Corona virus Effect Poland airport gujarati Students sought help
કોરોના વાયરસ /
પોલેન્ડમાં ફસાયેલાં જામનગરના યુવાને VTVને કહ્યું, ‘મદદ કરો, અમારે કોઈ પણ રીતે ભારત આવવું છે’
Team VTV08:19 PM, 18 Mar 20
| Updated: 09:22 PM, 18 Mar 20
કોરોના વાયરસની મહામારીએ લોકોને હેરાન કરી નાંખ્યા છે. રોજ-બરોજ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે રડવું આવી જાય. આજે જ VTVની ટીમને એવા વ્યક્તિ સાથે સંપર્ક થયો જેનો ભાઈ પોલેન્ડમાં ભણવા ગયેલો અને ફસાયો છે. VTVએ તરત પોલેન્ડમાં ફસાયેલાં જામનગરના યુવાન સાથે વાત કરી તો એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં કેવલ વસરાએ કહ્યું અમારી મદદ કરો અમારે કોઈ પણ રીતે ભારત આવવું છે.
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ ફસાયા
પોલેન્ડમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીઓએ મદદની ગુહાર લગાવી
અમારી મદદ કરો અમારે ભારત આવવું છેઃ વિદ્યાર્થીઓ
જામનગરના યુવાન કેવલ વસરાએ VTV સાથે વાત કરતાં જણાવ્યું કે, અમે ઓપેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીએ છીએ. પોલેન્ડ સરકારની ગાઈડલાઈન બાદ યુનિવર્સિટીએ લોકડાઉન કર્યું છે અને અમે ભારત આવવા નીકળ્યા. LOT અર્થાત્ પોલેન્ડ એર લાઈન્સની ટિકિટો લીધી પણ એરલાઈન્સ લઈ જવા તૈયાર નથી તેઓ બહાનું બતાવે છે કે ભારત સરકારે ના પાડી છે.
અમે ત્રણ દિવસથી ઓપેલ છોડી વોર્સો (પોલેન્ડના કેપિટલ)માં આવી ગયા છે. અહીં વોર્સો એરપોર્ટ પર ત્રણ દિવસથી ભુખ્યા બેઠા છીએ. એરલાઈન્સ લઈ જવા તૈયાર નથી. રૂપિયા 17હજારમાં મળતી ટિકિટ અત્યારે 80 હજારમાં મળી રહી છે. અમે 23 ગુજરાતી વિદ્યાર્થીઓ અહીં ફસાયા છીએ. એમ્બેસી અને ભારત વિદેશ મંત્રાલય સંપર્કમાં છે પણ કોઈ સોલ્યુશન આવી રહ્યું નથી. અમે PM, વિદેશમંત્રી બધાને ટેગ કરી મદદ માંગી છે પરંતુ હજુ સુધી કોઈ પણ મદદે આવ્યું નથી.
અમે 23 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયાં છીએ જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, બરોડાના વિદ્યાર્થીઓ છે. અમે 2 વર્ષ પહેલાં એન્જિનિયરીંગ કરવા અહીંયા આવ્યા હતા. ભારતીય એમ્બસીને કેટલી બધી વખત વિનંતી કરી કે અમારે ભારત જવું છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી મળી રહ્યો. અમારી VTVને વિનંતી છે કે અમારી વાત સરકાર સુધી પહોંચાડે જેથી ઝડપથી ભારત આવી શકીએ.