બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સોનાના ભાવ વધતા 2026ના 6 મહિનામાં ₹3,804 કરોડનું જૂનું સોનું વેચ્યું
Last Updated: 02:34 PM, 1 August 2026
Gujarat Gold Sale : સોનાના ભાવમાં થયેલા ઐતિહાસિક વધારાના પગલે ગુજરાતીઓએ વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં અંદાજે રૂ. ૩,૮૦૪ કરોડનું જૂનું સોનું વેચ્યું છે, જોકે રાજ્યમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકોએ સોનું સીધું વેચવાના બદલે નવા દાગીના માટે એક્સચેન્જ કરવાનું અથવા લોન મેળવવા ગીરવે મૂકવાનું વધુ પસંદ કર્યું હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે.
ADVERTISEMENT
જાન્યુઆરીથી જૂન-૨૦૨૬ દરમિયાન સમગ્ર ભારતમાં ૫૦.૪ મેટ્રિક ટન સ્ક્રેપ ગોલ્ડ (રોકડ માટે વેચાયેલું જૂનું સોનું)નું વેચાણ થયું હતું. સરેરાશ MCX ભાવના આધારે તેની કિંમત આશરે રૂ. ૭૬,૦૮૮ કરોડ થાય છે, તેમાં ગુજરાતનો હિસ્સો અંદાજે પાંચ ટકા એટલે કે રૂ. ૩,૮૦૪ કરોડ જેટલો રહ્યો હોવાનું ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના અંદાજમાં જણાવાયું છે.
બુલિયન બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં સોનાને લાંબા ગાળાના રોકાણ તરીકે જોવાની માનસિકતા હોવાથી અહીં રોકડ માટે સોનું વેચવાનું પ્રમાણ અન્ય કેટલાંક રાજ્યોની સરખામણીએ ઓછું છે. IBJAના ડિરેક્ટર હરેશ આચાર્યાના જણાવ્યા પ્રમાણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરલમ અને પંજાબમાં સોનું વેચવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, જ્યારે ગુજરાતમાં લોકો સામાન્ય રીતે રોકાણ જાળવી રાખવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT
આ વર્ષે ૨૯ જાન્યુઆરીએ અમદાવાદમાં સોનાનો ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧.૮૦ લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. તેના કારણે અનેક પરિવારોને જૂના દાગીનામાંથી રોકડ મેળવવાની તક મળી હતી, જોકે WGCના અહેવાલ મુજબ સોનાના ભાવ વધતાં સ્ક્રેપ ગોલ્ડની કિંમત વધી હોવા છતાં વેચાયેલા સોનાનું કુલ વોલ્યુમ ઘટ્યું હતું, જે દર્શાવે છે કે દરેક ગ્રાહકે સોનું વેચવાનો નિર્ણય લીધો નહોતો.
અહેવાલમાં જણાવાયું છે કે ઘણા ગ્રાહકોએ જૂના દાગીના વેચવાના બદલે નવા દાગીનામાં એક્સચેન્જ કરાવવાનું પસંદ કર્યું, જ્યારે કેટલાકે સોનું લોન માટે ગીરવે મૂક્યું, બીજી તરફ ઘણા લોકોએ ભાવ હજુ વધશે તેવી આશાએ પોતાનું સોનું વેચવાનું ટાળ્યું. સોનાના ઊંચા ભાવની સીધી અસર દાગીનાની ખરીદી પર પણ જોવા મળી છે. વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાં જ્વેલરીની માગ ૧૭ ટકા ઘટીને ૧૪૧.૨ મેટ્રિક ટન રહી હતી, જે એક વર્ષ અગાઉ ૧૭૦.૪ મેટ્રિક ટન હતી.
ADVERTISEMENT
જ્વેલર્સ એસોસિયેશન ઓફ અમદાવાદના પ્રમુખ જિગર સોનીએ જણાવ્યું કે ઊંચા ભાવના કારણે ઘણા ગ્રાહકોએ દાગીનાની ખરીદી હાલ પૂરતી મુલતવી રાખી છે, જોકે રક્ષાબંધન અને આગામી તહેવારો દરમિયાન ભાવ સ્થિર રહેશે તો માગમાં ફરી વધારો થવાની આશા છે. બુલિયન વેપારીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં જૂના સોનાના એક્સચેન્જનું પ્રમાણ હજુ પણ મજબૂત છે. ઘણા પરિવારો તાત્કાલિક નાણાકીય જરૂરિયાત અને ભવિષ્યમાં ભાવ વધુ વધવાની આશા વચ્ચે સંતુલન સાધીને નિર્ણય લઈ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.