બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઈસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય પટેલ બરાબર ભરાયો, સાક્ષીની જુબાનીએ વધારી મુશ્કેલી
Last Updated: 11:19 AM, 24 February 2026
Iskcon Bridge Accident: ગયા વર્ષે અમદાવાદના એસ. જી હાઇવેના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે કાર્યવાહી ચાલી રહી છે અને આ કેસમાં તથ્યની મુશ્કેલી ઓછી થવાને બદલે વધતી નજર આવી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 10 થી વધુ સાક્ષીઓની જુબાની કોર્ટ દ્વારા લેવામાં આવી ચૂકી છે ત્યારે વધુ એક જુબાની તથ્ય પટેલને મોંઘી પડી શકે છે.
ADVERTISEMENT
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર ગયા વર્ષે બનેલી કાળજું કંપાવનારી અકસ્માતની ઘટનાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે. આ કેસમાં આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં કોર્ટ સમક્ષ વધુ એક સાક્ષીએ પોતાની જુબાની આપી હતી અને આરોપી તથ્ય પટેલને ઓળખી બતાવ્યો હતો. અત્યાર સુધીમાં 10થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે અને તમામ સાક્ષીઓએ કોર્ટમાં તથ્ય પટેલને ઓળખી બતાવ્યો હોવાનું સામે આવ્યું છે. કોર્ટમાં સાક્ષીઓની જુબાની દરમિયાન નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેને કારણે કેસ વધુ ગંભીર બનતો જાય છે.
ADVERTISEMENT
સોમવારે કોર્ટમાં ઘટનાના પ્રત્યક્ષદર્શી ધાર્મિક મનુભાઈ ઠાકોરની જુબાની લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટના રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ બની હતી. તેઓ પોતાના મિત્રો ભાવેશ ઠાકોર અને સુરજ મીણા સાથે એક્સેસ ટુ-વ્હીલર પર ગોતા વિસ્તારમાંથી વૈષ્ણોદેવી સર્કલ તરફ નાસ્તો કરવા ગયા હતા. પરત ફરતી વખતે ઇસ્કોન બ્રિજ પર ભીડ જોઈ હતી. ત્યાં અગાઉ એક થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. માનવતાના નાતે ઘણા લોકો ત્યાં મદદ માટે ઊભા રહ્યા હતા. સાક્ષી મુજબ તેઓ પણ લગભગ પાંચ મિનિટ સુધી ટ્રાફિક વ્યવસ્થિત કરવામાં મદદ કરી રહ્યા હતા. બ્રિજ પર સ્ટ્રીટ લાઈટો ચાલુ હતી અને થાર ગાડીની પાર્કિંગ લાઈટો પણ ચાલુ હોવાથી આસપાસ બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
ADVERTISEMENT
સાક્ષીએ વધુમાં જણાવ્યું કે જ્યારે લોકો અકસ્માતને લઈને ઊભા હતા ત્યારે સરખેજ બાજુથી એક જેગુઆર કાર પૂરઝડપે આવી રહી હતી. આ કાર તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. સાક્ષી અનુસાર કાર કોઈ બ્રેક માર્યા વગર સીધી જ લોકો પર ચડી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અનેક લોકો હવામાં ફંગોળાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 9 લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાને સાક્ષીએ બેદરકારીની પરાકાષ્ઠા ગણાવી હતી. કોર્ટમાં તેણે સ્પષ્ટપણે તથ્ય પટેલને ઓળખી બતાવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ અકસ્માતમાં તથ્ય પટેલની કારમાં તેની સાથે અન્ય પાંચ મિત્રો બે છોકરા અને ત્રણ છોકરીઓ પણ હાજર હતા. ટક્કર બાદ તથ્ય પટેલને માથા અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. તેને અને તેના મિત્ર ભાવેશને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી લેવામાં આવેલી તમામ સાક્ષીઓની જુબાનીમાં તથ્ય પટેલની ઓળખ કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. કોર્ટ કાર્યવાહી આગળ વધતા કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.