોરતા પૂર્ણ થાય ત્યારે તેમના ઉપવાસ ખુલે છે. આમ ગ્રામજનોનો દાદા પર અતૂટ વિશ્વાસ છે.
ADVERTISEMENT
આઠમ અને નોમ મંદિરે નવચંડીનો યજ્ઞ કરવામાં આવે છે
ADVERTISEMENT
દાદાનું મંદિર મહત્વનું ધામ છે. ગામવાસીઓ દાદાને ખુબ શ્રદ્ધાથી માને છે. આઠમ અને નોમ મંદિરે નવચંડીનો યજ્ઞ કરવામાં આવે છે. અનેક ભાવિકો માનતાઓ માને છે. પસવાદળ ગામનાં અને આજુબાજુનાં ગામડાઓનાં લોકોને દાદા પર અપાર શ્રદ્ધા છે. ગ્રામવાસી નવું વાહન લાવે ત્યારે પહેલા દાદાના મંદિરે શ્રીફળ અને સુખડીનો પ્રસાદ અવશ્ય કરે છે. પસવાદળ ગામમાં રહેતા મુસ્લિમ સમાજનાં લોકો પણ વિરપાનાથ દાદાનાં મંદિરે ઉજવાતા દરેક પ્રસંગમાં સામેલ થાય છે. વિરપાનાથ દાદાનાં મંદિરે યાત્રિકો બહુ દૂરદૂરથી આવે છે. મંદિરનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. નવરાત્રીની આઠમે દાદાની શોભાયાત્રા નીકળે છે. શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાય છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે. નવરાત્રીની નોમના દિવસે મંદિરે 500 થી 700 ધજાઓ અને નેજાઓ ચઢાવાય છે. દાદાનાં દર્શન કરવા અને માનતાઓ પૂર્ણ કરવા માટે અનેક ભાવિકો પગપાળા મંદિરે આવે છે. અને દાદા તમામ ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતનું એવું મંદિર જ્યાં 1964થી ચાલે છે અખંડ રામધૂન, ભક્તોની રગે રગેમાં હનુમાનજીનો જાપ
દાદાનું મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ ઉભરી રહ્યુ છે
પસવાદળ ગામની વચ્ચે આવેલા વિરપાનાથ દાદાનું મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ ઉભરી રહ્યુ છે. અનેક ભક્તો મુસાફરી કરી દર્શન માટે આવે છે. મુસાફરો માટે મંદિરમાં સુંદર ધર્મશાળા બનાવવામાં આવેલી છે. જ્યાં અન્નક્ષેત્ર સદાય ચાલુ રહે છે. અન્નક્ષેત્રમાં લોકો ભોજન પ્રસાદનો લાભ લઇ દાદાના સાનિધ્યમાં શાંતિનો અનુભવ કરી ધન્ય થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.