ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે અમદાવાદમાં અમિત શાહનો મેગા કાર્યક્રમ, ₹1,542 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સની ભેટ
Last Updated: 07:26 AM, 27 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં આજે એક પછી એક એવા મોટા રેલવે પ્રોજેક્ટ્સની ભેટ મળવાની છે, જેનાથી મુસાફરોની સુવિધા ઉપરાંત રેલવેની સુરક્ષા, ઝડપ અને માલવહન ક્ષમતામાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાબરમતી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ₹1,542 કરોડથી વધુની વિવિધ મહત્ત્વપૂર્ણ રેલ પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમની સૌથી ખાસ વાત એ છે કે રેલવે ક્ષેત્રને એકસાથે અનેક મોટી ભેટો મળવાની છે. તેમાં આધુનિક સ્વદેશી માનક કવચ પ્રણાલીથી લઈને ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ, દેશની પ્રથમ LNG ટ્રેન અને ₹700 કરોડના અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૌથી પહેલા રેલવે સુરક્ષાની વાત કરીએ તો અમદાવાદ મંડળમાં આશરે ₹411 કરોડના ખર્ચે કુલ 404 કિલોમીટર રેલખંડને સ્વદેશી માનક કવચ એટલે કે Standard Kavach પ્રણાલીથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક સ્વદેશી ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ થશે કે ટ્રેનો વચ્ચે આમને-સામને અથવા પાછળથી થતી ટક્કરના જોખમને સંપૂર્ણપણે ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાંત ટ્રેનો માટે નિર્ધારિત ગતિમર્યાદા જાળવવામાં પણ આ સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT
આ ઉપરાંત સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–સાણંદ–જખવાડા સેક્શનમાં ₹118.83 કરોડના ખર્ચે 122.57 કિલોમીટર વિસ્તારમાં સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ એટલે કે ABS પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. આ સિસ્ટમથી એક જ રેલમાર્ગ પર વધુ ટ્રેનોનું સુરક્ષિત અને વ્યવસ્થિત સંચાલન શક્ય બનશે. પરિણામે રેલવેની લાઇન ક્ષમતા વધશે અને ટ્રેનોના સમયપાલનમાં પણ સુધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં ભારતીય રેલવે માટેની એક ઐતિહાસિક પહેલ પણ જોવા મળશે. ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને કિફાયતી પરિવહનની દિશામાં આગળ વધીને ટ્રેનની ડ્રાઇવિંગ પાવર કાર એટલે કે DPCમાં LNG આધારિત ફ્યુઅલ સિસ્ટમ સફળતાપૂર્વક અપનાવી છે. આ દેશની પ્રથમ LNG ટ્રેન તરીકે મહત્વપૂર્ણ પહેલ છે. તેમાં ડીઝલના સ્થાને આશરે 40 ટકા સુધી LNGનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે અને રેલવેને વાર્ષિક લાખો રૂપિયાની બચત પણ થઈ શકે છે.
ADVERTISEMENT
સાબરમતી ખાતે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ₹700 કરોડના ખર્ચે અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ પણ વિકસાવવામાં આવ્યો છે. આ શેડમાં 300 અત્યાધુનિક WAG-12 HHP ઇલેક્ટ્રિક લોકોમોટિવના હોમિંગ અને જાળવણીની સુવિધા રહેશે. આ લોકોમોટિવ 12,000 HP ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટથી ભારે અને લાંબી માલગાડીઓના સંચાલનને પ્રોત્સાહન મળશે અને રેલવેની માલવહન ક્ષમતામાં પણ મોટો વધારો થશે. આ ઉપરાંત આશરે ₹313.27 કરોડના ખર્ચે 21 કિલોમીટર લાંબા સાબરમતી–સરખેજ રેલખંડના ડબલિંગનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રેલખંડ ડબલિંગથી આ રૂટ પર ટ્રેનોના સંચાલનની ક્ષમતા વધારવામાં મદદ મળશે.
ADVERTISEMENT
આજે અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે શેલા, અમદાવાદ ખાતે આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના 92મા જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 10:45 કલાકે સાબરમતી, અમદાવાદના લોકોમોટિવ શેડ ખાતે રેલવે લોકો એન્જિનની જાળવણી માટે શરૂ કરવામાં આવી રહેલા WAG-12 મેન્ટેનન્સ શેડનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
ત્યારબાદ સવારે 11:15 કલાકે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે સાબરમતી રેલવે સ્ટેશનના વિકાસકાર્યોનું લોકાર્પણ અને દેશની પ્રથમ LNG ટ્રેનનો શુભારંભ કરવામાં આવશે. આમ, આજે અમદાવાદમાં અમિત શાહની હાજરીમાં રેલવે ક્ષેત્રને એકસાથે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની ભેટ મળવાની છે, જેના કારણે સાબરમતી સહિત અમદાવાદના રેલવે માળખામાં આગામી સમયમાં વધુ આધુનિકતા અને ક્ષમતાનો વધારો જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.