ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / તો એટલે રાજકોટની મારવાડ યુનિ.ના વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત! ખુલાસો હચમચાવનારો
Last Updated: 03:38 PM, 26 September 2026
ADVERTISEMENT
રાજકોટની મારવાડી કૉલેજમાં વિદ્યાર્થીના આપઘાતના કેસમાં તપાસ દરમિયાન મહત્વની વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી લાંબા સમયથી પેટની ગંભીર બીમારીથી પરેશાન હોવાનું જાણવા મળ્યું છે. બીમારીના કારણે વિદ્યાર્થીની અગાઉ બે વખત સર્જરી પણ કરવામાં આવી હતી. પેટની તકલીફને કારણે તેને ભોજન લેવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિથી કંટાળીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે. જોકે, સમગ્ર ઘટનાને લઈને પોલીસે અન્ય સંભવિત કારણો અને દિશાઓમાં પણ તપાસ શરૂ કરી છે. ઘટના અંગે વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
આંધ્રપ્રદેશના વિદ્યાર્થીએ છલાંગ લગાવી આત્મહત્યા કરી
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક સપ્તાહમાં વિદ્યાર્થીના આપઘાતની બીજી ઘટના સામે આવી છે. 25 સપ્ટેમ્બરની સવારે મૂળ આંધ્રપ્રદેશના અને કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT
બેગ લીધા વિના યુનિવર્સિટીમાં આવ્યો, સીધો છઠ્ઠા માળે પહોંચ્યો
મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર નરેશ જાડેજાના જણાવ્યા મુજબ, હેમંત અભ્યાસમાં નિયમિત હતો અને તેના કોઈ બેકલોગ નહોતા. CCTVમાં જોવા મળ્યા મુજબ તે કોલેજ બેગ લીધા વિના યુનિવર્સિટીમાં આવ્યો હતો અને સીધો છઠ્ઠા માળે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે ત્યાંથી છલાંગ લગાવી હતી. યુનિવિટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, પ્રાથમિક રીતે શિક્ષણને લગતી કોઈ સમસ્યા હોવાની માહિતી મળી નથી. વિદ્યાર્થીના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
ADVERTISEMENT
ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી ઘરે હતો
યુનિવિટી પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, હેમંત 23 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી પોતાના ઘરે હતો. આ દરમિયાન તેની મોટી મેડિકલ સર્જરી થઈ હતી. 16 સપ્ટેમ્બરથી પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી તે રાજકોટ પરત આવ્યો હતો અને તેણે પરીક્ષાના તમામ પેપર આપ્યા હતા.
ADVERTISEMENT
ઘટનાના દિવસે સવારે તેણે પોતાના મિત્રને પોતે યુનિવર્સિટીમાં નહીં આવવાનું કહ્યું હોવાનું પણ યુનિવિટી પ્રશાસન દ્વારા જણાવાયું છે. રજિસ્ટ્રાર, અન્ય અધિકારી કે વોર્ડન સાથે કોઈ વિવાદ કે સમસ્યા હોવાની માહિતી હાલ સામે આવી નથી. તેના રૂમમેટ પોલીસની તપાસમાં સહકાર આપી રહ્યા છે.
એક સપ્તાહમાં બીજી ઘટના
ADVERTISEMENT
આ પહેલાં 19 સપ્ટેમ્બર, 2026ના રોજ મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી મૂળ આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થિનીએ છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે યુનિવર્સિટીમાં વિરોધ થયો હતો. વિદ્યાર્થિનીના બનાવ બાદ રજૂઆત કરવા પહોંચેલા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના પણ બની હતી.
ABVPનો આક્ષેપ: 'વિદ્યાર્થીનું રેગિંગ થયું હોવાનું જાણવા મળ્યું'
ADVERTISEMENT
ABVPના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ આ ઘટનાને લઈને યુનિવર્સિટી પ્રશાસન સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉની વિદ્યાર્થિનીના આપઘાત બાદ ABVP દ્વારા યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને આવી ઘટના ફરી ન બને તેવી ખાતરી આપવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, હેમંતનું રેગિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, રેગિંગના આક્ષેપની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.
સાઉથના વિદ્યાર્થીઓમાં રોષની ચર્ચા
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, એક સપ્તાહમાં યુનિવર્સિટીમાં આપઘાતની બે ઘટનાઓ સામે આવી છે અને બંને બનાવમાં ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમના જણાવ્યા પ્રમાણે, આજની ઘટનાને પગલે સાઉથના વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા પર યુનિવર્સિટી અંગે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ અને ટ્રેન્ડની સ્વતંત્ર પુષ્ટિ હાલ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચોઃ પાટણમાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઈકસવારને એવો ઉડાવ્યો, કે ઘટનાસ્થળે જ નિપજ્યું મોત
તપાસ બાદ કારણ સ્પષ્ટ થશે
હેમંતના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને વિદ્યાર્થીના પરિવારજનો, મિત્રો તથા રૂમમેટ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આપઘાત પાછળનું કારણ અને રેગિંગ સહિતના આક્ષેપોની હકીકત સ્પષ્ટ થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.