ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ કેડસમા પાણીમાં ઑફિસ જવાની આદત પાડી લેજો! હજુ 3 વર્ષ સુધી તપવું પડશે
Last Updated: 12:59 PM, 16 September 2026
ADVERTISEMENT
અમદાવાદને આગામી ત્રણ વર્ષ સુધી ચોમાસામાં હાલ જેવી અથવા તેનાથી પણ વધુ જળભરાવની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના અનેક મોટા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે, સોમવારે પડેલા ૩.૪ ઇંચ વરસાદે શહેરના અનેક વિસ્તારોને ફરી જળબંબાકાર કરી દીધા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવી નાખી હતી.
ADVERTISEMENT
એએમસીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, શહેરનાં ૪૧ તળાવોને ઇન્ટરલિંક કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૩૧ તળાવોને જોડવાની કામગીરી ચાલી રહી છે. જોકે, હજુ ૧૦૦ તળાવો ઇન્ટરલિંક કરવાનાં બાકી છે. આ કામગીરી પૂર્ણ થતાં આશરે ત્રણ વર્ષ લાગી શકે છે. પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન વારંવાર ગંભીર જળભરાવની ફરિયાદો ઊઠતી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે એએમસી તેની પરંપરાગત હદની બહાર જઈને કામગીરી કરવાની તૈયારીમાં છે.
એએમસી દ્વારા ખારીકટ કેનાલ ફેઝ-૨ પ્રોજેક્ટને ખારી નદી સાથે જોડવાની યોજના બનાવવામાં આવી છે. ખારી નદી એએમસીની હદ બહાર આવેલી છે. આ જોડાણથી શહેરમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં સુધારો થવાની આશા છે.
ADVERTISEMENT
એએમસીના અધિકારીએ જણાવ્યું છે કે અત્યાર સુધી એએમસી પોતાની હદની બહાર જઈને કામગીરી કરતું નહોતું, પરંતુ વરસાદ કોઈ હદ જોતો નથી અને ચોમાસા તથા વરસાદની પેટર્નમાં પણ સ્પષ્ટ ફેરફાર જોવા મળી રહ્યો છે. તેથી હવે ખારીકટ કેનાલ ફેઝ-૨ને ખારી નદી સાથે જોડવામાં આવશે. આથી સમસ્યા હળવી થવાની આશા છે, પરંતુ આ કામગીરીમાં પણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગશે.”
ડ્રેનેજની ખામીઓ હજુ યથાવત્
ADVERTISEMENT
એએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ, એસ.પી. રિંગ રોડ, બોપલ અને ઘુમા જેવા ઝડપથી વિકસી રહેલા વિસ્તારોમાં હજુ મોટા પાયે કામગીરી કરવાની બાકી છે. એસ.પી. રિંગ રોડનું નિર્માણ થયું ત્યારે આ વિસ્તારોમાં ભવિષ્યમાં થનારા વિકાસના વ્યાપનો અંદાજ નહોતો. પરિણામે આજે પણ અનેક વિસ્તારો શહેરના વરસાદી પાણીના નિકાલના નેટવર્ક સાથે જોડાણની રાહ જોઈ રહ્યા છે.અમદાવાદમાં કુલ ૧૭૧ તળાવો છે. તેમાંથી ૪૧ તળાવોનું ઇન્ટરલિંકિંગ પૂર્ણ થઈ ગયું છે. આસપાસના વિસ્તારોમાં પણ આશરે ૫૦ ટકા વિસ્તારમાં ‘સ્પોન્જ ગાર્ડન’ વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
૨૧થી ૨૩ જુલાઈ વચ્ચે ૧૧.૫ ઇંચ વરસાદે શહેરને ધમરોળ્યું હતું
ADVERTISEMENT
૨૧ જુલાઈથી ૨૩ જુલાઈ દરમિયાન શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયંુ હતું. આ સમયગાળામાં આશરે ૧૧.૫ ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, વીજ પુરવઠો ખોરવાયો હતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક વાહનચાલકોએ પોતાનાં વાહનો રસ્તા પર જ છોડવાની ફરજ પડી હતી.
ગયા સોમવારે ફરી એક વખત વરસાદે શહેરના અનેક વિસ્તારોને થંભાવી દીધા હતા. પાણી ભરાયેલા રસ્તાઓ અને ટ્રાફિકજામ વચ્ચે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે જળભરાવની અસર ઘરોમાં ગણેશજીની મૂર્તિઓની ડિલિવરી પર પણ પડી હતી. પાણી ભરાવાને કારણે લોકો સમયસર મૂર્તિઓની ડિલિવરી લઈ શક્યા નહોતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાણંદમાં ફરી દીપડાના ભણકારા, એક શ્વાનના શિકારની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ફફડાટ
વરસાદી પાણી ભરાઈ જવા એ અમદાવાદ માટે નવી સમસ્યા નથી
ADVERTISEMENT
અમદાવાદ માટે વારંવાર થતો જળભરાવ કોઈ નવી સમસ્યા નથી. તેમ છતાં શહેરના આયોજકો વડોદરા શહેરમાં સ્વતંત્રતા પહેલાં વિકસાવવામાં આવેલા ડ્રેનેજ નેટવર્કમાંથી મળેલા બોધપાઠની અવગણના કરી રહ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. વડોદરામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પ્રમાણમાં ઓછી જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.