ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં ફરી ભભૂકી હિંસાની આગ: શેખ હસીનાની વાપસીની જાહેરાત વચ્ચે પોલીસ મથકો સળગાવ્યા, 565 લોકોની ધરપકડ
Last Updated: 08:54 PM, 19 November 2026
ADVERTISEMENT
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રતિબંધિત રાજકીય પક્ષ અવામી લીગે પોતાની શક્તિનું ઉગ્ર પ્રદર્શન કર્યું છે. બુધવારથી લઈને ગુરુવાર સુધી સમગ્ર બાંગ્લાદેશમાં વ્યાપક સ્તરે હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન પોલીસ મથકોને આગ ચાંપવામાં આવી, ઠેર-ઠેર બોમ્બ વિસ્ફોટો કરવામાં આવ્યા અને હત્યાની ઘટનાઓ પણ બની. વર્તમાન સરકારે આ સમગ્ર હિંસા પાછળ અવામી લીગનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ હિંસા એવા સમયે ભભૂકી ઉઠી છે જ્યારે શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સ્વદેશ વાપસીનો સમય નજીક આવતા જ પડોશી દેશમાં પરિસ્થિતિ અત્યંત વણસી ગઈ છે. પ્રતિબંધિત થઈ ચૂકેલા શેખ હસીનાના પક્ષે પ્રથમ વખત સમગ્ર બાંગ્લાદેશમાં પોતાના જોરે બંધનું એલાન આપ્યું હતું. 19 નવેમ્બરના રોજ બાંગ્લાદેશના મોટાભાગના વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. વર્તમાન સરકારે હિંસાને કાબૂમાં લેવા માટે 7 સંવેદનશીલ જિલ્લાઓમાં 3,000 સુરક્ષા જવાનોને તૈનાત કર્યા હતા, તેમ છતાં અનેક સ્થળોએ હિંસક ઘટનાઓ બની હતી.
ADVERTISEMENT
ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઢાકા, ચટગાંવ, નારાયણગંજ, ગાઝીપુર, ગોપાલગંજ, મયમનસિંહ અને ફરીદપુર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા પોલીસની મદદ માટે સરહદી સુરક્ષા દળની 96 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાં આશરે 3,000 જવાનો સામેલ છે. સરહદી સુરક્ષા દળના અધિકારીઓએ માહિતી આપી હતી કે ગોપાલગંજ જિલ્લામાં 27 ટુકડીઓ, રાજધાની ઢાકામાં 23 અને ચટગાંવમાં 15 ટુકડીઓ ગોઠવવામાં આવી છે. આ જવાનો જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય કાયદા અમલીકરણ સંસ્થાઓ સાથે સંકલન સાધીને કામગીરી કરી રહ્યા છે.

ADVERTISEMENT
નાગરિક ઉડ્ડયન સત્તામંડળે જણાવ્યું છે કે દેશના અલગ-અલગ ભાગોમાં તોડફોડ, આગચંપી અને દેશી બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બન્યા બાદ તમામ હવાઈ મથકો પર સઘન સુરક્ષા અને ઉચ્ચ સાવચેતી રાખવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાશિયાનીમાં ગોપાલગંજ-1 મતવિસ્તારના સંસદસભ્ય સેલિમુઝ્ઝમાન મોલ્લાના નિવાસસ્થાન તેમજ તેમના સગાસંબંધીઓ અને સમર્થકોના અનેક ઘરોમાં આગ ચાંપવામાં આવી હતી. શેખ હસીનાના સમર્થકો, જેમાં હવે પ્રતિબંધિત અવામી લીગ અને જુબો લીગના સભ્યો તેમજ પ્રતિબંધિત છાત્ર લીગના નેતાઓ અને કાર્યકરો સામેલ છે, તેમણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોતાની પાસે સ્થાનિક હથિયારો રાખ્યા હતા. મળતી વિગતો અનુસાર અનેક કાર્યકરો જાહેરમાં હથિયારો લહેરાવી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, હસીનાના જન્મસ્થળ તુંગીપાડામાં એક પોલીસ મથકને આગ લગાવ્યાના બે દિવસ બાદ તેમણે ગોપાલગંજમાં પણ એક પોલીસ મથકને આગને હવાલે કરી દીધું હતું. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, જ્યારે કાર્યકરોએ ગોપાલગંજના કાશિયાની પોલીસ મથકમાં આગ લગાવી ત્યારે ત્યાં કોઈ પોલીસકર્મી હાજર નહોતું. અગ્નિશામક દળના અધિકારી શિપલુ અહેમદે જણાવ્યું કે આ વિસ્તારમાં ઉભેલા 10 વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
છેલ્લા બે દિવસમાં શાસક પક્ષના અન્ય બે સંસદસભ્યોના ઘરો પર પણ હુમલા થયા છે, જેના કારણે ગોપાલગંજ સૌથી અશાંત જિલ્લો બની ગયો છે. ગુરુવારે અહીં મોટાભાગની દુકાનો અને વેપાર-ધંધા બંધ રહ્યા હતા. બુધવારે રાત્રે પશ્ચિમી નરેલમાં થયેલી હિંસામાં શાસક પક્ષના બે સ્થાનિક નેતાઓના મોત થયા હતા, જ્યારે છેલ્લા બે દિવસમાં દક્ષિણ-પશ્ચિમી ફરીદપુર અને પિરોજપુરમાં પણ બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, ઢાકાના અગરગાંવ વિસ્તારમાં ગુરુવારે સવારે અજાણ્યા શખ્સોએ મેટ્રો રેલ મથકની નીચે એક દેશી બોમ્બ ફોડ્યો હતો, જેનાથી ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.

ADVERTISEMENT
સ્થાનિક અહેવાલો અનુસાર, ઢાકાની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કાપડના કારખાનાઓના કામદારોએ પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ જ સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા બંધને કારણે રાજધાનીનો અનેક દક્ષિણ-પશ્ચિમી અને ઉત્તર-પૂર્વીય જિલ્લાઓ સાથેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પરિવહન સંચાલકોએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે મધ્ય નારાયણગંજ, ઉત્તરી મયમનસિંહ અને ઉત્તર-પશ્ચિમી રાજશાહીમાં અલગ-અલગ ઘટનાઓ દરમિયાન અજાણ્યા શખ્સોએ ઉભેલી પાંચ બસો અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. બાંગ્લાદેશની રાજધાનીમાં પરોઢ થતા પહેલા કાચા બોમ્બના ધડાકા સંભળાયા હતા, જ્યારે ચટગાંવમાં પૂર્વ વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ઢાકામાં અનેક બોમ્બ વિસ્ફોટો થયા હતા તેમજ આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનાઓમાં ઓછામાં ઓછા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, શાસક પક્ષ સાથે જોડાયેલા મનાતા વિરોધી કાર્યકરોએ રાત્રિ દરમિયાન ઢાકામાં અવામી લીગના બે નેતાઓના ઘરો પર હુમલો કરીને તેમાં આગ લગાવી દીધી હતી. નોંધનીય છે કે અવામી લીગે આ બંધનું એલાન એવા સમયે આપ્યું છે, જ્યારે ગયા વર્ષે એક વિશેષ ન્યાયાધિકરણના તે ચુકાદાની વરસી છે, જેમાં શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવીને તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
79 વર્ષીય શેખ હસીના 5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશ છોડીને ભાગી ગયા ત્યારથી ભારતમાં વસવાટ કરી રહ્યા છે. તે અગાઉ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા 'જુલાઈ વિદ્રોહ'ને કારણે તેમની સરકારનું પતન થયું હતું. બાંગ્લાદેશ સરકાર ભારત પાસેથી તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે, ત્યારે હસીનાએ ડિસેમ્બર 2026માં કોઈપણ ભોગે બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બંધના એલાન પહેલા જ ઢાકામાં પોલીસે 24 કલાક ચાલેલા વિશેષ અભિયાનમાં 565 લોકોની ધરપકડ કરી હતી. જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી નૂરુલ ઈસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે, જેમની બુધવારે રાત્રે ઢાકા સ્થિત તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી.
વધુ વાંચો : જિનપિંગ, ટ્રમ્પ અને પુતિન વચ્ચે ઐતિહાસિક બેઠક, કયા મુદ્દે થઈ વાત?
બીજી તરફ, વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગની વાપસી"ને રોકવા માટે "લોકશાહી શક્તિઓ"ને એકજૂથ થવાનું આહ્વાન કર્યું છે. તેમણે અવામી લીગને એક આતંકવાદી સંગઠન" અને "પડી ભાંગેલી, પરાજિત તથા સત્તા પરથી હાંકી કઢાયેલી સરમુખત્યારશાહી શક્તિ" ગણાવી હતી. મંગળવારે રાત્રે સંસદમાં આપેલા એક સંબોધનમાં રહેમાને કહ્યું હતું કે, ચાલો, આપણે વર્ષ 2024ની તે જ ભાવના સાથે ફરી એકવાર એકજૂથ થઈએ, જ્યારે આપણે આપખુદ શક્તિઓને દેશની બહાર ખદેડી મૂકી હતી. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તે શક્તિઓને નિર્ણાયક રીતે પરાજિત કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો