ટ્રેન્ડ /
ડિજિટલ પ્લેટફોર્મ પર બિગ સ્ટાર્સની એન્ટ્રી, જુઓ કોણ-કોણ આવ્યું મેદાનમાં
Team VTV11:02 PM, 09 Jan 20
| Updated: 11:04 PM, 09 Jan 20
બોલિવૂડ માટે ૨૦૨૦ મહત્ત્વનું બની રહેશે, કારણ કે આ વર્ષે ઘણી એવી ફિલ્મો રજૂ થવાની છે, જેની રાહ દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે, પરંતુ આપણે વાત કરવી છે, ડિજિટલ પ્લેટફોર્મની. મોટા પરદે પોતાના અભિનયનો જાદુ પાથરી હવે બિગ સ્ટાર્સની નજર ડિજિટલ વે પર છે. આ વર્ષ બોલિવૂડ સાથે ડિજિટલ પ્લેટફોર્મ માટે પણ ઘણુ મહત્ત્વનું બની રહેશે.
વર્ષ ૨૦૨૦ ફિલ્મોની સાથે-સાથે ડિજિટલ પ્લેટફોર્મ માટે પણ ખાસ બની રહેશે. આ વર્ષે બંને માધ્યમો પર ઘણા મોટા પ્રોજેક્ટ દર્શકો નિહાળી શકશે. ઇન્ટરનેટ પર તો તેની એડ પણ શરૃ થઈ ચૂકી છે. નેટફ્લિક્સ પર વેબ સિરીઝ ઘોસ્ટ સ્ટોરીઝ સાથે જાહ્નવી કપૂર ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. સાથે જ બોલિવૂડના ઘણા મોટાં નામ પણ છે. જેમાં કરણ જોહર, જોયા અખ્ત્તર, દિબાકર બેનર્જી અને અનુરાગ કશ્યપ છે. આ સિરીઝમાં દરેક નિર્દેશક એક-એક સ્ટોરીનું ડાયરેક્શન કરશે. જાહ્નવી ઉપરાંત આ સિરીઝમાં મૃણાલ ઠાકુર, સુરેખા સીકરી, શોભિતા ધૂલિપાલા જેવા કલાકારો મહત્ત્વનો અભિનય કરી રહ્યાં છે. આ સિરીઝ માટે દર્શકો પણ ઉત્સુક છે. આ ઉપરાંત આ વર્ષે મહત્ત્વની વેબ સિરીઝ દર્શકો માટે આવી રહી છે.
ત્રિભંગા સાથે સિંઘમની એન્ટ્રી
બોલિવૂડનો બબ્બર શેર અને સિંઘમ સિરીઝનો સુપરસ્ટાર અજય દેવગણ ડિજિટલ સ્પેસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ત્રિભંગા નામની વેબ સિરીઝને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય અજયે લીધો છે. મહત્ત્વની વાત એ છે કે આ સિરીઝથી બોલિવૂડમાં પોતાના અભિનયના આધારે સ્પેશિયલ જગ્યા બનાવનાર કાજોલ પણ પદાર્પણ કરી રહી છે. પત્નીના ડિજિટલ ડેબ્યુથી અજય ઘણો ખુશ છે. સિરીઝના ડાયરેક્ટર તરીકે સલ્લુમિયાની ભાભી બનીને ઘર-ઘરમાં પોતાની ખાસ સ્પેસ ઊભી કરનારી રેણુકા શહાણે એન્ટ્રી કરી રહી છે. એમ કહી શકાય કે બોલિવૂડના ત્રણ સ્ટાર્સ આ સિરીઝમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝ વર્ષના અંત સુધી રિલીઝ થશે.
બાર્ડ ઓફ બ્લડ-ટુમાં કિંગ ખાન યથાવત્
કિસિંગમેનનું બિરુદ મેળવી બોલિવૂડમાં પોતાનો અડ્ડો જમાવનાર ઇમરાન હાશ્મીએ ડિજિટલ ક્ષેત્રે પણ પોતાનું શાસન જમાવી લીધું છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે, બાર્ડ ઓફ બ્લડની પ્રથમ સિરીઝ. બિલાલ સિદ્દિકીના પુસ્તક બાર્ડ ઓફ બ્લડ પરથી બનેલી આ જાસૂસી થ્રિલર સિરીઝને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. હવે બીજી સિરીઝ રજૂ થવા જઈ રહી છે. બાર્ડ ઓફ બ્લડ સિરીઝ દ્વારા શાહરુખ ખાને પ્રોડ્યુસર તરીકે ડિજિટલ પ્લેટફોર્મમાં એન્ટ્રી કરી હતી. આ વર્ષે પણ તે યથાવત્ છે. આશા રાખીએ કે દર્શકો આ સિરીઝનો સેક્ન્ડ પાર્ટનો પણ સ્વીકાર કરશે.
ધ ફેમિલી મેન-ટુ
જાણીતો અભિનેતા મનોજ બાજપેઈની ધ ફેમિલી મેનની પ્રથમ સિઝન વિવાદોથી ઘેરાયેલી રહી. દર્શકોએ આ સિરીઝને ઘણી પસંદ કરી હતી. હવે તેની બીજી સિઝનની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આશા છે કે રાજ એન્ડ ડીકે વર્ષના અંત સુધીમાં સિરીઝને રિલીઝ કરશે.
જામતાડા હકીકત દર્શાવે છે
એટીએમ ફ્રોડ પર આધારિત જામતાડા સબકા નંબર આયેગા નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝ ઝારખંડના નાના શહેર જામતાડની રિયલ સ્ટોરી પર બનેલી છે. જેમાં કેટલાક યુવકો પૈસા માટે લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરે છે. સિરીઝમાં મુખ્ય કલાકાર તરીકે અમિત સિયાલ, દિબ્યેંદુ ભટ્ટાચાર્ય અને અક્ષ પરદસની છે.
બોબી દેઓલની ક્લાસ ઓફ ૮૩
શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીજના બેનર હેઠળ બની રહેલી ક્લાસ ઓફ ૮૩ અંડરવર્લ્ડ પર આધારિત છે. જેમાં બોબી દેઓલ લીડ રોલ કરી રહ્યો છે. સ્ટોરી એક નિરીક્ષકની આસપાસ ફરે છે, જે પ્રશિક્ષક પણ છે. જેના વિદ્યાર્થીઓ સન્માન, નૈતિક્તા અને દેશ ભક્તિની જટિલતાઓ સામે લડી રહ્યા છે. જેનું નિર્દેશન અતુલ સભરવાલ કરી રહ્યા છે. જે વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.
ફોરગોટન આર્મી
બોલિવૂડમાં ડાયરેક્ટર તરીકે ઘણી સફળ ફિલ્મો આપી ચૂકેલા કબીર ખાન હવે વેબ સિરીઝમાં ડોકિયું કરવા જઈ રહ્યા છે. ફોરગોટન આર્મી સિરીઝ દ્વારા કબીર ડિજિટલ વર્લ્ડમાં પણ બેસ્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. રિપબ્લિક ડેની આસપાસ દર્શકો આ સિરીઝ જોઈ શકશે.
મિર્જાપુર સિઝન-ટુ દર્શકોની આતુરતાનો અંત
એમેઝોન પ્રાઇમની પ્લેગશિપ વેબ સિરીઝ મિર્જાપુરની બીજી સિઝનની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા. ૨૦૧૮માં આવેલી પ્રથમ સિરીઝ ઘણી સફળ નીવડી હતી. હવે તેની બીજી સિઝન આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝોમાં સૌથી હિટ રહેલી આ સિઝનમાં પંકજ ત્રિપાઠી, અલી ફજલ, રસિકા દુગ્ગલ જેવા બિગ સ્ટાર્સ લીડ રોલ કરી રહ્યા હતા.
મુંભાઈની એન્ટ્રી
એક્તા કપૂરના પ્રોડકશન હાઉસમાં બની રહેલી સિરીઝ મુંભાઈની પણ રાહ જોવાઈ રહી છે. આ વર્ષે જ રજૂ થનારી મુંબઈ અને અંડરવર્લ્ડ પર બેસ્ડ આ સિરીઝમાં અંગદ બેદી અને સિકંદર ખેર જેવા અભિનેતા મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.
કરિશ્મા કપૂરનો કરિશ્મા વેબ સિરીઝમાં
મેન્ટલહૂડ સિરીઝથી કરિશ્મા કપૂર ડિજિટલ પ્લેટફોર્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. બોલિવૂડમાં હવે ઝાઝી સફળતા ન મળતા તેણે સ્પેસમાં નસીબ અજમાવાનું નક્કી કર્યું છે. તેની સાથે ડિનો મોરીઆ અને સંજય સૂરી પણ જોવા મળશે.
કોડ મી
આર્મી ઓફિસરના અભિનયમાં જેનિફર વિજેટને દર્શાવતી કોડ મી વેબ સિરીઝ જોવા મળશે. અલ્ટા બાલાજી અને જી-૫ પર રજૂ થનારી આ સિીરીઝમાં પ્રથમ વાર જેનિફર આર્મી ઓફિસરનો રોલ કરશે.
બ્રેથ સિઝન-ટુમાં અભિષેક
એમેઝોન પ્રાઇમ પર શરૃ થયેલી બ્રેથ સિઝન ઘણી સફળ રહી હતી. જેની પ્રથમ સિઝનમાં માધવને કામ કર્યું હતું. જ્યારે હવે સેકન્ડ સિઝનમાં બચ્ચન પરિવારનો સુપુત્ર અને બોલિવૂડમાં કલાકાર તરીકે લગભગ નિષ્ફળ નિવડેલો અભિષેક બચ્ચન જોવા મળશે. આ સિરીઝથી તે ડિજિટલમાં ડેબ્યુ કરી રહ્યો છે. આશા રાખીએ કે તેની આ સફર સફળ નિવડે.
પહેલાના સમયમાં કામ કરતા કલાકારોએ માત્ર અભિનય પાછળ જ પોતાનો સમય ખર્ચ કર્યો હતો. જેના કારણે ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના છેલ્લા દિવસો મુશ્કેલીમાં પસાર થયા હતા. કદાચ આ જ કારણસર આજના કલાકારો અભિનયની સાથે અન્ય બિઝનેસમાં પણ જોતરાય છે. તો ઘણાએ ટેલિવૂડ અને ડિજિટલ પ્લેટફોર્મનો પણ સહારો લીધો છે. ટૂંકમાં એમ કહી શકાય કે દર્શકો માટે મનોરંજનના માધ્યમ વધી રહ્યાં છે. સાથે જ પોતાના પસંદીદા કલાકારોને નાના પ્લેટફોર્મ પર જોવાની ઇચ્છા પણ પુરી થઈ રહી છે.