ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસકુમાર રમેશની હાલમાં કંઇક આવી છે સ્થિતિ
Last Updated: 06:21 PM, 11 June 2026
ADVERTISEMENT
અમદાવાદમાં એર ઈન્ડિયાની AI-171 ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આ ભયાનક અકસ્માતના એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમાર રમેશ માટે જાણે સમય હજુ પણ ૧૨ જૂન, ૨૦૨૫ના દિવસ પર જ અટકી ગયો છે. અકસ્માતમાંથી ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસકુમાર આજે પણ શારીરિક પીડા, માનસિક આઘાત, આર્થિક મુશ્કેલીઓ અને પોતાના ભાઈના વિયોગના દુઃખ સામે લડી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
37 વર્ષીય વિશ્વાસકુમાર દુર્ઘટના બાદ સારવાર માટે અને પોતાના પરિવાર સાથે રહેવા માટે 15 સપ્ટેમ્બરે બ્રિટન પરત ફર્યા હતા. તે સમયે મીડિયાએ તેમને 'વિશ્વના સૌથી નસીબદાર વ્યક્તિ' તરીકે રજૂ કર્યા હતા, પરંતુ તેમના માટે આ બચાવ કોઈ ખુશીનો વિષય નથી. તેમના નાના ભાઈ અજય રમેશનું પણ આ દુર્ઘટનામાં મોત થયું હતું. વિશ્વાસકુમાર માત્ર એટલા માટે બચી ગયા હતા કે તેમની બેઠક 11A ઈમરજન્સી એક્ઝિટની બાજુમાં હતી. વિશ્વાસકુમાર કહે છે, મારા માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે મારો ભાઈ હવે મારી સાથે નથી. દુર્ઘટનાની વરસી એ ખોટને ફરી જીવંત કરી દે છે. હું જીવિત છું તે બદલ આભારી છું, પરંતુ એ દિવસે મારા જીવનનો એક ભાગ હંમેશ માટે ખોવાઈ ગયો.
ADVERTISEMENT
દુર્ઘટના પછીના મહિનાઓમાં વિશ્વાસકુમાર પોતાના રૂમમાંથી બહાર પણ નીકળતા નહોતા. પરિવારજનો કે મિત્રો સાથે વાતચીત કરવાનું પણ ટાળતા હતા. એક વર્ષ બાદ પણ તેમની સ્થિતિ સંપૂર્ણપણે સુધરી નથી. તેઓ હજુ પોતાના પાંચ વર્ષના પુત્ર દિવાંગને શાળાએ મૂકવા જઈ શકતા નથી કે સામાન્ય ખરીદી માટે પણ બહાર નીકળી શકતા નથી. તેમ છતાં હવે સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. ફ્લેશબેક અને માનસિક આઘાત હજુ પણ પીછો છોડતા નથી, પરંતુ હવે તેઓ પરિવાર સાથે થોડો વધુ સમય વિતાવી રહ્યા છે. લેસ્ટરના બિઝનેસ સલાહકાર અને હિન્દુ સમાજના આગેવાન સંજીવ પટેલ છેલ્લા એક વર્ષથી વિશ્વાસકુમારને માર્ગદર્શન આપી રહ્યા છે. કાનૂની પ્રક્રિયા, તબીબી સહાય, દસ્તાવેજી કાર્યવાહી અને મીડિયાથી રક્ષણ જેવી બાબતોમાં તેઓ નિઃશુલ્ક મદદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંજીવ પટેલના જણાવ્યા મુજબ વિશ્વાસકુમારને અત્યાર સુધી એર ઈન્ડિયા તરફથી 21,500 પાઉન્ડ (આશરે રૂ. 25 લાખથી વધુ)ની વચગાળાની સહાય મળી છે. તાજેતરમાં એર ઈન્ડિયા અને ટાટા ગ્રૂપના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં પરિવારને વધુ આર્થિક સહાય અંગે ચર્ચા થઈ હતી. એર ઈન્ડિયાએ હાલ માટે તેમના ખાનગી તબીબી ખર્ચ ઉઠાવવાની પણ સંમતિ આપી છે.
આ પણ વાંચો : ''એવું લાગે કે હમણાં દરવાજેથી અંદર આવશે'', કચ્છના એ પરિવારનો તો જાણે સમય જ થંભી ગયો
ADVERTISEMENT
અમદાવાદમાં એર અકસ્માત તપાસ આ વર્ષે ૨૯ માર્ચે વિશ્વાસકુમારે અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમના વકીલ પૉલ મેકક્લોરીએ જણાવ્યું હતું કે તપાસના દરેક પાસાનું વિશ્લેષણ કરવામાં આવશે અને જો કોઈ પક્ષની બેદરકારી કે ખામી સામે આવશે તો તેની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. બીજી તરફ એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે AI-171 દુર્ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિને સંવેદનાપૂર્વક સહાય પહોંચાડવા માટે કંપની પ્રતિબદ્ધ છે. વિશ્વાસકુમાર રમેશ અને તેમના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં રહીને જરૂરી સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે. એક વર્ષ પહેલાં વિમાનના સળગતા કાટમાળમાંથી બહાર નીકળેલા વિશ્વાસકુમાર રમેશ આજે જીવિત તો છે, પરંતુ તેમના પોતાના શબ્દોમાં કહીએ તો "મારું એક અસ્તિત્વ એ દિવસે હંમેશ માટે ખોવાઈ ગયું."
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.