બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ચાર પરિવાર પર આભ ફાટ્યું, દીકરાએ મોત વહાલું કર્યું

ગુજરાત / અમદાવાદના ચાર પરિવાર પર આભ ફાટ્યું, દીકરાએ મોત વહાલું કર્યું

Nidhi Panchal

Last Updated: 12:57 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટૂંકા સમયગાળામાં બનેલી ચાર આપઘાતની ઘટનાઓએ સમગ્ર સમાજને વિચારતા કરી દીધો છે. યુવાનોમાં વધતા તણાવ, એકલતા અને નિરાશા સામે પરિવાર અને સમાજની ભૂમિકા કેટલી મહત્વની છે તે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.

ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે આખું કુટુંબ ખુશીથી ઝૂમી ઊઠે છે. માતા નવ મહિના સુધી દરેક પીડા સહન કરે છે. પિતા પોતાની દરેક ઈચ્છા અધૂરી રાખીને સંતાનનાં સપનાં પૂરાં કરવા દિવસ-રાત મહેનત કરે છે. બાળકને સારું ભણાવવું, મોટો માણસ બનાવવો અને એક દિવસ એ જ સંતાન પોતાની વૃદ્ધાવસ્થાનો સહારો બનશે એવાં હજારો સપનાં માતા-પિતાની આંખોમાં જીવતાં હોય છે.

suicide-attempt

આપઘાત જેવું પગલું ભરી બેસે ત્યારે માત્ર એક જીવ જતો નથી

પરંતુ જ્યારે એ જ સંતાન નાની કે મોટી મુશ્કેલી સામે હારી જાય અને આપઘાત જેવું પગલું ભરી બેસે ત્યારે માત્ર એક જીવ જતો નથી. માતાની મમતા મરી જાય છે, પિતાની હિંમત તૂટી જાય છે અને આખું ઘર વર્ષો સુધી શોકમાંથી બહાર આવી શકતું નથી. આજના સમયમાં સૌથી મોટી બાબત એ નથી કે યુવાનો મુશ્કેલીઓમાં છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુશ્કેલી આવે ત્યારે તેઓ પોતાની વાત કોને કહે? ઘણા યુવાનો બહારથી હસતા દેખાય છે, પરંતુ અંદરથી એકલતા, દુઃખ અને નિરાશા સાથે સંઘર્ષ કરતા હોય છે.

આપઘાતની ચાર ઘટનાઓ

અમદાવાદમાં બનેલી આપઘાતની ચાર ઘટનાઓએ આ પ્રશ્નને વધુ ગંભીર બનાવી દીધો છે. સેટેલાઈટમાં અભ્યાસ કરતી ૨૬ વર્ષીય યુવતીએ બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો. ઓઢવમાં રહેતી ૨૨ વર્ષની યુવતીએ રહેણાક પરથી કૂદીને જીવનનો અંત લાવ્યો. શાહીબાગમાં એક યુવકે લાંબી બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાધો. નવા નરોડામાં ૨૭ વર્ષીય યુવકે પત્ની રિસાઈને જતાં મનમાં લાગેલા આઘાતમાં જીવન ટૂંકાવ્યું.

નીટની તૈયારી કરતા એક કિશોરે છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત

આ પહેલાં નવા રાણીપમાં નીટની તૈયારી કરતા એક કિશોરે છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. આ તમામ બનાવ એકબીજાથી અલગ છે, પરંતુ એક વાત સરખી છે. આજનો યુવા દેખાવમાં મજબૂત લાગે છે, પરંતુ અંદરથી ઘણી વખત ખૂબ નાજુક બની ગયો છે. ઓછા ગુણ આવે તો દુનિયા પૂરી થઈ ગઈ હોય એવી લાગણી થાય છે. પ્રેમસંબંધ તૂટે તો જીવવાનું કારણ જતું રહે છે. માતા-પિતા ઠપકો આપે તો પોતે કોઈને કામનો નથી એવી લાગણી જન્મે છે. થોડું દેવું થઈ જાય કે નોકરીમાં મુશ્કેલી આવે તો ભવિષ્ય અંધકારમય લાગે છે, પરંતુ હકીકત એ છે કે સમસ્યાઓ કાયમી નથી... જીવન કાયમી છે.

માત્ર પોતાની પીડામાંથી બહાર આવવા માગતા

આપઘાત કરનાર મોટા ભાગના લોકો મરવા નથી માગતા. તેઓ તો માત્ર પોતાની પીડામાંથી બહાર આવવા માગતા હોય છે. જો એ સમયે કોઈ તેમની વાત સાંભળે, તેમને સમજવાનો પ્રયાસ કરે અને વિશ્વાસ આપે તો અનેક જીવ બચી શકે. દુનિયામાં દર વર્ષે આઠ લાખથી વધુ લોકો આપઘાત કરે છે, તેમાં ભારતનો હિસ્સો પણ ચિંતાજનક છે. ખાસ કરીને ૧૫થી ૨૯ વર્ષની વયના યુવાનોમાં આવા બનાવોનું પ્રમાણ વધારે છે.

suicide-gandhinagar

અંતિમયાત્રામાં ખભો આપવાનો વારો

દરેક માતા-પિતાનું એક જ સપનું હોય છે કે તેમનું સંતાન તેમના ખભાનો સહારો બને, પરંતુ જ્યારે એ જ માતા-પિતાને પોતાના યુવાન સંતાનની અંતિમયાત્રામાં ખભો આપવાનો વારો આવે છે ત્યારે એ દુઃખ શબ્દોમાં વ્યક્ત થઈ શકતું નથી. આપઘાત કોઈ સમસ્યાનું સમાધાન નથી. એક વાતચીત, એક હૂંફભર્યો સ્પર્શ, એક વિશ્વાસ આપતો શબ્દ અને સમયસર મળેલી મદદ કોઈનું આખું જીવન બચાવી શકે છે.

યુવાનો શા માટે તૂટી રહ્યા છે?

  • પરીક્ષામાં ઓછા ગુણ અથવા નિષ્ફળતા
  • પ્રેમસંબંધમાં નિરાશા
  • પરિવારમાં મતભેદ
  • લાંબી બીમારી
  • આર્થિક સંકટ
  • દેવાનું ભારણ
  • એકલતા
  • સતત તણાવ
  • વ્યસનની અસર
  • ભવિષ્યનો ભય

માતા-પિતાની એક ભૂલ ભારે પડી શકે

  • સંતાનની સરખામણી ન કરો.
  • માત્ર ગુણ નહીં, લાગણીઓ પણ પૂછો.
  • દરરોજ થોડો સમય તેમની સાથે વિતાવો.
  • તું નકામો છે જેવા શબ્દો ક્યારેય ન બોલો.
  • સંતાન ચૂપ રહેવા લાગે તો ગંભીરતાથી ધ્યાન આપો.
  • જરૂર પડે તો મનોચિકિત્સકની મદદ લો.

યુવાઓના આ સંકેતો અવગણશો નહીં

  • એકલા રહેવાનું પસંદ કરવું
  • વારંવાર રડવું
  • ચીડિયાપણું વધી જવું
  • ખાવા-પીવામાં ઘટાડો
  • ઊંઘ ન આવવી
  • જીવન પ્રત્યે રસ ઓછો થવો
  • મારા વગર બધું સારું રહેશે જેવી વાતો કરવી
  • અચાનક બધાથી દૂર થઈ જવું

જીવન બચાવી શકે એવાં પાંચ પગલાં

  • મનમાં ભાર હોય તો તરત વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો.
  • પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહો.
  • નિયમિત યોગ અને કસરત કરો.
  • મુશ્કેલી આવે ત્યારે એકલા નિર્ણય ન લો.
  • મનોચિકિત્સકની મદદ લેવામાં સંકોચ ન રાખો

આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી

ડો. પ્રશાંત ભીમાણી, મનોચિકિત્સકનું કહેવું છે કે, યુવાઓમાં વિવિધ મુદ્દાઓને લઈ આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, જે ચિંતાજનક મુદ્દો છે. જ્યારે પણ આત્મહત્યાનો વિચાર આવે ત્યારે તમારા પરિવાર સાથે વાત કરો અથવા તો મનોચિકિત્સકની મદદ લો.

આ પણ વાંચો : GSRTC દ્વારા મુસાફરીની યોજના વધુ સરળ, હવે લોકલ બસોમાં પણ ટિકિટ બુક થઈ શકશે

બાળકો ઉપર ઘરવાળાંઓએ પ્રેશર કરવું નહીં

જી.એસ. મલિક, રાજ્યના પોલીસવડાનું કહેવું છે કે, આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી, જેથી ઘરવાળાંઓએ ભણતરથી લઈને કોઈ પણ મુદ્દે બાળકો પર પ્રેશર કરવું નહીં. ભણતરના ભારથી પહેલેથી બાળક પ્રેશરમાં હોય તેવામાં વાલીઓએ પણ સમજવું જોઈએ. બાળકોના બિહેવિયર ઉપર નજર રાખવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mental Health Youth Suicide Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ