Allegedly worlds worst tax fraud unrevealed in Europe also involves Gujarati businessman
VTV વિશેષ /
4000 અબજ રૂપિયાનું કૌભાંડ થઈ ગયું અને કોઈને ગંધ પણ ન આવી, જાણો કેમ
Team VTV04:05 PM, 17 Nov 19
| Updated: 04:16 PM, 17 Nov 19
યુરોપના અનેક દેશોમાં છેલ્લા થોડા વર્ષથી ચાલી રહેલી ટેક્સની ઠગાઈ પર હવે કેસ થયો છે જેમાં જર્મન ટેક્સના કાયદાઓમાથી છટકબારી શોધીને 2 અંગ્રેજ બેન્કરોએ 60 અબજ ડોલર એટલે કે 4000 અબજ રૂપિયાની ગેરરીતિ આચરી છે. નિષ્ણાતોના મતે ઘણા દેશોના બિઝનેસમેન, બ્રોકર અને બેન્કરો આ કૌભાંડમાં સામેલ છે.
એક ગુજરાતીએ ડેન્માર્કમાં આચર્યું છે આ અંતર્ગત કૌભાંડ
આ કૌભાંડને CumEx-Files નામ આપવામાં આવ્યું છે જેમાં માર્ટિન શિલ્ડ અને નિકોલસ ડાઈબલ નામના બે અંગ્રેજ બેન્કરોને મુખ્ય ગુનેગારો માનવામાં આવી રહ્યા છે જેમાં 55 અબજ પાઉન્ડ એટલે કે 60 અબજ ડોલરની ગેરરીતિ આચરવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે વિશ્વની સૌથી મોટી શેરબજારની ઠગાઈમાં પણ 20 અબજ ડોલરનું કૌભાંડ હતું જયારે આ કેસમાં બધા જ રેકોર્ડ તૂટી ગયા છે.
નિષ્ણાતોના મતે આ ગુનો ખૂબ પેચીદો હોવાથી લોકોનું તેની તરફ વધુ ધ્યાન પડ્યું નથી. આ પેચીદાપણાના લીધા જ વર્ષ સુધી આ કેસ લોકોની નજરથી દૂર રહ્યો.
Cum-ex ટ્રેડિંગ
માર્ટિન શિલ્ડ અને નિકોલસ ડાઈબલ એક મોટા અને પેચીદા બેન્ક, બ્રોકર, ઇન્વેસ્ટર, વકીલો અને કન્સલટન્ટના વિશાળ જાળાનો એક ભાગ હતા જેઓ કંપનીના શેર સતત એક બીજાને ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ ટ્રાન્સફર એટલી ઝડપી હતી કે જર્મનીના ટેક્સ ઓફિસર સમજી શકતા ન હતા કે કોઈ એક સમયે એક સ્ટોક કોની માલિકી હેઠળ હતો. પરિણામે કાગળ ઉપર એક સમયે એક સ્ટોકના ત્રણ ચાર માલિકો હતા.
આ તમામ માલિકો ડિવિડન્ડ મળ્યા બાદ સ્ટોક ઉપરનો ટેક્સ રિફંડ ક્લેઇમ કરતા હતા. આથી એક જ સ્ટોક ઉપર ચાર પાંચ કે તેથી પણ વધુ વખત ટેક્સ રિફંડ આપવો પડી રહ્યો હતો. આમ ટેક્સ ભરનાર લોકોના નાણા આવા કૌભાંડમાં વેડફાઈ રહ્યા હતા. આ બધી પાર્ટી ત્યાર બાદ ભેગા થઈને રકમ સરખા ભાગે વહેંચી લેતી હતી.
શું જટિલ અને ગુંચવાડાભર્યા ગુનાઓ અવગણાય છે?
આ કૌભાંડ એટલું અટપટું છે કે આ ગુના સામે 651 પાનાની લાંબી લચક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કૌભાંડમાં કાયદા મુજબ બંને આરોપીઓને વધુ માં વધુ 10 વર્ષની સજા મળી શકે તેમ છે.
આ કેસનું ગુજરાતી કનેક્શન ; દુબઇનો આરોપી સંજય શાહ
ડેનમાર્કની સરકાર માટે સંજય શાહ મોસ્ટ વોન્ટેડ છે. સંજયે આશરે 1.65 અબજ યુરો ડોલરના ટેક્સની ગેરરીતિ આચરી છે. તેણે 2012-2015 સુધીમાં આ કૌભાંડ કર્યું છે જે ડેનમાર્કના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે. આ ઉપરાંત તેણે 200 મિલિયન યુરો ડોલરનું કૌભાંડ બેલ્જીયમમાં અને 65000 યુરો ડોલરનું કૌભાંડ નોર્વેમાં આચર્યું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. તેની કંપની સોલો કેપિટલને 2016માં બંધ કરી દેવામાં આવી. સંજય અત્યારે દુબઇ રહે છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરાઈ હોવાનો ઇન્કાર કરે છે.