બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ SITનો 100 પાનાંનો રિપોર્ટ: સખત નિયમો, ફરજિયાત વીડિયોગ્રાફી-10 વર્ષની સજાની ભલામણ
Last Updated: 02:16 PM, 1 August 2026
Ramol Firecracker Factory Blast : રામોલમાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ૧૦ લોકોનાં મોત બાદ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ટૂંક સમયમાં તેનો આશરે ૧૦૦ પાનાંનો અહેવાલ પોલીસ કમિશનરને સોંપશે. અહેવાલમાં ફટાકડા એકમોનાં લાઇસન્સ, દેખરેખ અને સલામતી વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે અનેક કડક ભલામણો કરવામાં આવી છે.
ADVERTISEMENT
SITએ ભલામણ કરી છે કે ફટાકડા ફેક્ટરીને લાઇસન્સ આપતાં પહેલાં સમગ્ર સ્થળનું ફરજિયાત વીડિયો ડોક્યુમેન્ટેશન કરવામાં આવે. તેનાથી અરજી સમયે સ્થળની વાસ્તવિક સ્થિતિ, સલામતીનાં ધોરણોનું પાલન અને ભવિષ્યમાં જવાબદારી નક્કી કરવામાં સરળતા રહેશે. તપાસમાં સામે આવ્યું કે જ્યાં વિસ્ફોટ થયો હતો તે સ્થળ પર વિસ્ફોટક રસાયણોનો જથ્થો સંગ્રહ કરવા માટે જરૂરી માળખાકીય વ્યવસ્થા જ નહોતી, છતાં ત્યાં મોટા પ્રમાણમાં રસાયણો રાખવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
અહેવાલમાં નોંધાયું છે કે હાલ કોઈ ફટાકડા એકમ કેટલા પ્રમાણમાં પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર પાઉડર સહિતના વિસ્ફોટક કેમિકલનો સંગ્રહ કરી શકે તે અંગે સ્પષ્ટ વૈજ્ઞાનિક ધોરણો નથી. SITએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની મદદથી સંગ્રહ મર્યાદા અને સલામતી માટે માર્ગદર્શિકા બનાવવાની ભલામણ કરી છે.
ADVERTISEMENT
તપાસ દરમિયાન ૪૦થી વધુ વેપારીઓ અને સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં. મોટા ભાગે જણાવ્યું હતું કે વિસ્ફોટક રસાયણો ખુલ્લા બજારમાં સરળતાથી મળી જાય છે અને તેના ખરીદી-વેચાણ પર પૂરતી ચકાસણી થતી નથી. SITએ વેચાણ પહેલાં અને પછી બંને તબક્કામાં દેખરેખ વધારવા અને રસાયણોનો ઉપયોગ માત્ર અધિકૃત હેતુ માટે જ થાય તેની ખાતરી કરવાની ભલામણ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું કે જે ફટાકડા એકમમાં વિસ્ફોટ થયો તેનું લાઇસન્સ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને અરજી ફગાવાયા છતાં એકમ ગેરકાયદે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. SITએ આવા ગંભીર બેદરકારીના કેસમાં ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલ અને ભારે દંડની જોગવાઈ કરવાની ભલામણ કરી છે. તપાસ દરમિયાન ફાયર વિભાગ, એએમસી અધિકારીઓ, રસાયણ સપ્લાયરો, વેપારીઓ અને અન્ય સંબંધિત લોકોનાં નિવેદનો ઉપરાંત એફએસએલના વૈજ્ઞાનિક અને ડિજિટલ પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.