Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ધર્મ / વેદજ્ઞ નારદનો ધર્મરાજને રાજ્યશાસ્ત્રનો બોધ

વેદજ્ઞ નારદનો ધર્મરાજને રાજ્યશાસ્ત્રનો બોધ

આદર્શ રાજ્યવ્યવસ્થા ચલાવવા માટે મહાભારતમાં યુધિષ્ઠિરે નારદને ઉપદેશેલો રાજધર્મ અત્યારે પણ એટલો જ પ્રાસંગિક છે. વેદોના પારગામી ઋષિ નારદના મુખેથી નીકળતો આખો ઉપદેશ પ્રશ્ન સ્વરૂપે છે. ઉપદેશ ઘણો લાંબો છે પણ તેને વિગતે વાંચવા જેવો છે અને વારંવાર મમળાવવા જેવો છે. 

સમાજ જીવન જીવતા લોકો હોય કે રાજ જીવન જીવતા લોકો, દરેક માટે આ ઉપદેશ એટલો જ મહત્ત્વનો છે. અત્યારના રાજનેતાઓ પોતાનું પ્રજા પ્રત્યેનું દાયિત્વ ચૂકે છે અને પોતાનાં ઘર ભરવામાં પડ્યા છે ત્યારે તેમને અંદાજ નથી કે તેમના માટે મૃત્યુ બાદ કેવડો મોટો દંડ રાહ જોઈને બેઠો છે. રાજનેતાઓ મોટા પદ ઉપર આસનસ્થ હોય ત્યારે તેમની ભૂલો માટે દંડ પણ ઘણા મોટા છે અને તેઓ જો નીતિમત્તાપૂર્વક જીવનયાપન કરે તો તેમના માટે શિરપાવ પણ ઘણા મોટા છે. આ વાતને ધ્યાનમાં રાખીને આવો જોઈએ, “મહાભારત”ના “સભા પર્વ”માં “લોકપાલ સમાખ્યાનપર્વ”માં નારદે યુધિષ્ઠિરને ઉપદેશેલો રાજધર્મ. 

નારદ કહે છે, “તમારું ધન યોગ્ય રીતે ખર્ચાય છે ને? તમારું મન ધર્મમાં રત રહે છે ને? તમને સુખ અનુભવવા મળે છે કે? મનહાનિ તો નથી કરતું ને? હે નરદેવ, તમારા પૂર્વજ પિતામહોએ ઉત્તમ-મધ્યમ અને અધમ એ ત્રણ જાતની પ્રજાઓ વિશે જે ધર્મ અને અર્થપૂર્વકની ઉત્તમ વૃત્તિ આચરી હતી તેનું તમે અનુસરણ કરો છો ને? અર્થથી ધર્મને અને ધર્મથી અર્થને અથવા સુખાભાસી કામથી ધર્મ અને અર્થ એ બંનેને તમે બાધા નથી કરતા ને? હે વિજયવંતોમાં શ્રેષ્ઠ, હે વરદાયી, ધર્મ અને કામનો કાલ જાણનારા તમે બરાબર કાલવ્યવસ્થાથી સેવો છો ને? હે નિષ્પાપ, તમે વકતૃત્વ આદિ છ રાજગુણો (વકતૃત્વ, પ્રાગલ્ભ્ય, મેધાવીપણું, સ્મરણશક્તિ, કવિત્વ અને નયવેત્તાપણું)થી સામ, દાન આદિ સાત ઉપાયોની, ત્રણ પ્રકારની બળાબળની તેમજ દેશ આદિ ચૌદ વસ્તુઓની પરીક્ષા કરો છો ખરા ને? 

હે જયશીલ, તમે પોતાની અને શત્રુઓની શક્તિ જોઈને કાર્ય કરો છો ને? હે ભારતશ્રેષ્ઠ, તમે બરાબર સંધિ રાખીને ખેતી આદિ આઠ કર્મો (ખેતી, વ્યાપાર, કિલ્લા, રસ્તા, રત્ન-સોનાની ખાણ ખોદાવવી, કર લેવો અને પડતર ભૂમિમાં ગામ વસાવવા) સેવો છો ને? હે ભરતોત્તમ, તમારી સાત પ્રકૃતિઓ (કિલ્લાઓના અધ્યક્ષ, સેનાધ્યક્ષ, સેનાપતિ, ધર્માધ્યક્ષ, પુરોહિત, વૈદ્ય અને જોશી) લોપ તો નથી પામી ને? અથવા ધનાઢ્ય થઈને તે વ્યસની તો નથી થઈ ને? તે બધી રીતે તમારા કાર્યમાં પ્રીતિરત રહે છે ને? તમને જેમના વિશે શંકા નથી છતાં જેઓ બનાવટી દૂત છે તેમના તરફથી તેમજ તમારા મંત્રીઓ તરફથી તમારી મંત્રણાઓ બહાર તો નથી પડી જતી ને? તમે મિત્રો, ઉદાસીનો અને શત્રુઓ શું કરવા ઇચ્છે છે તે જાણો છો ને? તમે યોગ્ય વખતે સંધિ અને વિગ્રહ કરો છો ને? હે વીર, તમે તમારા જેવા શુદ્ધ, કાર્યાકાર્યમાં શક્તિવાળા, કુલીન અને તમારામાં પ્રીતિવાળા એવાઓને મંત્રીઓ કર્યા છે કે? હે ભારત, મંત્રી જ રાજાના વિજયની ચાવી છે. હે તાત, મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા અને શાસ્ત્રમાં વિશારદ એવા અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા તો નથી ને? તમે નિદ્રાને આધીન ન રહેતાં પાછલી રાત્રે જાગૃત થાઓ છો કે? હે અર્થવેત્તા, પાછલી રાતે તમે યોગ્ય-અયોગ્યનું ચિંતન કરો છો કે? તમે એકલા તો મંત્રણા નથી કરતા ને? તેમ તમે ઘણા મનુષ્ય સાથે મસલત નથી કરતા ને? તમે નિર્ધારેલી વાત રાજ્યમાં પ્રસરી તો નથી જતી ને? 

નારદના પ્રશ્ન સ્વરૂપના આ ઉપદેશમાં રાજ્યનાં લગભગ તમામ ક્ષેત્રને આવરી લેવામાં આવ્યાં છે. આજના રાજનેતાઓએ રાજકારભાર કેવી રીતે ચલાવવો તેના માર્ગદર્શન માટે નારદના ઉપદેશને મઢાવીને ઓફિસની ખીંટીએ ટાંગી રાખવા જેવો છે. કૃષિ વિશે અને અન્ય ક્ષેત્ર વિશે નારદ શું કહે છે તે આગામી અંકમાં જોઈશું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ