કાઉન્ટર ઉપર એક પણ ચીક્કીનું પેકેટ ન હોવાને કારણે ભક્તોમાં રોષ
કરોડો લોકોના આસ્થાના પ્રતિક સમાન યાત્રાધામ અંબાજી ખાતે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે જેને આજે ચાર દિવસ થયા છે. ત્યારબાદ ભક્તો અને સંગઠનોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો હતો. આ સમગ્ર મામલો દેશભરમાં ગાજી રહ્યો છે. જેનો હજુ સુધી અંત ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ સાથે ભક્તો અડગ રહ્યા છે. આ વકરતા વિવાદ વચ્ચે અંબાજી મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રસાદ માટે ભક્તોની લાંબી લાઈનો લાગી
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હોળી, ધુળેટી પર્વને લઈને માઇભક્તોની ભારે ભીડ જામી રહી છે. મંદિર પરિસરમાં યાત્રાળુઓનો સાગર ઉમટ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે મંદિરમાં ચીક્કીનો પ્રસાદ ખૂટી પડતા અવ્યસ્થા સર્જાઈ હતી. બીજી તરફ મંદિર પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. તાજેતરમાં જ ચીક્કીનો પ્રસાદ શરૂ કરાયા બાદ આજે કાઉન્ટર ઉપર એક પણ ચીક્કીનું પેકેટ ન હોવાને કારણે ભક્તોમાં આક્રોશની જ્વાળા ભભૂકી હતી. લોકો માનવ કલાકનો વેડફાટ કરી લાંબી કતારોમાં પ્રસાદ કાઉન્ટર ઉપર પ્રસાદની રાહ જોઈ રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.
મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવાર અને હોળીના પર્વને લઈ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાની ભક્તોની માંગ છે. વર્ષો જૂની પરંપરા મુજબ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ હતી. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ થયા છે. આ મામલે અલ્ટીમેટમ પણ આપવામા આવ્યું છે તો બીજી તરફ કલેકટર દ્વારા રાહતરૂપ નિર્ણયની ખાતરી પણ અપાઈ છે. પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ સ્પષ્ટ નિર્ણય કરાયો નથી.