બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 9 વર્ષની કનિકાનો કમાલ, 350 ક્યુબ્સ... 4 દિવસની મહેનત...અને સામે આવી ભગવાન જગન્નાથની અદ્ભુત પ્રતિમા
5 ફોટો ગેલેરી
Last Updated: 09:21 AM, 15 July 2026
1/5
ઘરમાં પડેલા રંગબેરંગી રુબિક્સ ક્યુબ્સથી કોઈ બાળક રમે એ સામાન્ય વાત છે, પરંતુ એ જ ક્યુબ્સથી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની ભવ્ય પ્રતિમા તૈયાર કરવી અસાધારણ વાત છે. ગુજરાતની 9 વર્ષની કનિકા એ જ કરી બતાવ્યું છે. 350 રુબિક્સ ક્યુબ્સને એક પછી એક ગોઠવી તેણે એવી સુંદર મોઝેક આર્ટ બનાવી છે કે જેને જોઈને લોકો તેની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. આ પ્રતિમા તૈયાર કરવા માટે કનિકાએ સતત 3થી 4 દિવસ સુધી મહેનત કરી હતી. રોજ કલાકો સુધી ક્યુબ્સને ગોઠવ્યા, રંગોની સાચી ગોઠવણી કરી અને આખરે લગભગ 10થી 12 કલાકની મહેનત બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની આકર્ષક પ્રતિમા તૈયાર થઈ
2/5
કનિકાની આ સિદ્ધિ પાછળ ઘણા વર્ષોની મહેનત કરે છે. તેણે માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે રુબિક્સ ક્યુબ્સ સોલ્વ કરવાનું શરૂ કર્યું હતું. એટલી નાની ઉંમરે આ કળા શીખનાર તે ભારતની સૌથી નાની યંગેસ્ટ ક્યુબર તરીકે જાણીતી બની હતી. આ સિદ્ધિ બદલ તેને ખાસ એવોર્ડ પણ મળ્યો હતો. માત્ર 4 વર્ષની ઉંમરે જ કનિકાએ રુબિક્સ ક્યુબ્સ અને સ્કેટિંગ બંનેમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તે સમયે તેણે અનેક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. ત્યારબાદ તેણે સતત અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા એવોર્ડ્સ અને મેડલ્સ જીત્યા છે.
3/5
રુબિક્સ ક્યુબ મોઝેક આર્ટ એક અલગ પ્રકારની કળા છે. તેમાં 100, 200, 300 કે હજારો રુબિક્સ ક્યુબ્સને ચોક્કસ રીતે ગોઠવીને એક મોટી તસવીર તૈયાર કરવામાં આવે છે. દરેક ક્યુબના રંગોનું આયોજન પહેલેથી કરવું પડે છે. એક પણ ક્યુબ ખોટી જગ્યાએ ગોઠવાય તો આખી તસવીર બગડી શકે છે. આ માટે માત્ર ઝડપથી ક્યુબ સોલ્વ કરવાની આવડત પૂરતી નથી. ધીરજ, એકાગ્રતા, આયોજન અને રંગોની સારી સમજ પણ જરૂરી હોય છે.
4/5
આ વખતે કનિકાએ 350 રુબિક્સ ક્યુબ્સનો ઉપયોગ કરીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમા બનાવી છે. દરેક ક્યુબને અલગ રીતે સોલ્વ કરીને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે. દૂરથી જોતા આ કૃતિ એક સુંદર ચિત્ર જેવી લાગે છે, જ્યારે નજીકથી જોતા સમજાય છે કે આખી પ્રતિમા નાના-નાના રુબિક્સ ક્યુબ્સથી તૈયાર કરવામાં આવી છે. રથયાત્રાના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ કૃતિમાં ભક્તિ અને કળાનો સુંદર સમન્વય જોવા મળે છે.
5/5
રુબિક્સ ક્યુબ્સ ઉપરાંત કનિકા અન્ય ક્ષેત્રોમાં પણ આગળ છે. તે અનેક ફેશન મોડેલિંગ શોમાં વિજેતા રહી ચૂકી છે. અભ્યાસની સાથે પોતાની વિવિધ પ્રતિભાઓને સતત વિકસાવતી કનિકા આજે ઘણા બાળકો માટે પ્રેરણા બની છે. 350 રુબિક્સ ક્યુબ્સથી તૈયાર કરેલી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની આ ભવ્ય પ્રતિમા માત્ર એક આર્ટ નથી, પરંતુ મહેનત, ધીરજ અને સર્જનાત્મકતાનું જીવંત ઉદાહરણ છે. કનિકાની આ કૃતિ આજે સોશિયલ મીડિયા પર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તેની પ્રતિભા જોઈને દરેકના મોઢેથી એક જ શબ્દ નીકળે છે – "વાહ!"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ