ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / લો બોલો, મેઘરજમાં મહિલાનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી આરોપીઓએ કરાવી વારસાઇ, અને પછી...!
Last Updated: 03:02 PM, 3 June 2026
ADVERTISEMENT
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં જમીન હડપવાના હેતુથી એક જીવિત મહિલાને મૃત જાહેર કરી દેવાનો ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં તલાટી, વકીલ સહિત કુલ 13 લોકો દ્વારા મળીને ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
માહિતી મુજબ, આરોપીઓએ જમીન પર કબજો મેળવવાના હેતુથી મહિલાનું ખોટું ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવ્યું હતું. એટલું જ નહીં, મહિલાનું વર્ષ 2001માં મૃત્યુ થયું હોવાનું દર્શાવી ખોટા દસ્તાવેજોના આધારે પેઢીનામું પણ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ દસ્તાવેજોના આધારે વારસાઈની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદી મહિલા અને તેના પરિવારને જમીન સંબંધિત કેટલીક શંકાસ્પદ હિલચાલ અંગે જાણ થઈ હતી. પરિવારજનોએ દસ્તાવેજોની તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા જીવિત હોવા છતાં સરકારી રેકોર્ડમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ માટે ખોટું ડેથ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે જ વારસાઈ નોંધાવવા માટે અન્ય જરૂરી દસ્તાવેજોમાં પણ ગેરરીતિ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
ફરિયાદી મહિલાએ મામલતદાર કચેરીમાંથી સંબંધિત દસ્તાવેજો મેળવ્યા બાદ સમગ્ર ઘટનાની વિગતો એકત્રિત કરી હતી. ત્યારબાદ તમામ પુરાવાઓ સાથે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં તલાટી, વકીલ અને અન્ય લોકોની સંડોવણી સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અત્યાર સુધીમાં પોલીસે વકીલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેસમાં ઉપયોગમાં લેવાયેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. ખોટા ડેથ સર્ટિફિકેટ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું, તેમાં કોણ-કોણ સામેલ હતું અને સરકારી રેકોર્ડમાં ફેરફાર કેવી રીતે થયો તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
આ કેસમાં જમીન હડપવાના હેતુથી લાંબા સમયથી આયોજનબદ્ધ રીતે ગેરરીતિ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી પણ શક્યતા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. એક જીવિત વ્યક્તિને દસ્તાવેજોમાં મૃત જાહેર કરીને તેની મિલકત પર કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને લઈને લોકોમાં પણ આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર કૌભાંડના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે અને બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો