ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બર્થડેની ધમાલથી બાઈકના સ્ટંટ સુધીઃ રીલ બનાવવા શોખીન પર પોલીસની તવાઈ
Last Updated: 01:39 PM, 14 October 2026
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં છવાઈ જવાની ઘેલછા યુવાનોને જોખમના રસ્તે લઈ જઈ રહી છે. લાઇક્સ અને કોમેન્ટ મેળવવા માટે કોઈ તલવાર-છરી સાથે વીડિયો બનાવે છે તો કોઈ રિવોલ્વર બતાવીને રોલો પાડે છે. કેટલાક જાહેરમાં ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરે છે તો કેટલાક રસ્તા પર કાર અને બાઇકથી સ્ટંટ કરીને બીજાના જીવ જોખમમાં મૂકે છે, જોકે હવે આવી હરકતોના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું ભારે પડી રહ્યું છે. અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખીને આવાં તત્ત્વો સામે કાર્યવાહી કરી રહી છે. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી રહી છે અને ગુના પણ નોંધાઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે. જો કોઈ વીડિયો આપે તો ગુનો પણ દાખલ કરવામાં આવે છે.
ADVERTISEMENT
પોલીસના મોબાઈલમાં વીડિયો આવ્યો ને તરત જ ગુનો નોંધાયો
વટવા વિસ્તારમાં રહેતા અજય બઘેલે મિત્રો સાથે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી ફટાકડા ફોડ્યા હતા. આ ઉજવણીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયો હતો. વટવા પોલીસના કર્મચારી યુવરાજસિંહના વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામની લિંક સાથે આ વીડિયો આવ્યો હતો. લિંક ખોલતાં જ જાહેરમાં ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને આ હરકતની જાણ થતાં અજય બઘેલ સામે કાર્યવાહી કરીને તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ આખરે પોલીસની નજર સુધી પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
રિવરફ્રન્ટ પર જન્મદિવસની ઉજવણીમાં પોલીસનું બોર્ડ
સાબરમતી રિવરફ્રન્ટ પર જન્મદિવસની ઉજવણી દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા અને સ્કોર્પિયો કારમાં પોલીસ લખેલું બોર્ડ લગાવવાનો મામલો સામે આવ્યો છે. વીડિયો વાઈરલ થતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને કારના નંબરના આધારે તપાસ કરતાં બોપલ-ઘુમા રોડ પર રહેતા કિશન ભાલોડિયાનું નામ સામે આવ્યું હતું. પોલીસે કારમાં પોલીસનું બોર્ડ લગાવવા અને જાહેરમાં ફટાકડા ફોડવાના મામલે તેની સામે ગુનો નોંધ્યો છે. અહીં જન્મદિવસની ઉજવણીનો વીડિયો જ પોલીસ કાર્યવાહીનું કારણ બન્યો છે.
ADVERTISEMENT
બાઈક પર પાંચ સવારીઃ યુવકને થેલાની જેમ લટકાવ્યો
રિવરફ્રન્ટ પર બાઇક પર પાંચ યુવકો સવાર થઈને જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો પણ વાઈરલ થયો છે. બાઇક પર ચાર યુવકો બેઠા હતા, જ્યારે પાંચમા યુવકને બાજુમાં એવી રીતે લટકાવીને લઈ જવાતો હતો, જાણે થેલો પકડીને લઈ જતા હોય. બાઇકની પાછળની નંબર પ્લેટની જગ્યાએ ‘રામાધણી’ લખેલું હતું. તપાસ દરમિયાન બાઇક હાર્દિક વાઘેલા ચલાવતો હોવાનું અને તેની સાથે ત્રણ સગીર બેઠા હોવાનું સામે આવ્યું હતું, બાજુમાં લટકાવેલો યુવક જશવંત સોલંકી હતો. વીડિયો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી ઇન્કમટેક્સ બ્રિજ સુધીનો હોવાનું જાણવા મળ્યું હતું. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે હાર્દિક વાઘેલા અને જશવંત સોલંકી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
કોલેજ છૂટે ત્યારે થારથી સ્ટંટઃ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
ઉસ્માનપુરાની એશિયા પેસિફિક કોલેજ બહાર વિદ્યાર્થીઓની અવરજવર વચ્ચે થારચાલકે સર્પાકાર રીતે કાર હંકારી સ્ટંટ કર્યા હતા. કોલેજ છૂટવાના સમયે વિદ્યાર્થીઓ રસ્તા પર આવી રહ્યા હતા ત્યારે પુરઝડપે ઝિગઝેગ રીતે કાર ચલાવતાં લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. કારનો વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. જીજે 01 ડબ્લ્યુએ 7755 નંબરની થારના માલિકની ઓળખ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. સ્થાનિકોએ કારચાલકને રોકતાં તેણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. ત્યાર બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ કારચાલક દારૂના નશામાં હતો કે કેમ તેની પણ તપાસ કરશે. પશ્ચિમ વિસ્તારમાં એક મહિનામાં સ્ટંટનો આ ત્રીજો બનાવ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સગીરને એક્ટિવા આપવાનું માતાને ભારે પડ્યું
રામોલમાં ત્રણ સવારી સાથે એક્ટિવા પુરઝડપે અને સર્પાકાર રીતે ચલાવતા સગીરનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો હતો. પોલીસ તપાસમાં યુવક સગીર હોવાનું અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. તેની માતા કૌશલ્યા માજીરાણાએ તેને એક્ટિવા ચલાવવા આપ્યું હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે. આ કિસ્સામાં માત્ર સ્ટંટ કરનાર જ નહીં, પરંતુ સગીરને વાહન આપનાર વાલી સામે પણ કાર્યવાહી થઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાજકોટમાં પાંચમા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકીનું મોત, લાશ ફેંકાઈ હોવાની પોલીસને આશંકા
સોશિયલ મીડિયાનો શોખ પણ પોલીસની નજરથી બચવું મુશ્કેલ
અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખીને જોખમી સ્ટંટ અને જાહેરમાં ગેરવર્તન કરતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.
- શહેરના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સોશિયલ મીડિયા પર નજર રાખે છે.
- નાગરિકો પાસે આવા વીડિયો હોય તો તેઓ પોલીસને આપી શકે છે.
- વીડિયો અને ઉપલબ્ધ પુરાવાના આધારે પોલીસ વાહનના નંબર તથા અન્ય વિગતો તપાસે છે.
- જાહેરમાં ફટાકડા ફોડવા, જોખમી ડ્રાઇવિંગ અને સ્ટંટના કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરે છે.
- સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને રોલો પાડવાનો પ્રયાસ કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.