Ayodhya Ram Temple Bhumi Pujan America Hindus PM Modi
શિકાગો /
રામમંદિર ભૂમિપૂજનઃ અમેરિકામાં વસતા હિન્દુઓએ કહ્યું- 550 વર્ષ બાદ શ્રી રામને તેમનુ સાચુ સ્થાન મળ્યુ
Team VTV03:59 PM, 06 Aug 20
| Updated: 04:37 PM, 06 Aug 20
જય શ્રી રામ...ના નારા સાથે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓ હાલ ગર્વની લાગણી અનુભવે છે. અમેરિકામાં વસતા હિન્દુઓની વાત કરીએ તો, તેઓ આ ક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવીને રામ મંદિરનુ ભૂમીપૂજનના દર્શન કરવા માટે અહીં રાત હોવા છતાં પણ મોડા સુધી જાગ્યા હતા.
અયોધ્યા રામમંદિરનું ભૂમિપૂજન
PM મોદીએ કર્યું ભૂમિપૂજન
અમેરિકામાં વસતા હિન્દુઓ ગણાવી ઐતિહાસિક ક્ષણ
અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર બનાવવા માટેનું ભુમીપુજન કરતા જ, અહીં અમેરિકામાં હિન્દુઓ આ ક્ષણને ગર્વથી વધાવી લીધી છે. અહીં વસતા હિન્દુઓના મતે 550 વર્ષ બાદ હિન્દુ સનાતન ધર્મની ફરીથી સ્થાપના થઇ હોવાનુ જણાવ્યું હતું. એટલુ જ નહીં અહીં વસતા હિન્દુઓએ પોતાના ઘરે દિવા કરીને આ ક્ષણને વધાવી લીધી હતી. આજ મુદ્દે અહીં વસતા કેટલાક હિન્દુઓ સાથે આ અંગે વાત કરતા તેઓએ પોતાની રીતે પ્રતિક્રિયા આપી હતી.
અમેરિકાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નિરવ પટેલે જણાવ્યુ હતુ કે, 550 વર્ષ બાદ શ્રી રામને તેમનુ સાચુ સ્થાન મળ્યુ છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે રામ મંદિર મુદ્દે કોઇ વિવાદ ન હતો, પરંતુ લાંબી સમજણ પ્રક્રિયા બાદ અંતે રામ મંદિરનું ભુમી પુજન થયુ છે, જે ગર્વની બાબત છે.
આ ઉપરાંત અહીં વસતા લેઉવા પાટીદાર સમાજના અગ્રણી કૌશિક પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ભારત દેશ 1300 વર્ષ જેટલો ગુલામીમાં રહ્યો હતો. જેમાં પહેલા મુઘલો અને ત્યારબાદ બ્રિટનની ગુલામી કરી હતી. જોકે, અંતે હવે હિન્દુ સનાતન ધર્મની સ્થાપના થઇ છે. દુનિયામાં 13 જેટલા દેશ હિન્દુ સંસ્કૃતિમાં માને છે પરંતુ, ભારતમાં તેની સાચી ઓળખ થાય છે. અયોધ્યામાં જે રીતે રામમંદિરનું નિર્માણ થઇ રહ્યુ છે, તે ગર્વની બાબત છે.
જ્યારે અહીં જલારામ મંદિરના અંગ્રણી રમેશ ઠક્કરે આ અંગે જણાવ્યુ હતુ કે, છેલ્લા 500 વર્ષથી હિન્દુઓએ રામમંદિર બનાવવા માટે જે લડાઇ ચલાવી હતી, તેની અંતે જીત થઇ છે. છેલ્લા કેટલાક સમયથી ભૂમીપુજન અંગેની તૈયારીઓ ચાલી રહી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરનુ ભૂમીપુજન કરતા વિશ્વભરમાં વસતા હિન્દુઓ ગર્વ અનુભવે છે.
શિકાગો ખાતે આવેલા ઉમિયા મંદિરના પુજારી આજે રામલલાની જગ્યા પર રામમંદિરના ભૂમી પુજનને લઇને ગર્વની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેઓએ જણાવ્યુ હતું, કે હજારો કાર સેવકોના બલિદાન બાદ જે ખરા અર્થમાં તેમને સાચી શ્રધ્ધાંજલી મળી છે. પુજારી કૃતાર્થ મહારાજે ઉપરાંત વધુમાં ઉમેર્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિર બને તે, હિન્દુ સંસ્કૃતી ટકાવી રાખવા માટે જરૂરી છે. કેમ કે, જો મંદિર હશે તો જ સંસ્કૃતિ ટકશે. ઉપરાંત તેમને એક કાવ્ય લખીને આ ક્ષણને વધાવી હતી.
જે રીતે અહીં અમેરિકામાં હિન્દુઓએ આજની આ ક્ષણને ઐતિહાસીક ગણી છે, તેવી જ રીતે દુનિયાભરમા વસતા હિન્દુઓ માટે આજે અયોધ્યામાં રામજન્મ ભુમી પર મંદિર બનવા માટેની રાખવામાં આવેલી આ નિવ એક ધાર્મિક પરિવર્તનની શરૂઆત હોવાનું ગર્વ લેતી આ ક્ષણ છે.
- Nirav Govani (Special Correspondent) from Chicago, USA