બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "હા, મેં જ મારા પ્રિન્સને માર્યો છે..." વિસનગરમાં જનેતા જ બની જલ્લાદ; કાળજું કંપાવી દેતી ઘટના
Last Updated: 12:46 PM, 22 June 2026
Visnagar Murder Case : "માં તે માં, બીજા બધા વગડાના વા" આ પંક્તિ તો તમે બધાએ સાંભળી જ હશે. જોકે મહેસાણા જિલ્લાના વિસનગરથી સામે આવેલી એક હચમચાવી નાખતી ઘટનાએ સમગ્ર સમાજને વિચારતા કરી દીધો છે. માતા અને સંતાનના પવિત્ર સંબંધ પર આધારિત વિશ્વાસને ઝંઝોળી નાખનારી આ ઘટના માત્ર એક ગુનાની કથા નથી, પરંતુ લાંબા સમયથી ચાલતા આર્થિક તણાવ, માનસિક દબાણ અને પારિવારિક કલેશના વિનાશક પરિણામોની કરુણ યાદ અપાવે છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું છે સમગ્ર ઘટના ?
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલ 'મા રેસીડેન્સી'માં 14 જૂનના રોજ ઘરના બેડરૂમમાંથી 25 વર્ષના પ્રિન્સ હર્ષદકુમાર પટેલનો મૃતદેહ મળી આવ્યા બાદ પરિવાર અને પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ તરફ ઘટનાસ્થળની પરિસ્થિતિને આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પરિવારજનો અને આસપાસના લોકો પણ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં યુવાન દીકરાના નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ADVERTISEMENT
તબીબી તપાસમાં થયો એવો ખુલાસો કે...
આ તરફ તપાસ આગળ વધતાં અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતાં સમગ્ર કેસે અચાનક જ નવો વળાંક લીધો. તબીબી તપાસમાં ખુલાસો થયો કે, મૃત્યુનું કારણ ફાંસો નહીં, પરંતુ ગળું દબાવવાથી થયેલી ગૂંગળામણ હતી. આ મહત્વપૂર્ણ માહિતી મળતાં પોલીસે ઘટનાને હત્યાના દૃષ્ટિકોણથી તપાસવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
માતાએ જ પોતાના વ્હાલસોયા પુત્રને પતાવી દીધો
આ તરફ તપાસ દરમિયાન પરિવારના સભ્યોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં કોઈને પણ શંકા ન જાય તેવી સ્થિતિ હતી, પરંતુ પોલીસની સતત તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સામે આવતા આખરે એક ચોંકાવનારી હકીકત બહાર આવી. મૃતકની માતા પ્રવિણાબેન પટેલ પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા અને પોતાના જ પુત્રની હત્યા કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું.
ADVERTISEMENT
જાણો કઇ રીતે હત્યાને આપ્યો અંજામ ?
પ્રાથમિક માહિતી મુજબ, પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. ધંધામાં થયેલા નુકસાન અને તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓએ ઘરમાં સતત કલેશનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ જ દબાણ વચ્ચે બનેલી આ ઘટના આજે એક આખા પરિવારને વિખેરી નાખનારી સાબિત થઈ છે.
ADVERTISEMENT
નાનો દીકરો મોતને ભેટ્યો બીજો પુત્ર કેનેડામાં અને માતા જેલમાં
આ કેસની કરુણતા એ પણ છે કે, એક તરફ પરિવારનો નાનો દીકરો દુનિયાને અલવિદા કહી ગયો, તો બીજી તરફ માતા હવે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘરમાં પિતા હર્ષદભાઈ હાજર હતા, જ્યારે મોટો દીકરો જૈમિન કેનેડા રહે છે. આ આર્થિક તણાવ અને માનસિક ક્લેશે એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો છે. પરિવારના અન્ય સભ્યો માટે પણ આ ઘટના જીવનભરનો આઘાત બની ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : GSRTC દ્વારા મુસાફરીની યોજના વધુ સરળ, હવે લોકલ બસોમાં પણ ટિકિટ બુક થઈ શકશે
હેડક્વાર્ટર DySP જે જી શેખે શું કહ્યું ?
સમગ્ર મામલે હેડક્વાર્ટર DySP જે જી શેખે કહ્યું કે, તપાસ દરમિયાન મૃતક ની માતા પ્રવિણાબેન ની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને પોતાના જ પુત્ર પ્રિન્સ પટેલ ની સાડીના દુપટ્ટા વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાની કબુલાત પોલીસ સામે કરી હતી ગુનાની કબુલાત બાદ પોલીસે તરત જ પ્રવિણાબેન ની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલી આરોપી મહિલા પ્રવિણાબેનને રવિવારના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન પોલીસ પક્ષ તરફથી આરોપીના કોઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી આથી કોર્ટ આરોપી મહિલાને સબ જેલમાં મોકલી આપવાનો ન્યાયિક હુકમ કર્યો હતો જેના પગલે વિસનગર પોલીસે મહિલાને સબ જેલ હવાલે મોકલી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.