ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદમાં પાવર ગ્રીડ લાઈન વળતર બાબતની મિટિંગમાં ખેડૂતની તબિયત લથડી, ICUમાં દાખલ
Last Updated: 04:49 PM, 2 June 2026
ADVERTISEMENT
"33 લાખ રૂપિયાથી વધુનું બિલ બનાવ્યું છે, પણ મને પાંચ લાખ રૂપિયા પણ હજુ સુધી મળ્યા નથી..." આ શબ્દો બોલતા બોલતા ખેડૂત પવન મનજીભાઈ ચાવડાની આંખો ભરાઈ આવી હતી. છેલ્લા છ મહિનાથી પોતાના હક્કના વળતર માટે કચેરીઓના ધક્કા ખાતા અને રોજ આશા-નિરાશા વચ્ચે જીવતા આ ખેડૂતનો સંઘર્ષ આખરે તેમના સ્વાસ્થ્ય પર ભારે પડ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
હળવદ તાલુકાના સાપકડા ગામમાં પાવર ગ્રીડની વીજલાઇનના વળતર મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. મોરબી પ્રાંત કચેરી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન એક ખેડૂતની અચાનક તબિયત લથડી જતાં સમગ્ર બેઠકમાં ચિંતા અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ ખેડૂતને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ખેડૂતનું નામ પવન મનજીભાઈ ચાવડા છે. તેઓ લાંબા સમયથી પાવર ગ્રીડની વીજલાઇનના વળતર મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતનો આક્ષેપ છે કે તેમના નામે 33 લાખ રૂપિયાથી વધુનું વળતર બિલ બનાવવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી તેમને પાંચ લાખ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા નથી.
ADVERTISEMENT
પવનભાઈ ચાવડાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી તેઓ સતત વળતર માટે તંત્ર અને કંપનીના ચક્કર કાપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ કંપનીએ બળજબરીપૂર્વક તેમની વાડીમાં પ્રવેશ કરીને કામગીરી શરૂ કરી હતી, પરંતુ વળતરની રકમ હજુ સુધી આપવામાં આવી નથી. પોતાના હક્કના પૈસા માટે વારંવાર રજૂઆતો છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેઓ ભારે માનસિક તણાવમાં છે

ADVERTISEMENT
ખેડૂતે વધુમાં જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી તેઓ શાંતિથી જમવાનું પણ ભૂલી ગયા છે. તેઓ પરિવાર સાથે સુરેન્દ્રનગરમાં રહે છે, પરંતુ આ મુદ્દાને કારણે રોજ સુરેન્દ્રનગરથી સાપકડા સુધી આવન-જાવન કરવું પડે છે. સતત ધક્કા અને અનિશ્ચિતતાના કારણે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ પર ગંભીર અસર પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
મોરબી પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠક દરમિયાન પોતાની વાત રજૂ કરતાં પવનભાઈ ભાવુક બની ગયા હતા. VTV સાથે વાતચીત દરમિયાન પણ તેઓ પોતાની પીડા વ્યક્ત કરતાં રડી પડ્યા હતા. પોતાની જમીન અને વળતર માટેની લડત હવે તેમના માટે માત્ર આર્થિક મુદ્દો નહીં પરંતુ જીવન અને સ્વાભિમાનનો પ્રશ્ન બની ગયો હોવાનું તેમની વાતોમાં સ્પષ્ટ જણાતું હતું.
બેઠક દરમિયાન વારંવાર ધક્કા ખાવા અને લાંબા સમયથી ચાલતા તણાવના કારણે પવનભાઈને આઘાત લાગ્યો હતો. તેમની તબિયત અચાનક બગડતાં હાજર લોકોએ તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી હતી અને તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
હળવદના સપાકડામાં પાવર ગ્રીડ લાઈન વળતર બાબતની મિટિંગમાં ખેડૂતની તબિયત લથડી, ICUમાં દાખલ #Halvad #Morbi #FarmerIssue #PowerGrid #CompensationMeeting #HealthEmergency #ICU #Agriculture #VTVNews #VTVDigital pic.twitter.com/BNj6w56ilK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 2, 2026
આ મુદ્દે અન્ય ખેડૂત રૂપેશ મકવાણાએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કલેક્ટર કચેરી તરફથી ફોન કરીને ખેડૂતોને પેમેન્ટ અંગે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે બેઠકમાં ખેડૂતોને એવું કોઈ સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવ્યું નથી કે વળતર ક્યારે અને કેટલું મળશે. તેમના જણાવ્યા મુજબ કંપની દ્વારા લેખિતમાં આપવામાં આવેલી કેટલીક બાબતો પણ સ્વીકારવામાં આવી રહી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ધોળા દિવસે યુવકની હત્યા, જીવ બચાવવા દોડ્યો યુવક, રસ્તા પર જ ઢળી પડ્યો
ઉલ્લેખનીય છે કે હળવદ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી પાવર ગ્રીડની વીજલાઇન અને વળતર મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે. ખેડૂતો યોગ્ય વળતર અને સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યા છે. પવનભાઈ ચાવડાની તબિયત લથડવાની ઘટનાએ ફરી એકવાર ખેડૂતોની વ્યથા અને તેમના સંઘર્ષને ઉજાગર કર્યો છે. હવે ખેડૂતોની નજર તંત્ર અને કંપનીના આગામી નિર્ણય પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો