ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ

ડેટા સેન્ટર પોલિસી / ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ગુજરાત ડેટા સેન્ટર પોલિસી'નું અનાવરણ

Published By: Priykant Shrimali

Last Updated: 11:13 AM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Data Center Policy : હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશભરમાં ડેટા સેન્ટરની ચર્ચા થઈ રહી છે, પરંતુ ગુજરાત આ ક્ષેત્ર માટે વિશેષ નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું

ADVERTISEMENT

Gujarat Data Center Policy : ગુજરાત સરકારે ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'ની જાહેરાત કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નીતિનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ સહિત સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારનું માનવું છે કે, ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની રહ્યું છે અને તેના માટે આધુનિક ડેટા સેન્ટરની જરૂરિયાત સતત વધી રહી છે.

આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશભરમાં ડેટા સેન્ટરની ચર્ચા થઈ રહી છે, પરંતુ ગુજરાત આ ક્ષેત્ર માટે વિશેષ નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારે 7.5 ગીગાવોટ ક્ષમતાની ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે, જ્યારે માત્ર ધોલેરા માટે જ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરનો પ્રસ્તાવ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું. તેમના અનુસાર, આ પ્રસ્તાવ પર કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને ગુજરાત હવે રોકાણકારો માટે એક મજબૂત બ્રાન્ડ તરીકે ઉભરી રહ્યું છે.

મુખ્ય સચિવે જણાવ્યું કે, આ પોલિસી ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સરકારનું લક્ષ્ય રાજ્યમાં આશરે ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષવાનું અને 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ વિકસાવવાનું છે. તેમણે એ પણ જણાવ્યું કે માત્ર 1 ગીગાવોટ ડેટા સેન્ટર માટે દરરોજ અંદાજે 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડે છે. ગુજરાત પાસે રિન્યુએબલ એનર્જીની મજબૂત વ્યવસ્થા હોવાથી આ ક્ષેત્રમાં રાજ્યને વિશેષ લાભ મળશે.

નવી નીતિ હેઠળ ડેટા સેન્ટર સ્થાપનારી કંપનીઓને જમીન, પાવર ટેરિફ અને સ્ટેમ્પ ડ્યુટી સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રોત્સાહનો આપવામાં આવશે. સાથે જ સમગ્ર પ્રક્રિયા સરળ બને તે માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવ્યો છે, જે સિંગલ વિન્ડો ક્લિયરન્સની સુવિધા આપશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ શરત પણ મૂકી છે. દરેક ડેટા સેન્ટરે પોતાની કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછા 51 ટકા વીજળી સૌર, પવન અથવા અન્ય રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી મેળવવી ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે, આ પગલાથી ગુજરાત ગ્રીન ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બની શકે છે.

ડેટા સેન્ટરની વધતી જરૂરિયાતને પહોંચી વળવા GUVNL દ્વારા રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્ક અને સબ-સ્ટેશનોને વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારે આગામી વર્ષોમાં રાજ્યની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા વધારવાનો પણ લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેથી ઉદ્યોગોને સતત અને વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહે.

આ પણ વાંચો : તમે પણ બિલાડી પાળી છે તો જાણી લેજો આ સમાચાર નહીં તો... પાલતુ શ્વાન બાદ હવે બિલાડીને લઈ મોટો નિર્ણય

કાર્યક્રમમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, 1990ના દાયકામાં ગુજરાતે કેટલીક તક ગુમાવી હતી, પરંતુ બાદમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યએ ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપી. તેમણે જણાવ્યું કે હાલમાં ભારતમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર્સ છે, જ્યારે અમેરિકામાં લગભગ 30 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. ગુજરાત પાસે 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટેના પ્રસ્તાવો આવી ચૂક્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. સરકારને આશા છે કે આ નવી પોલિસીના અમલ બાદ ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન જેવી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ ગુજરાતમાં પોતાના ડેટા સેન્ટર સ્થાપવા માટે વધુ રસ દાખવશે, જેના પરિણામે રાજ્યમાં મોટા પાયે રોકાણ, રોજગારી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Data Center Policy Gujarat Harsh Sanghavi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ