બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં 48 કલાક હીટવેવનું એલર્ટ, અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર, 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ
Last Updated: 02:14 PM, 14 May 2026
બુધવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. શહેરમાં મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય તાપમાન કરતાં લગભગ 2.5 ડિગ્રી વધુ નોંધાયું હતું. દિવસ દરમિયાન ગરમીની સાથે ગરમ પવનો ફૂંકાતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રિ સુધી શહેરમાં ગરમ હવા વહેતી રહેતાં લોકોને લૂ જેવી સ્થિતિ અનુભવાઈ હતી. રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમીમાંથી કોઈ રાહત મળી નહોતી.
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી અમદાવાદ સહિતના અનેક શહેરોમાં તાપમાન 41થી 45 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. ત્યારબાદ રાજ્યમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલના દિવસોમાં ગરમીનું જોર યથાવત રહેવાના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યના 10થી વધુ શહેરોમાં બુધવારે તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, વડોદરા, અમરેલી, ડીસા અને અન્ય વિસ્તારોમાં પણ ભારે ગરમીનો માહોલ રહ્યો હતો. અમરેલીમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભૂજમાં 42 ડિગ્રી અને ડીસામાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.
બીજી તરફ સુરતમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. શહેરમાં એક જ દિવસમાં તાપમાનમાં આશરે 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. જોકે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ ગરમીનો માહોલ યથાવત છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં આગામી દિવસોમાં હીટવેવ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, દ્વારકા, અમરેલી અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કાળઝાળ ગરમીને લઈ આ બે જિલ્લામાં એલર્ટ, હવામાન વિભાગે જાહેર કર્યું અપડેટ
ADVERTISEMENT
ડૉક્ટરોનું કહેવું છે કે આવી ગરમીમાં લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં રહેવું આરોગ્ય માટે જોખમી બની શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકો માટે વધુ સાવચેતી રાખવી જરૂરી છે. ગરમીના કારણે ડિહાઈડ્રેશન, ચક્કર આવવા, માથાનો દુખાવો અને હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. લોકો વધુમાં વધુ પાણી પીવે, છાશ, લીંબુ પાણી અને ઓઆરએસ જેવા પ્રવાહી પદાર્થો લે તેમજ બહાર નીકળતી વખતે માથું ઢાંકી રાખે તેવી સલાહ આપવામાં આવી છે.
હાલ રાજ્યમાં ચોમાસા પહેલાંની કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રસ્તાઓ પર બપોરના સમયે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. અનેક શહેરોમાં બપોરે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. ગરમીના કારણે વીજળીના વપરાશમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એરકન્ડિશનર અને કૂલરના વધતા ઉપયોગને કારણે વીજ માગમાં સતત વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પશ્ચિમ દિશાથી આવતી ગરમ અને સૂકી હવાના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઊંચું રહી શકે છે. જોકે કેટલાક વિસ્તારોમાં પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં આગામી બે દિવસ લોકોને ભારે ગરમી અને હીટવેવ જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
સરકારે પણ જિલ્લા તંત્રને સજ્જ રહેવા સૂચના આપી છે. હેલ્થ વિભાગને હીટસ્ટ્રોકના કેસ માટે જરૂરી વ્યવસ્થા રાખવા તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાને જાહેર સ્થળોએ પીવાના પાણીની સુવિધા વધારવા સૂચના આપવામાં આવી છે. ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લોકો માટે સાવચેતી જ સૌથી મોટું રક્ષણ માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.