બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ''એવું લાગે કે હમણાં દરવાજેથી અંદર આવશે'', કચ્છના એ પરિવારનો તો જાણે સમય જ થંભી ગયો
Last Updated: 05:19 PM, 11 June 2026
અમદાવાદમાં એક વર્ષ પહેલાં સર્જાયેલી એર ઈન્ડિયાની AI-171 વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોનાં જીવનને કાયમ માટે બદલી નાખ્યાં હતાં. કચ્છના દહીંસરા ગામના અનિલ ખીમાણીના પરિવાર માટે તો આજે પણ જાણે સમય થંભી ગયો હોય એવી સ્થિતિ છે. 35 વર્ષીય અનિલના ભાઈ રાકેશ ખીમાણી કહે છે, આજે પણ ક્યારેક લાગે છે કે અનિલ વિદેશમાં જ સ્થાયી થયો છે. અચાનક ફોન કરશે કે ઘરના દરવાજેથી અંદર આવી જશે એવું મન માની લે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત બની હતી. અનિલ પણ આ દુર્ઘટનાનો ભોગ બનનારાઓમાં સામેલ હતો. અનિલના અવશેષો એ હદે બળીને ખાખ થઈ ગયા હતા કે ડીએનએ મેચિંગ કરવામાં ફોરેન્સિક નિષ્ણાતોને ભારે મુશ્કેલી પડી હતી, પરિણામે તે દુર્ઘટનાના મુસાફરોમાં સૌથી છેલ્લે ઓળખાયેલી વ્યક્તિ હતો.
ADVERTISEMENT
અષાઢી બીજ એટલે કે 27 જૂન, 2025ના રોજ તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. તેના એક દિવસ પહેલાં જ પરિવારજનો આશા ગુમાવી બેઠાં હતાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સલાહ મુજબ અનિલનાં કપડાંથી પ્રતીકાત્મક અંતિમવિધિ પણ કરી દીધી હતી. ત્યાર બાદ ડીએનએ મેચ થતાં તેના અવશેષો સાથે ફરી અંતિમ સંસ્કાર કરાયા હતા. રાકેશ કહે છે કે દુર્ઘટના પછીના મહિનાઓ અત્યંત કઠિન હતા. કોઈ તેના નામનો ઉલ્લેખ કરે તો આજે પણ આખો પરિવાર ભાંગી પડે છે. મારાં માતા-પિતા હજુ સુધી સંપૂર્ણપણે આ હકીકત સ્વીકારી શક્યાં નથી.
ADVERTISEMENT
અનિલ તેની પાછળ પત્ની અને બે દીકરીઓને છોડીને ગયો છે. મોટી દીકરી આજે સાત વર્ષની છે, જ્યારે નાની દીકરી દુર્ઘટના સમયે માત્ર પાંચ મહિનાની હતી. મોટી દીકરી વારંવાર તેના પપ્પા વિશે પૂછે છે. અમે તેને એટલું જ કહીએ છીએ કે પપ્પા વિદેશમાં છે. મોટી થશે તેમ સત્ય પોતે સમજી જશે તેવું રાકેશ ભાવુક અવાજે કહે છે.

ADVERTISEMENT
પરિવારનો બાંધકામ અને મેન્ટેનન્સનો વ્યવસાય હવે રાકેશ એકલા સંભાળી રહ્યા છે. અનિલ કુશળ કારીગર હતો અને અગાઉ સેશેલ્સમાં પણ કામ કરી ચૂક્યો હતો. યુકેમાં છ મહિનાના વિઝિટર વિઝા પર જઈને નવી તકો શોધવાનું તેનું સપનું હતું. રાકેશ યાદ કરે છે કે અનિલને આ પ્રવાસ ન કરવા માટે તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેની પહેલી વિઝા અરજી નામંજૂર થઈ હતી. મેં કહ્યું હતું કે અહીં પણ પૂરતું કામ છે, પરંતુ તે પરિવાર માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માંગતો હતો.
ADVERTISEMENT
એક બીજી વાત આજે પણ તેમને કચવતી રહે છે. અમે મૂળ તો રવિવારની ફ્લાઇટ લેવાનું વિચારી રહ્યા હતા, જેથી પરિવાર અમદાવાદ ફરી શકે, પરંતુ આ ફ્લાઇટની ટિકિટ સસ્તી હતી અને સામાનનો ખર્ચ પણ બચતો હતો. અંતે અનિલે આ ફ્લાઇટ પસંદ કરી અને મેં પણ સંમતિ આપી દીધી.
આ પણ વાંચો : કંડલા પોર્ટની જમીન પરના દબાણો હટાવવા બહાર પડાયેલું ટેન્ડર વિવાદમાં? મામલો કરોડોમાં
સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ખીમાણી પરિવાર માટે છેલ્લા એક વર્ષ દરમિયાન આધ્યાત્મિકતા સૌથી મોટો સહારો બની છે. પરિવાર દર મહિનાની ૧૨ તારીખે અનિલની સ્મૃતિમાં પ્રાર્થના કરે છે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજે છે. તેમ છતાં દુઃખ હજુ યથાવત્ છે. કાનૂની કાર્યવાહી અંગે પૂછતાં રાકેશ કહે છે તપાસનું સત્ય બહાર આવવું જોઈએ, પરંતુ હવે તેનાથી શું બદલાશે? અનિલ પાછા તો આવવાનો નથી. અમે તેને નસીબ અને ભગવાનની ઈચ્છા માનીને જીવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. AI-171 દુર્ઘટનાની પ્રથમ વરસી આવતી કાલે છે, પરંતુ દહીંસરાના આ પરિવાર માટે દરવાજા તરફની એક આશાભરી નજર અને કદી ન વાગનારો એક ફોન આજે પણ અધૂરી રાહ બનીને જીવંત છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad plan crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસકુમાર રમેશની હાલમાં કંઇક આવી છે સ્થિતિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.