બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ ગ્રામ્યમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરતી માફિયા ટોળકીઓ બેફામ બની , ગ્રામજનોમાં રોષ
Last Updated: 10:02 AM, 15 July 2026
અમદાવાદ ગ્રામ્યના બાવળા વિસ્તારમાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. મેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી માફિયા ટોળકીઓ બેફામ બની હોવાની ચર્ચા વચ્ચે હવે મીઠાપુર ગામ નજીક બગોદરા-લીંબડી હાઇવે પર મોટી સંખ્યામાં એક્સપાયરી ડેટની દવાઓનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. રસ્તાની બાજુમાં બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવેલી આ દવાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, બગોદરા-લીંબડી હાઇવે પર આવેલા મીઠાપુર ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા શખ્સોએ મોટી માત્રામાં એક્સપાયરી ડેટની દવાઓ ફેંકી દીધી હતી. રસ્તા પરથી પસાર થતા લોકોની નજર આ દવાઓ પર પડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
જાહેર જગ્યાએ આ રીતે દવાઓનો જથ્થો ફેંકી દેવામાં આવતા લોકોમાં ચિંતા વધી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ દવાઓ કોઈ બાળક, પશુ અથવા પક્ષીના હાથમાં આવી જાય અથવા તેઓ ભૂલથી તેનું સેવન કરી લે તો ગંભીર પરિણામ આવી શકે છે. આવી સ્થિતિમાં કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની બેદરકારીનો આ પહેલો બનાવ નથી. અગાઉ પણ મેડિકલ વેસ્ટ અને એક્સપાયરી દવાઓના ગેરકાયદે નિકાલના બનાવો સામે આવી ચૂક્યા છે. તેમ છતાં આવા કિસ્સાઓ અટકતા ન હોવાથી લોકોમાં તંત્ર સામે પણ નારાજગી જોવા મળી રહી છે. ઘટનાને પગલે મીઠાપુર અને આસપાસના ગામોના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દવાઓ અહીં ફેંકનાર વ્યક્તિઓ અથવા સંસ્થા સુધી પહોંચી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT
સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી બેદરકારી માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો બની શકે છે. ખાસ કરીને ખુલ્લામાં પડેલી દવાઓ બાળકોને આકર્ષી શકે છે અથવા પશુઓ તેને ખાઈ જાય તો ગંભીર નુકસાન થઈ શકે છે. ગ્રામજન મુકેશભાઈ ગોહિલએ જણાવ્યું કે, "બગોદરા હાઇવે પર આ દવાઓનો જથ્થો ફેંકવામાં આવ્યો છે. જો આ દવાઓ કોઈ બાળક કે પ્રાણી ખાઈ જાય તો તેનો જવાબદાર કોણ રહેશે? અમારી સરકારને વિનંતી છે કે જેણે આ દવાઓ અહીં નાખી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે."
ADVERTISEMENT
ગ્રામજનોની માંગ છે કે તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લે, સ્થળ પરથી દવાઓનો જથ્થો તાત્કાલિક દૂર કરાવે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારોને કાયદાના કટઘરામાં ઉભા કરે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે મેડિકલ વેસ્ટના નિકાલ પર કડક દેખરેખ રાખવાની પણ લોકો માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.