બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / રોજ એક કલાક વહેલા આવે, ઝાડુ પોતે મારે! વડોદના આચાર્ય એ એવું કામ કર્યું, કે સરકારે નોંધ લેવી પડી

જસદણ / રોજ એક કલાક વહેલા આવે, ઝાડુ પોતે મારે! વડોદના આચાર્ય એ એવું કામ કર્યું, કે સરકારે નોંધ લેવી પડી

Published By: Priykant Shrimali
Reported By: Kalu Rathod

Last Updated: 01:56 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jasdan Inspiring Teacher : જસદણના વડોદ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશભાઈ બાવળિયાની અનોખી પહેલ; 300 વૃક્ષો અને 400 છોડથી શાળા હરિયાળી બની, દીવાલો પર જાતે બનાવ્યા વિજ્ઞાન-ગણિતના મોડલ, રાષ્ટ્રીય કક્ષાનો શાળા સ્વચ્છતા પુરસ્કાર પણ મળ્યો

Jasdan Inspiring Teacher : સવારે શાળાનો સમય થાય એ પહેલાં જ એક વ્યક્તિ શાળાના દરવાજા ખોલી અંદર પ્રવેશે છે. હાથમાં કોઈ ફાઈલ નથી, કોઈ ઓફિશિયલ કામની યાદી નથી, સીધા મેદાનમાં જાય છે અને સફાઈ શરૂ કરી દે છે. મેદાનની સફાઈ કર્યા બાદ બાથરૂમ અને શૌચાલય સાફ કરે છે. ત્યારબાદ શાળામાં કચરા-પોતા કરે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ જસદણ તાલુકાના વડોદ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશભાઈ બાવળિયા પોતે છે.

તેમના માટે આ કામ ફરજનો ભાગ નથી, પરંતુ એક વિચાર છે “શાળા આપણું ઘર છે અને વિદ્યાર્થીઓ આપણાં બાળકો છે.” આ વિચાર સાથે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી શાળાને માત્ર ભણવાની જગ્યા નહીં, પરંતુ બાળકો માટે સ્વચ્છ, સુંદર અને શીખવાની ઉત્સુકતા જગાવે એવી જગ્યા બનાવવામાં સતત મહેનત કરી રહ્યા છે.

રોજ શાળાના સમય કરતાં એક કલાક વહેલા આવે છે

ગિરીશભાઈ દરરોજ શાળાના સમય કરતાં લગભગ એક કલાક વહેલા પહોંચી જાય છે. સૌપ્રથમ શાળાના મેદાનની સફાઈ કરે છે. ત્યારબાદ બાથરૂમ, ટોયલેટ અને શૌચાલયની સફાઈ પણ જાતે કરે છે. પછી શાળામાં કચરા-પોતા કરીને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવે છે. આ કામ માત્ર શાળાના દિવસોમાં જ થાય છે એવું નથી. રવિવાર હોય કે વેકેશન—તેઓ શાળાના કામ માટે સમય ફાળવે છે. તેમના માટે શાળાની જવાબદારી એટલે માત્ર વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી નહીં, પરંતુ શાળાની દરેક બાબતને પોતાની માનીને સાચવવાની જવાબદારી.

શાળાની રોનક જ બદલી નાખી

આચાર્યની આ મહેનતા સૌથી મોટા સાક્ષી શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ છે. વિદ્યાર્થીના વાલી સંજયભાઈ શિયાળ કહે છે કે,“જ્યારથી સાહેબ આવ્યા છે ત્યારથી શાળાની રોનક ફરી ગઈ છે. સૌથી પહેલા સ્વચ્છતાનું કામ કર્યું. બહુ મહેનત કરે છે. બાળકો સ્કૂલે ન આવે તો ઘરે-ઘરે જઈને વાલીને મળે છે અને કારણની તપાસ કરે છે. આવા સાહેબ પહેલાં ક્યારેય જોયા નથી.” તેઓ વધુમાં કહે છે કે શાળાના ભણતરમાં પણ સુધારો આવ્યો છે. તેમના શબ્દોમાં જ જાણીએ તો,"આવા શિક્ષક શાળામાં જ નિવૃત્ત થાય તો અહીંથી ભણેલા વિદ્યાર્થીઓ અધિકારી અને સાયન્ટિસ્ટ પણ બની શકે."

C ગ્રેડની શાળાથી 72% પરિણામ સુધીની સફર

ગિરીશભાઈ વર્ષ 2018માં વડોદ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે જોડાયા ત્યારે શાળાની સ્થિતિ અલગ હતી. તેઓ કહે છે, “2018થી પ્રિન્સિપાલ તરીકે આવ્યો છું. હું આવ્યો ત્યારે શાળા ગુણોત્સવમાં C ગ્રેડમાં હતી. ત્યારે 50 ટકા પરિણામ હતું. અત્યારે 72 ટકા પરિણામ છે.” આજે શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં સફળતા મેળવી રહ્યા છે. NMMS, PSE, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને ચિત્રકામ જેવી પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી રહ્યા છે. કલાક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ પહોંચ્યા છે. કલા મહાકુંભ અને બાળ પ્રતિભા જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. ખેલ મહાકુંભ અને અન્ય સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.

શાળાની દીવાલો હવે ‘બ્લેકબોર્ડ’ બની ગઈ!

ગિરીશભાઈની ખાસિયત એ છે કે તેઓ શિક્ષણને માત્ર પુસ્તક સુધી સીમિત રાખવા માંગતા નથી. વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત સમજવામાં સરળતા રહે તે માટે તેમણે શાળાની દીવાલો પર જાતે જ વિવિધ મોડલ અને આકૃતિઓ તૈયાર કરી છે. માનવ શરીરના અંગોથી લઈને વૃક્ષો અને માછલીઓ સુધીના ચિત્રો તેમણે શાળાની દીવાલો પર બનાવ્યા છે. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના મોડલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ માટે ટેલિસ્કોપ, મિસાઈલ, ફાઈટર પ્લેન, સોલાર સિસ્ટમ સહિતની અનેક વસ્તુઓ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના વિચારથી તૈયાર કરવામાં આવી છે. શાળામાં કચ્છી હસ્તકલાની વસ્તુઓ પણ બનાવવામાં આવી છે. આ વસ્તુઓથી શાળાના વિવિધ ભાગો અને આચાર્યના રૂમની શોભા પણ વધારી છે.

કડિયા, સુથારીથી લઈને ઈલેક્ટ્રિકનું કામ પણ જાતે કરે છે

શાળામાં કોઈ સુવિધા ઊભી કરવા માટે દરેક વખતે બહારથી માણસ બોલાવવો પડે એવું ગિરીશભાઈને પસંદ નથી. કડિયાકામ હોય, સુથારીકામ હોય, લુહારીકામ હોય કે ઈલેક્ટ્રિકનું કામ-તેઓ પોતાની ક્ષમતા મુજબ જાતે કામ કરીને શાળાના નાણાં બચાવવાનો પ્રયાસ કરે છે. આ રીતે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પણ બચાવી શકાય અને એ નાણાંમાંથી વિદ્યાર્થીઓ માટે બીજી સુવિધાઓ ઊભી કરી શકાય-એવો તેમનો અભિગમ છે.

300 વૃક્ષો અને 400 છોડથી શાળાને બનાવી ‘નંદનવન’

સ્વચ્છતા પછી ગિરીશભાઈએ શાળાના પરિસરને હરિયાળું બનાવવાનું કામ હાથ ધર્યું. શાળામાં અંદાજે 300 વૃક્ષો વાવવામાં આવ્યા છે અને 400 જેટલા છોડ ઉછેરવામાં આવ્યા છે. આજે આ હરિયાળી શાળાના પરિસરને અલગ ઓળખ આપે છે. બાળકો માટે આ વૃક્ષો માત્ર હરિયાળી નથી. તેઓ અહીંથી કુદરત, પર્યાવરણ અને જતનનો પાઠ પણ શીખે છે.

બાળક સ્કૂલે ન આવે તો આચાર્ય સીધા ઘરે પહોંચે

ગિરીશભાઈ માટે વિદ્યાર્થી માત્ર રોલ નંબર નથી. જો કોઈ બાળક નિયમિત શાળાએ ન આવે તો તેઓ કારણ જાણવા માટે વાલીના ઘરે પણ પહોંચે છે. બાળક શા માટે શાળાએ નથી આવતું, તેની પાછળનું કારણ શું છે—તે સમજવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે વાલીઓમાં પણ આચાર્ય પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

2004માં શિક્ષક બન્યા, 2018થી આચાર્યની જવાબદારી

જસદણ શહેરમાં રહેતા અને પ્રજાપતિ સમાજમાંથી આવતા ગિરીશભાઈ બાવળિયાએ વર્ષ 2004માં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં HTAT પરીક્ષા પાસ કર્યા બાદ વર્ષ 2018માં વડોદ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે તેમની નિમણૂક થઈ.

આચાર્ય બન્યા ત્યારથી તેમણે શાળાને પોતાની જવાબદારી માનીને કામ શરૂ કર્યું. સમય જતાં આ મહેનતનું પરિણામ શાળાની કામગીરી, વિદ્યાર્થીઓના પરિણામ અને મળેલા વિવિધ સન્માનોમાં પણ જોવા મળ્યું.

દિલ્હીથી રાજ્ય સરકાર સુધી સન્માન

ગિરીશભાઈની કામગીરીની નોંધ માત્ર ગામ કે જિલ્લા પૂરતી રહી નથી. વડોદ પ્રાથમિક શાળાને સ્વચ્છતા અને અન્ય ક્ષેત્રોમાં કામગીરી બદલ અનેક સન્માન મળ્યાં છે. તેમાં શાળા સ્વચ્છતા પુરસ્કાર, મહાત્મા ગાંધી એવોર્ડ, ગ્લોબલ ડાયમંડ એવોર્ડ, શિક્ષણ રત્ન એવોર્ડ, GCMA એવોર્ડ અને અન્ય સન્માનોનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો શાળા સ્વચ્છતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગિરીશભાઈને દિલ્હી બોલાવી સન્માન કરવામાં આવ્યું અને અઢી લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલાં શિક્ષણ મંત્રી પ્રધુમનસિંહ વાજાએ તેમના નિવાસસ્થાને જઈને ગિરીશભાઈનું સન્માન કર્યું હતું. શાળામાં વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરવાની કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર મળ્યાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. ઇનોવેશન ફેરમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાથી આગળની સફળતા મેળવી છે.

આ પણ વાંચો : સેંકડો પરિવારોને પાણી પહોંચાડી ટાંકીમાં 'લીલુ પાણી', VTVના રિપોર્ટરે ટાંકીની અંદર ઉતરીને કર્યો ખુલાસો

“મારા માટે શાળા એટલે મારું ઘર”

ગિરીશભાઈની આખી કામગીરીની પાછળ એક જ વિચાર છે-શાળાને પોતાની માનીને કામ કરવું. શિક્ષક તરીકેની નોકરીથી શરૂ થયેલી તેમની સફર આજે એક એવા આચાર્ય સુધી પહોંચી છે, જે બાળકોને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવા માંગતા નથી, પરંતુ સ્વચ્છતા, મહેનત, સર્જનાત્મકતા અને જવાબદારી પણ શીખવવા માંગે છે. રોજ એક કલાક વહેલા આવીને ઝાડુ મારવાથી લઈને દીવાલ પર વિજ્ઞાનનું મોડલ બનાવવું, વૃક્ષ વાવવાથી લઈને બાળક શાળાએ ન આવે ત્યારે તેના ઘરે પહોંચવું-આ બધી બાબતો એક જ વાત કહે છે:

શાળા સરકારની ઇમારત નથી, કોઈ એક શિક્ષકની ફરજ નથી... શાળા બાળકોનું ભવિષ્ય બનાવતું ઘર છે.

અને કદાચ એટલે જ વડોદની આ સરકારી શાળા આજે માત્ર ભણતર માટે નહીં, પરંતુ એક આચાર્યની મહેનતથી બદલાતી સરકારી શાળાની કહાની માટે ઓળખાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadod Primary School School Cleanliness Girishbhai Bavaliya

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ