ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સેંકડો પરિવારોને પાણી પહોંચાડી ટાંકીમાં 'લીલુ પાણી', VTVના રિપોર્ટરે ટાંકીની અંદર ઉતરીને કર્યો ખુલાસો
Last Updated: 12:01 PM, 7 August 2026
ADVERTISEMENT
હજારો ઘરોમાં જે ટાંકીમાંથી પીવાનું પાણી પહોંચે છે, એ જ ટાંકીની અંદરનું દૃશ્ય જોઈને તમે પણ ચોંકી જશો! રાજકોટના કોઠારિયામાં છેલ્લા દોઢ મહિનાથી દૂષિત પાણીની ફરિયાદો થઈ રહી છે. સુખરામનગર, વિનોદનગર અને બાબરીયા કોલોની સહિતના વિસ્તારોમાં લોકો નળમાંથી દુર્ગંધ મારતું અને ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે આ પાણી પીવાથી બીમારીઓ ફેલાઈ રહી છે. જોકે, અહીં સવાલ માત્ર ફરિયાદોનો નથી. VTVના રિપોર્ટરે આ દૂષિત પાણીની હકીકત જાણવા માટે જે ટાંકીમાંથી હજારો ઘરોમાં પાણી પહોંચે છે, તેની અંદર જઈને જાતે પાણીની સ્થિતિ ચકાસી અને વીડિયો પણ રેકોર્ડ કર્યો. ટાંકીની અંદર જોવા મળેલું લીલું અને ફીણવાળું પાણી હવે રાજકોટના તંત્રની પાણી પુરવઠાની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
ADVERTISEMENT
કોઠારિયામાં દૂષિત પાણીની ફરિયાદ નવી નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારથી નળમાંથી ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. છેલ્લા એકથી દોઢ મહિનાથી પરિસ્થિતિ વધુ ખરાબ બની હોવાનો તેમનો આક્ષેપ છે. સુખરામનગર, વિનોદનગર અને બાબરીયા કોલોની સહિતના વિસ્તારોમાં રહેતા લોકો માટે પીવાનું પાણી રોજિંદી મુશ્કેલી બની ગયું છે. નળમાંથી આવતું પાણી પીવાલાયક ન હોવાને કારણે કેટલાક પરિવારો બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે.
ADVERTISEMENT

સ્થાનિકોનો દાવો છે કે આ પાણી પીવાથી ઝાડા-ઉલટી, તાવ અને શરદી જેવી બીમારીઓ થઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને લઈને લોકો ચિંતિત છે. એક સ્થાનિકે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, પાણી જીવનજરૂરી છે એટલે ગમે તેવું પાણી હોવા છતાં પીવું પડે છે. બીજા સ્થાનિકના જણાવ્યા પ્રમાણે ચોમાસું બેઠું ત્યારથી ગંદા પાણીની સમસ્યા છે અને લોકો બીમાર પડી રહ્યા છે.
ADVERTISEMENT

પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી ગંભીર સવાલ ત્યારે ઊભો થયો, જ્યારે VTVના રિપોર્ટરે માત્ર બહારથી ફરિયાદો સાંભળવાને બદલે પાણીની ટાંકીની અંદર જઈને હકીકત તપાસી. ટાંકીની અંદરનું પાણી લીલું અને ફીણવાળું જોવા મળ્યું. રિપોર્ટરે સ્થળ પર જ તેની સ્થિતિનો વીડિયો પણ રેકોર્ડ કર્યો. જે ટાંકીમાંથી આસપાસના હજારો ઘરો સુધી પાણી પહોંચે છે, તેની અંદરની આ સ્થિતિ સામે આવ્યા બાદ હવે સવાલ એ છે કે લોકોના ઘરે પહોંચતું આ પાણી ખરેખર કેટલું સુરક્ષિત છે?
ADVERTISEMENT

એક તરફ લોકો દૂષિત પાણીની ફરિયાદ કરી રહ્યા છે અને બીજી તરફ પાણીની ટાંકીની અંદરથી સામે આવેલા દૃશ્યો સમગ્ર વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે છે. જો પાણીની ટાંકીની સફાઈ અને જાળવણી નિયમિત થતી હોય તો તેની અંદર આવું લીલું અને ફીણવાળું પાણી કેવી રીતે જોવા મળ્યું? પાણીની લાઈનોમાં કોઈ લીકેજ છે? ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે? કે પછી ટાંકીની સફાઈ અને મેન્ટેનન્સમાં બેદરકારી થઈ રહી છે? આ સવાલોના જવાબ હવે તંત્રએ આપવા પડશે.
ADVERTISEMENT
સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમણે અનેક વખત સંબંધિત વિભાગને રજૂઆત કરી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પાણી જેવી મૂળભૂત સુવિધામાં જો લોકો એકથી દોઢ મહિના સુધી દૂષિત પાણીની ફરિયાદ કરતા રહે અને છતાં સમસ્યા દૂર ન થાય, તો જવાબદારી કોની? લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે તંત્રએ માત્ર ફરિયાદ નોંધવાની નહીં, પરંતુ પાણીના સેમ્પલની તપાસ, ટાંકીની સફાઈ અને પાણીની લાઈનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવું જરૂરી છે.
ADVERTISEMENT
હવે સૌથી મોટો સવાલ એ છે કે જે પાણી લોકોના ઘરના નળ સુધી પહોંચે છે, તેની ગુણવત્તાની જવાબદારી કોણ લેશે? રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે જો હજારો લોકો પીવાના પાણી માટે જ પરેશાન હોય અને પાણીની ટાંકીની અંદર આવી સ્થિતિ જોવા મળે, તો તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થાય તે સ્વાભાવિક છે. ફરિયાદો તો લાંબા સમયથી છે, હવે VTVના કેમેરામાં ટાંકીની અંદરની હકીકત પણ કેદ થઈ છે—તંત્ર હવે શું જવાબ આપે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.