covid 19 lockdown rbi weekly data india foreign exchange reserves rise
ઇકોનોમી /
કોરોના સંકટ વચ્ચે પણ રેકોર્ડ સ્તરે દેશનું વિદેશી હૂંડિયામણ, આટલા અરબ ડૉલરનો થયો વધારો
Team VTV07:54 PM, 06 Jun 20
| Updated: 08:00 PM, 06 Jun 20
કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને લઇને સતત નેગેટિવ આંકડા આવી રહ્યા છે. આ માહોલમાં એક રાહતના સમાચાર મળ્યા છે. ભારતમાં વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ વધારો થયો છે. રિઝર્વ બેન્કના તાજા આંકડા બતાવે છે કે 29 મેએ પૂર્ણ સપ્તાહ સુધીમાં દેશનું વિદેશી હૂંડિયામણ 3.43 અરબ ડૉલર વધ્યું છે.
દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લૉકડાઉનને કારણે મંદીની ઝપેટમાં છે
આ વધારાની સાથે વિદેશી હૂંડિયામણ 493.48 અરબ ડૉલર (37 લાખ કરોડ રૂપિયા) ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. આરબીઆઇ સાપ્તાહિક આધારે વિદેશી હૂંડિયામણના આંકડા રજૂ કરે છે. દેશની અર્થવ્યવસ્થાની મજબૂતીનું ચિન્હ માનવામાં આવે છે.
આ કારણે છે મહત્વપૂર્ણ
આ વધારાનો અર્થ એવો થયો કે સરકારી ખજાનામાં વ્યાપારની લેણદેણ માટે વિદેશી હૂંડિયામણ ભંડારની અછત નથી. વિદેશી હૂંડિયામણ કોઇપણ દેશની કેન્દ્રીય બેન્ક દ્વારા રાખવામાં આવતી ધનરાશિ અથવા સંપત્તિ હોય છે જેથી જરૂર પડે ત્યારે તે પોતાની ચૂકવણીઓ કરી શકે. તેને એક અથવા એકથી વદારે મુદ્રાઓમાં રાખવામાં આવે છે. મોટાભાગે તેને ડૉલર અથવા યૂરોમાં રાખવામાં આવે છે.
કોરોના સંકટમાં પણ કેમ થયો વધારો
આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લૉકડાઉનને કારણે મંદીની ઝપેટમાં નજરે પડી રહી છે. પરંતુ સવાલ છે કે કોરોના સંકટ વચ્ચે પણ તેમા વધારો કેમ થયો છે. તેને સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે મે દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત લૉકડાઉનને કારણે ઇંધણની માંગમાં પણ ઘટાડો રહ્યો છે.
તેનો અર્થ એ થયો કે ક્રૂડ ઓઇલની સસ્તી અને ઓછી ખરીદી થઇ છે. આ કારણે સરકારને ઓછા ડૉલરમાં ચૂકવણી કરવી પડી છે. આમ ઓછા ડૉલરની ચૂકવણીને કારણે બચત થઇ છે અને વિદેશી હૂંડિયામણમાં વધારો થયો છે. વધારાનો આ સિલસિલો ગત કેટલાક સપ્તાહથી ચાલી રહ્યો હતો. જોકે આ વખતે વધારો રેકોર્ડ સ્તરે છે.